Rajkot News: રાજકોટ મનપા દ્વારા છેલ્લાં બે અઠવાડિયાથી રાજકોટ શહેરના જુદા-જુદા વોર્ડમાં ‘મેયર તમારે દ્વાર’ નામથી લોકદરબારનું આયોજન કરી રહ્યાં છે. આજે પણ શહેરના વોર્ડ નં. 11માં લોકદરબાર યોજાયો હતો, ત્યારે કોંગ્રેસ નેતા નયનાબા જાડેજાએ સફાઈ સહિતના વિવિધ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. સમસ્યાનું તાત્કાલિક સમાધાન થાય તે અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર સવાલોનો વરસાદ કર્યો હતો. ત્યારે ચેરમેન જયમીન ઠાકરે નયનાબાને અહીં રાજકારણ ન કરવું તેવી સલાહ આપી હતી. જયમીન ઠાકરે વોર્ડ નંબર 11માં વર્ષાંતે તમામ રસ્તા રિપેરિંગ કરી આપવાનું જણાવ્યું હતું.
વોર્ડ નં.11ના મલ્ટી એક્ટિવિટી સેન્ટર પાર્કિંગમાં નાના મોવા સર્કલ પાસે મેયર સહિતના અધિકારીઓની હાજરીમાં લોકદરબાર યોજાયો હતો. કોંગ્રેસનાં નેતા નયનાબાએ રાજકોટમાં આયોજીત લોકદરબારમાં જણાવ્યું હતું કે, જડ્ડુઝ રેસ્ટોરન્ટ પાસે જોઈ આવો… કચરો સાફ કરનારા કચરો સાફ કરી ત્યાં જ નાખી દે છે, ગંદકીને કારણે મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. શાક માર્કેટ ભરાય છે ત્યાં પણ કોઈ વ્યવસ્થા નથી. મવડીને તમે RMCમાં ભેળવ્યું છે ત્યાં કોઈ એનો રેકોર્ડ આપતા નથી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પેશનમાંથી કોઈ રેકોર્ડ માગવામાં આવે છે તો કોઈ આપતું નથી. પ્રી-મોન્સૂનના નામે તમારું કામ ઝીરો છે.

ત્યારે સવાલોથી ઘેરાઈને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર અકળાયા હતા અને જવાબ આપતાંહતું, આ લોકો માટેનો દરબાર છે, કોઈ રાજકીય અખાડો નથી, ત્યારે અહીં રાજકારણ થવું જોઈએ નહીં. નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે આજે મનપા દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમે પણ પ્રાથમિક સુવિધાઓ પ્રશ્ને રજૂઆત કરી હતી. એમાં રોડ-રસ્તા, સફાઈ અને પાણી પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી. એમાં મેયરના બદલે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે અમે લોકોના પ્રશ્નો માટે ચોમાસાનો સમય હોવા છતાં લોકો વચ્ચે જઈને તેમના પ્રશ્નો સાંભળીને એનો નિકાલ કરવા પ્રયાસ કરીએ છીએ. અન્ય દિવસો કરતાં ચોમાસા દરમિયાન રોડ-રસ્તાના પ્રશ્નો અને પાણી ભરાવાના પ્રશ્નો વધુ આવે એની જાણ હોવા છતાં લોકોની સમસ્યા દૂર કરવા માટે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં કોંગ્રેસનાં નેતા નયનાબા જાડેજા દ્વારા લોકદરબારને રાજકીય અખાડો બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો હોવાથી એને રોકવાની ફરજ પડી હતી.

જયમીન ઠાકરે વધુમાં કહ્યું કે, હિમાલયમાં ફ્રિજ વેચવા જેવું કામ ચોમાસામાં લોકદરબાર યોજવાનું છે છતાં ભાજપના શાસકો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે. અત્યારસુધીના તમામ લોકદરબારમાં કોંગ્રેસનો પણ સાથ મળ્યો છે. ક્યારેય લોકદરબારમાં રાજકીય ચર્ચાઓ થઈ નથી. અત્યારસુધીમાં જુદા-જુદા 10 વોર્ડમાં લોકદરબાર યોજાયા છે, જેમાં મળેલા પ્રશ્નો પૈકી અંદાજે 60 ટકા કરતાં વધુ પ્રશ્નોનો 10 દિવસમાં નિકાલ કરી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ક્યાં કેટલો વરસાદ પડશે
આ પણ વાંચો:વાપીમાં 7 ઈંચથી વધુ વરસાદ પડતાં જનજીવન ઠપ્પ!
આ પણ વાંચો:સુરતમાં ‘ભુવા’ઓનું રાજ! રસ્તાઓ બિસ્માર હાલતમાં, સુરતીઓ પરેશાન
