Ahmedabad News: લોકસભા ચૂંટણી પછી ગુજરાતમાં પ્રથમ વખત પધારેલા વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીએ અયોધ્યા મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે લોકોના સપનાઓની ‘જમીન’ પર ઊભી થયેલી અયોધ્યા ભાજપનો ‘‘શીશમહેલ’ છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાનો સરવે કરાવ્યો હતો અને તેમા તેમને ખબર પડી ગઈ હતી કે જો તે અયોધ્યાથી ઊભી રહેશે તો હારી જશે અને તેમની રાજકીય કારકિર્દી પૂરી થઈ જશે. અયોધ્યાના કાર્યકરોએ તેમને ત્યાંથી ચૂંટણી લડવાની ના પાડી હતી અને એટલે જ તે કાશીથી ઊભા રહ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે અયોધ્યાના કેટલાય લોકોના ઘરો તોડી પાડવામાં આવ્યા છે, મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને તેના માટે કોઈપણ વળતર સરકારે આપ્યું નથી. આ ઉપરાંત અયોધ્યામાં એરપોર્ટ બનાવવા માટે ખેડૂતો પાસેથી જમીન છીનવી લેવાઈ છે અને તેમને પણ વળતર આપવામાં આવ્યું નથી. આ બધાએ તેમનો ગુસ્સો મતપેટીમાં ઠાલવ્યો છે એટલે જ તો અયોધ્યામાં દૂરદૂર સુધી ભાજપ દેખાતું નથી. તેમણે જણાવ્યું હતું કે રામમંદિરના ઉદઘાટનમાં અંબાણી અને અદાણી જોવા મળ્યા, અડવાણી જોવા ન મળ્યા, જેમણે ભાજપનો પાયો નાખ્યો હતો. કોઈ ગરીબ જોવા ન મળ્યો. જ્યારે રામરાજ્યની આસ્થાનો આધાર જ ગરીબની વાતને સાંભળવાનો છે. શું ભાજપનું રામરાજ્ય ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવીને ઊભું કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે હું ભાજપની અંદરની વાત કહું છું કે વડાપ્રધાન મોદીને કોઈ ભાજપમાં ઇચ્છતું નથી. તેમના લોકો તેમનાથી ડરે છે. તેમને પ્રેમ કરતા નથી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર છે અને તેઓ ભાજપના ટાઇગરનો મુકાબલો કરશે.
તેમણે જણાવ્યું હતું કે અયોધ્યાની હાલની સ્થિતિ જુઓ તો છે તેના કરતાં પણ વધારે કરાબ થઈ ગઈ છે. તેની સાથે તેમણે જણાવ્યું હતું કે ભાજપે કોંગ્રેસની ઓફિસ તોડી તો કોંગ્રેસ તેમની સરકાર તોડશે. તેમણે જણાવ્યું હતું કે સંસદમાં મેં બતાવેલી અભય મુદ્રાનો અર્થ થાય છે કે ડરવાનું નથી અને ડરાવવાના પણ નથી. ગુજરાતની પ્રજાને પણ કહું છું ડરો નહી. તેમણે કોંગ્રેસની આંતરિક ખામીઓ અંગે જણાવ્યું હતું કે હા અમારા પક્ષમાં ખામીઓ છે. પણ અમારા પક્ષમાં કોઈ ડર નથી. અમે સત્ય સાંભળવાથી ડરતા નથી. અમારે ત્યાં બધા ખુલ્લા દિલથી વાતો કરે છે. જ્યારે ભાજપમાં બધા ડરે છે. કોઈ નેતા કે કાર્યકર મોદી સામે બોલી શકતો નથી કે ટીકા કરી શકતો નથી. આમ કરનારાની સ્થિતિ બગડી જાય છે.
ગુજરાતમાં કોંગ્રેસ સાવ હાંસિયે ધકેલાઈ ગઈ છે ત્યારે તેમણે પક્ષના કાર્યકરોમાં નવો જોશ ભરતા જણાવ્યું હતું કે આપણે આગામી ચૂંટણીનું ઘોષણાપત્ર લોકોને પૂછીને જ બનાવીશું. ઘોડા બે પ્રકારના હોય છે એક લગ્નના ઘોડા અને એક રેસના ઘોડા. આપણે રેસના ઘોડાને જ હવે મેદાનમાં ઉતારીશું. લખી રાખો 2027ની ચૂંટણી આપણે જ ગુજરાતમાં જીતવાની છે.
આ પણ વાંચો: રથયાત્રા નિમિત્તે AMTS, BRTS નહીં દોડે, કાલુપુરના કેટલાક રૂટ કરાયા બંધ
આ પણ વાંચો:Gujarat Rain Live 6 July: ગુજરાતમાં આજે કેટલો છે વરસાદ…
આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…
