Morbi News : મોરબીના લીલાપર ગામ નજીક સરકારી જમીન ઉપર ભાજપના આગેવાન દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી. જેથી કરીને કલેક્ટરે ડીએલઆર દ્વારા માપણી કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો. આગામી ત્રણ દિવસમાં તેનો રિપોર્ટ આવશે. ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે કલેક્ટરે જણાવ્યું હતું કે, કોઈની પણ શરમ રાખ્યા વિના યોગ્ય કામગીરી કરવામાં આવશે.મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટની બાજુમાં સરકારી જમીન ઉપર દબાણ થયું હોવા અંગેની મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા સરકારી વિભાગમાં અરજી કરવામાં આવી હતી. જેના આધારે તપાસ કરવામાં આવી હતી. જે તે સમયે મામલતદાર દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે. હાલમાં મામલતદારમાં દબાણનો કેસ ચાલી રહ્યો છે, તેવામાં આ દબાણ ભાજપના આગેવાન અરવિંદભાઇ બારૈયા દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
કલેક્ટર કે.બી ઝવેરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સરકારી જમીન ઉપર કોઈપણ પ્રકારનું કોઈનું પણ દબાણ હશે તો તેને તોડી પાડવામાં આવશે અને કોઈની પણ શેહશરમ રાખવામાં આવશે નહીં. કલેક્ટર દ્વારા સ્થળ ઉપર જઈને ડીએલઆરની માપણી કરવા આદેશ કરવામાં આવ્યો હતો. આગામી ત્રણ-ચાર દિવસની અંદર તેમનો રિપોર્ટ તૈયાર થશે તેવું અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આટલું જ નહીં જો સરકરી જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવ્યો હશે તો આ અંગે જીએસટી અને લાગુ પડતાં વિભાગોને પણ જાણ કરવામાં આવશે.મોરબીના લીલપર રોડે આવેલા વજેપરના સર્વે નંબરવાળી સરકારી જમીન પર ટંકારા તાલુકા ભાજપના માજી પ્રમુખ અરવિંદ બારૈયા દબાણ કરેલું છે.

ત્યાં જે પાર્ટી પ્લોટ આવેલો છે, જે દબાણને લઈને હાલમાં મામલતદારમાં કેસ ચાલી રહ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા ડીએલઆરને માપણી કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. સાથે જ કલેક્ટરે સખત શબ્દોમાં કહ્યું હતું કે, સરકારી જમીન ઉપર કોઈનું પણ દબાણ હશે તો કોઇની પણ શહેશરમ રાખ્યા વગર તે દબાણને દૂર કરવામાં આવશે. જો સરકારી જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવેલ હશે તો લાગુ પડતાં વિભાગોને પણ જાણ કરવામાં આવશે.મોરબીના લીલાપર રોડે વજેપર ગામના સર્વે નં. 1116 પૈકીની સરકારી ખરાબાની જમીન આવેલી છે. તે જમીનની આગળના ભાગમાં ક્લાસિક પાર્ટી પ્લોટ આવેલો છે. પાર્ટી પ્લોટનું સંચાલન કરતાં અરવિંદભાઇ બારૈયા કે જે ટંકારા તાલુકા ભાજપના માજી પ્રમુખ છે. તેમના દ્વારા આ જગ્યા પર મંડપ સર્વિસનો માલસામાન રાખવા માટે ડોમ વગેરે બનાવવામાં આવેલો છે. છેલ્લા ઘણા વર્ષોથી તેમના દ્વારા દબાણ કરવામાં આવેલું છે. ત્યાં લગ્નપ્રસંગો અને રાજકીય સભાઓ સહિતના કાર્યક્રમો યોજાય છે.
