Botad News: બોટાદ (Botad)માં સ્કુલ બસ (Schoolbus) નદીના કોઝવે (Causeway)માં ફસાઈ. આ સ્કુલ બસ ગામની અંદર પ્રવેશ કરી રહી ત્યારે જ નદીના પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ. વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઇ જતા અરાજકતા જોવા મળી. સ્થાનિકોના પ્રયાસ બાદ બસની અંદર બેઠેલા બાળકોનો આબાદ બચાવ થયો.
બરવાળાના ખાંભડા ગામે બસ ફસાઈ જતા અંદર બેઠેલા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ બસ બોટાદના જ્ઞાનમંદિર વિદ્યાપીઠની બસ હતી. બસ જ્યારે ગામની અંદર જતી હતી ત્યારે ઉતાવળી નદીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ. જ્ઞાનમંદિર શાળાની બસ પાણીમાં ફસાયાની જાણ થતાં સ્થાનિકો સહિત ગ્રામજનો પણ બનાવ સ્થળ પર પંહોચ્યા. ગ્રામજનો દ્વારા બસને બહાર કાઢવા ભારે મહેનત કરવામાં આવી. બસની અંદર વિદ્યાર્થીઓ બેઠા હતા તેમને સુરક્ષિત રીતે બહાર કઢાયા પછી ગ્રામજનોએ ટ્રેકટર અને લોડર મારફતે બસને બહાર કાઢી.

નોંધનીય છે કે હજુ એક દિવસ અગાઉ બોટાદના આ કોઝવે પર જ દુર્ઘટના બનવા પામી હતી. અગાઉ બે યુવકો રાત્રિના સમયે આ કોઝવે પરથી પસાર થતા હતા ત્યારે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા. આ દુર્ઘટનાને હજુ થોડ જ સમય થયો હતો ત્યાં વિદ્યાર્થીઓ ભરેલ શાળાની બસ નદીના પાણીના પ્રવાહમાં ફસાઈ જતા ગ્રામજનો પણ ચિંતિત થયા હતા. જો કે લોકોના ભારે પ્રયાસ બાદ બસને બહાર કાઢવામાં આવી અને કોઈ જાનહાનિ ના થતા બાળકો પણ સુરક્ષિત રહ્યા. રાજ્યમાં અનેક સ્થાનો ફરી પાછો વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે નદીના જળસ્તરમાં વધારો થાય છે. અને આ નદીના પાણી નજીકના સ્થાનો પર ફરી વળતા લોકોને હાલાકી ભોગવવી પડે છે. સદનસીબે બોટાદની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચો: વડોદરા અને બોટાદમાં ધોધમાર વરસાદ, કડાણા ડેમના 10 દરવાજા ખોલાયા, નવરાત્રીના આયોજકો ચિંતામાં
આ પણ વાંચો: બોટાદમાં હોડી ડૂબતા ચાર મસાફરો ડૂબ્યા, બચાવનારનું થયું મોત
આ પણ વાંચો: બોટાદમાં બરવાળામાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત
