Ahmedabad News: અમદાવાદમાં ખતરનાક ચાંદીપુરા વાઇરસની એન્ટ્રી થઈ છે. અમદાવાદના ચાંદલોડિયા અને આંબાવાડીમાં એક-એક બાળક દાખલ કરવામાં આવ્યા છે. તેઓને ચાંદીપુરા વાઇરસ થયો હોવાનું માનવામાં આવે છે. આના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી પહોંચ્યું છે. તેણે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. આમ રાજ્યના આઠ જિલ્લામાં હવે ચાંદીપુરા વાઇરસ ફેલાઈ ચૂક્યો છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર પાટડીથી, દહેગામથી, અરવલ્લીથી અને ધનસુરાથી એક-એક બાળદર્દી દાખલ છે. આ ઉપરાંત મહેસાણાના ખેરાલુમાંથી વરેઠા ગામના એક વર્ષના બાળકને લવાયો હતો તેનું મોત થયું છે. રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે કહેર મચાવ્યો છે, ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસોમાં દિવસેને દિવસે વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે આજરોજ શંકાસ્પદ વાઇરસ કેસમાં બે બાળકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યાં ગોધરાની 4 વર્ષની બાળકીએ વડોદરા SSG હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
પુણેથી આવેલા રિપોર્ટમાં મોડાસાની એક બાળકી ચાંદીપુરા વાઇરસથી પોઝિટિવ હતી અને તેનું મોત આ વાઇરસથી થયું હોવાનું કન્ફર્મ થયું હતું. હાલમાં ચોમાસાની સિઝનમાં ગુજરાત સહિત જિલ્લાભરમાં કોલેરા અને ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા કોટડા ગામે એક ચાર વર્ષથી બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસ મળી આવતા આરોગ્ય તત્રમાં હરકતમાં આવી ગયું હતું અને વિવિધ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે ગોધરા તાલુકાના કોટડા ગામે એક ચાર વર્ષની બાળકીને તાવ ઝાડા, ઉલટી અને ખેંચ આવતા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના આઠ બાળકોના કેસ સારવાર માટે આવ્યા હતા. જેમાંથી 6 બાળકોના મોત નીપજ્યાં હતા અને બે બાળકો સારવાર હેઠળ છે. ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા સેમ્પલ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ આજે સાંજે આવ્યા છે. જેમાં ચારમાંથી એક પોઝિટિવ અને ત્રણ નેગેટિવ રીપોર્ટ આવ્યા છે. જ્યારે હવે બાકીના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, રિપોર્ટના આધારે એ કનફોર્મ થાય છે કે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારિયા ગામની 6 વર્ષીય કિંજલનું ચાંદીપુરા વાઈરસથી મોત નીપજ્યું હતું.
શું છે આ રોગના મુખ્ય લક્ષણો અને કેવી રીતે થાય છે
જે વેકટર –અસરગ્રસ્ત સેન્ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ.
શું આ રોગ ચેપી છે?
વધુ વિગતો આપતા ઋષિકેશ પટેલે કહ્યું કે, ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. જેના પરિણામે અત્યારસુધીમાં કુલ 4487 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે. સેન્ડ ફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે.
રાજ્ય આરોગ્ય વિભાગે અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે. રાજ્યના નાગરિકોને આ રોગ થી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી જોઈએ અને પ્રાથમિક લક્ષણો જણાઇ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવા પણ અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો: Gujarat Rain Live: ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, રાજ્યમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: શું ગુજરાતમાં શહેરોની સરખામણીએ ગામડામાં વધુ મોંઘવારી છે? કયાં મોંઘવારી વધી સામે આવ્યો રિપોર્ટ
આ પણ વાંચો: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યું ડુપ્લીકેટ દવાખાનું
