Patan News : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નીકળવા સહિતના પ્રશ્ને આજે કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને NSUIના કાર્યકરો પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં વિદ્યાર્થીઓના પાયાના પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન આવતાં આજે રજૂઆત કરવા પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભોજન યોગ્ય ના હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ અને NSUI દ્વારા આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરી હતી.
એને પગલે વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું છે, જેથી પોલીસે ટોળાંને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો તેમજ 30થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા છેપાલનપુર તાલુકા પી.આઇ. એમ.આર બારોટે જણાવ્યું હતું કે આજે NSUIના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કુમાર છાત્રાલયોમાં જે જમવાની બાબતે પ્રશ્નો અગાઉ આપેલા હતા, જેનું નિવારણ ન થતાં તાળાબંધી અને કચેરીના ઘેરાબંધીના કાર્યક્રમો આપેલા હતા. આજે તેમને રોકવામાં આવ્યા હતા અને સમજાવટ કરવામાં આવી હતી છતાં એ લોકોએ તાળાબંધીનો પ્રયાસ કરતાં પોલીસ સાથે ઘર્ષણ થતાં 25-30 જેટલા વિદ્યાર્થીઓને ડિટેઇન કરીને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા છે.આદિજાતિ કુમાર છાત્રાલયમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓને ખરાબ જમવાનું આપવામાં આવતું હોવાની બૂમાબૂમ ઊઠી છે. આજે આ બાબતને લઈને વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં 22/9/2024ના રોજ સવારે વિદ્યાર્થીના ભોજનની થાળીમાં દેડકો આવ્યો હતો. આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા તેમના અધિકારીને જાણ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું. જમવામાં અવારનવાર જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યાં નથી.આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા આદિજાતિ કુમાર છાત્રાલયના મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ અધિકારીને રજૂઆત કરતાં તેમણે બે દિવસમાં જમવાની ક્વોલિટી સુધરી જશે એવું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી.
વધુમાં ટેન્ડર દ્વારા મોકલવામાં આવેલી વસ્તુઓ એક્સપાયરી ડેટવાળી હોય છે, જેની વિદ્યાર્થીઓએ રૂબરૂ જઈને ખાતરી કરી છે. ત્યારે વિદ્યાર્થીઓને ભોજનમાં અવારનવાર ખરાબ જમવાનું આપવામાં આવતું હોઈ, વિદ્યાર્થીઓ બીમાર પણ પડી જતા હોય છે. આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા તેમને સારી ક્વોલિટીનું જમવાનું મળે એ માટે હાલમાં જે ટેન્ડર છે એ બદલવાની માગ સાથે અગાઉ પાટણમાં કલેક્ટરને લેખિતમાં રજૂઆત પણ કરી હતી.

આ પણ વાંચોઃ સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ
આ પણ વાંચોઃ ભારે વરસાદને પગલે અરવલ્લીની વાત્રક નદીમાં આવ્યા નવા નીર
આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, દરિયાકિનારા પર એલર્ટની સ્થિતિ
