Gujarat News: ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ગોંડલ સર્કિટ હાઉસ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠકમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કેન્દ્રીય બજેટને ‘ખુરશી બચાવો બજેટ’ ગણાવ્યું હતું. બજેટમાં બિહાર અને આંધ્રને સાચવ્યા અને ગુજરાતને ભૂલી ગયા હોવાના આક્ષેપો કર્યા છે. ગુજરાત સરકારે પૂરથી અસરગ્રસ્ત લોકોને રાહત, બચાવ અને પુનર્વસનની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવી જોઈએ તેમ જણાવ્યું હતું. ઉપરાંત સરકારની રાહત કામગીરી સંપૂર્ણ નિષ્ફળ જાય છે તે અંગે સરકારને નિશાન બનાવ્યા હતા.
તેમણે જણાવ્યું કે, ભાજપની કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું છે. લોકોને ખૂબ અપેક્ષા હતી કે આ બજેટમાં લોકો માટે કંઈક હશે, પરંતુ લોક ઉપયોગી કોઈ યોજના બજેટમાં નથી. આ ખુરશી બચાવો બજેટ છે. કેન્દ્ર સરકારને ખુરશી બચાવવી છે. બિહારના નીતિશબાબુ અને આંધ્રના ચંદ્રબાબુની સત્તામાં ટકી રહેવા માટે જરૂર છે. બાકી બીજા કોઈ રાજ્યને વિશેષ ફંડ આપ્યું નથી. આપણા ગુજરાત માટે એક શબ્દ પણ બજેટમાં નહીં. બિહાર અને આંધ્ર પ્રદેશ માટે ખુરશી બચાવો બજેટમાં અનેક યોજનાઓની જાહેરાત કરાઈ છે.

આક્ષેપો કરતાં કહ્યું કે, બિહારમાં પૂર નિયંત્રણ માટે સ્પેશિયલ પેકેજ તરીકે હજારો કરોડો ફાળવી આપ્યા છે. ગુજરાતમાં વારંવાર ઘેડ વિસ્તારમાં પાણી ભરાય છે. દર વખતે સૌરાષ્ટ્રના આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે. નવસારી, સુરત, દ્વારકા, પોરબંદરમાં અતિવૃષ્ટિ થઈ છે. ગુજરાતમાં અનેક વખત પૂર આવે છે. છતાં એક રૂપિયાની ફાળવણી ગુજરાત માટે કેન્દ્રીય બજેટમાં નથી. વરસાદી પાણીના નિકાલ માટે નગર અને મહાનગરોમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બને અને પૈસા ખવાઈ જાય છે. શહેરો અને નગરોમાં થોડા વરસાદમાં લોકોનાં ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાઈ જાય છે. ગુજરાત સરકાર ભયમુક્ત ભ્રષ્ટાચાર કરી રહી છે.
બિહારને સ્પેશિયલ પેકેજની જોગવાઈ કરી છે. તેનું કારણ છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના ટેકાથી સરકાર ચલાવવાની છે માટે કૃષિ બચાવવા માટે બે જ રાજ્યોને વિવિધ યોજનાઓનો હજારો કરોડનો લાભ આપ્યો છે. ગુજરાતનો બજેટમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. ગુજરાતમાં જે વરસાદી પાણીના કારણે નુકસાન થાય છે તેના માટે તેવા વિસ્તારો માટે બજેટમાં એકપણ રૂપિયાની જોગવાઈ કેન્દ્ર સરકારે કરી નથી. ગુજરાતમાં વરસાદના કારણે થયેલા આ પ્રકારના બધા મુદ્દાઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઝીરો અવર્સની નોટિસ આપી છે, જે માન્ય થઈ ગઈ છે અને સોમવારે ઝીરો અવર્સના ક્રમમાં ત્રીજા નંબર ઉપર રાજ્યસભામાં ઉઠાવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ એમ. દોશીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં વરસાદના કારણે ખૂબ મોટાપાયે તારાજી થઈ છે. આ તારાજીનો પ્રશ્ન અને સરકાર દ્વારા જરૂરી લેવાતા પગલાંઓમાં નિષ્ફળતાનો મુદ્દો સોમવારે સંસદમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા ઉઠાવવામાં આવશે. ગુજરાતમાં વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ મોટાપાયે નુકસાની આવી છે. ગુજરાતના નગરો અને શહેરોમાં વરસાદી પાણીના નિકાલ માટેના કામોના નામે કરોડો રૂપિયા કાગળ ઉપર ખર્ચાય છે, પરંતુ હકીકતમાં વરસાદી પાણીના નિકાલના બદલે ખૂબ મોટાપાયે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓની મિલિભગતનો ભયમુક્ત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેના કારણે શહેરો અને નગરોમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને લોકોના ઘર તથા ધંધા રોજગારના સ્થાનોમાં પાણી ઘૂસી જવાના કારણે ન કલ્પી શકાય તેવું મોટાપાયે નુકસાન થયું છે.
દર વર્ષે ઘેડ જેવા અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ખેતરોમાં અને ગામોમાં ફરી વળે છે. આ વર્ષો વર્ષની સમસ્યા હોવા છતાં ગુજરાત સરકારે કોઈપણ નક્કર પ્લાન એના માટે બનાવેલો નથી. વેરાવળમાં ગયા વર્ષે સોસાયટીમાં પાણી ઘૂસવાથી જાનહાનિ થઈ હતી ત્યાં ઓછામાં ઓછો એક વર્ષનો સમય મળ્યો હતો ત્યારે સરકારે પાણીના નિકાલ માટેની પૂરતી વ્યવસ્થા કરી લેવી જોઈતી હતી, પરંતુ આવી કોઈ વ્યવસ્થા નહીં કરી હોવાના કારણે આ વર્ષે પણ એ જ વિસ્તારોમાં ખૂબ મોટાપાયે પાણી ઘૂસી જવાના કારણે બે યુવાનોના મૃત્યુ થયા છે.
આ પણ વાંચો:મહેસાણામાં રૂ. 22 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરાનો ખોફ યથાવત, વાયરસ 52 બાળકોને ભરખી ગયો
આ પણ વાંચો:વિકાસની મોટી વાતો! આમોદમાં રૂ. 7 કરોડના ખર્ચે બનેલા રસ્તાનું પહેલા વરસાદમાં ધોવાણ
આ પણ વાંચો:વડોદરાના વૃદ્ધે વર્લ્ડ માસ્ટર ચેમ્પિયનશિપમાં 16 સેકન્ડમાં 100 મીટર દોડમાં બ્રોન્ઝ જીત્યો