તંત્ર પાસેથી મળેલી માહિતી મુજબ, અંદાજે બે એકરથી વધુ સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવેલા છે અને કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીન ઉપર ભાજપના આગેવાને દબાણ કરેલું છે.આ બાબતે અરવિંદભાઇ બારૈયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, જે ક્લાસિક પાર્ટી પ્લોટનો અહેવાલ આવેલો છે, તે તેમની માલિકીનો છે. જે દબાણની વાત છે તેને લઈને હાલમાં તંત્ર દ્વારા જે પણ સહયોગ માંગવામાં આવ્યો છે તેમાં સહયોગ આપ્યો છે. આગામી સમયમાં પણ તંત્ર તરફથી જે સહકાર માંગવામાં આવશે તે તેમના દ્વારા આપવામાં આવશે અને તંત્ર જે આદેશ કરશે તે તેઓને શિરોમાન્ય રહેશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, વધારાની જમીન માંગવાની અરજી તેઓ દ્વારા કરી દેવામાં આવી છે અને તેના માટેની પણ કાર્યવાહી હાલમાં ચાલી જ રહી છે.મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે કલેક્ટરને રજૂઆત કરી હતી.
જેમાં જણાવ્યું હતું કે, મોરબી નજીક વજેપર ગામના સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરીને ઘણા સમયથી પાર્ટી પ્લોટ બનાવી નાખવામાં આવ્યો છે, તો પણ અધિકારીઓ મુક પ્રેક્ષકની ભૂમિકામાં છે. ત્યારે રાજકોટમાં બનેલી ઘટના જેવી કોઈ ઘટના મોરબીમાં બને તે પહેલાં સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરીને બનાવવામાં આવેલા પાર્ટી પ્લોટનું દબાણ દૂર કરવામાં આવે તેવી માગ કરી હતી.મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ 31/5/2024ના રોજ કલેક્ટરને આધાર પુરાવા સાથે જે લેખિતમાં રજૂઆત કરી હતી. તેમાં તેમણે જણાવ્યું છે કે, મોરબી જિલ્લાના મોજે- વજેપર ગામના રેવન્યુ સર્વે નં. 1116 ઉપર સરકારી ખરાબાની જગ્યા આવેલી છે. ત્યાં હાલમાં ક્લાસિક પાર્ટી પ્લોટનું ગેરકાયદે બાંધકામ કરીને દબાણ કરવામાં આવ્યું છે. પ્રસંગોપાત તેને ભાડે પણ આપવામાં આવે છે. તો પણ તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
સરકારી ખરાબાની જગ્યામાં વર્ષોથી જમીન દબાણ કરીને કૌભાંડ આચરવામાં આવ્યું છે, તો પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ પાર્ટી પ્લોટ કોની મીઠી નજર હેઠળ ચલાવવામાં આવે છે, તે સહિતની તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી માહિતી સામે આવે તેમ છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ જાતની મંજૂરી કે પરવાનગી વિના હજારોની સંખ્યામાં કોઈપણ પ્રકારની સલામતી વગર તે પાર્ટી પ્લોટમાં પ્રસંગો યોજવામાં આવતા હોય છે. તાજેતરમાં રાજકોટના ગેમઝોનમાં બનેલી દુર્ઘટનામાં ઘણા લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા. તેવી જ રીતે દબાણ કરીને પરવાનગી વગર કોઈપણ જાતની સલામતી વગર જે પાર્ટી પ્લોટ ચલાવવામાં આવે છે, ત્યાં દુર્ઘટના બંને તો જવાબદાર કોણ વગેરે પ્રશ્નો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે ઉઠાવ્યા છે. આ રજૂઆતને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે તપાસ કરીને ગેરકાયદે દબાણ દૂર કરવાની માગ તેમણે કરી હતી.
આ પણ વાંચો: સોમનાથ ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટી તરીકે વિશદ મફતલાલની નિમણૂક
આ પણ વાંચો: ગીર સોમનાથમાં દીપડાએ બાળકીને બનાવી પોતાનો શિકાર
આ પણ વાંચો: ગીર સોમનાથમાં ઉના નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
