Surat News: સુરત શહેરના ચાર યુવકોને કોલ્ડ પ્લે (Cold Play) ની ટિકિટનો શોખ મોંઘો પડ્યો છે. તેઓ તેની ટિકિટોને લઈને સાઇબર ગઠિયાનો શિકાર થયા છે. આ શોની ટિકિટો મળતી ન હોવાથી સાઇબર ગઠિયાઓની ટુકડી મેદાનમાં ઉતરી ગઈ છે અને તેના કોલ્ડ પ્લેના શોખીનોને નિશાન બનાવી રહી છે. એક તરફ શહેરના ચાર યુવાનને શોની ટિકિટ મળતી નહોતી, તો બીજી તરફ સરળતાથી ટિકિટ મળવાના લોભમાં સુરતના યુવાનોએ એક લિંક પર ક્લિક કરી હતી. ટિકિટ મેળવવા જતાં તેમણે 4 લાખ રૂપિયા ગુમાવી દીધા છે, જેની તપાસ હાલ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના મુંબઈમાં ત્રણ શો થવાના છે, જેને લઈને દેશભરમાં સંગીતના ચાહકોમાં ભારે ઉત્સાહ છે. શો માણવા માટે ચાહકો ટિકિટ ખરીદવા તલપાપડ છે. આ શો સાયબર છેતરપિંડી કરનારાઓ માટે જાણે આ સોનેરી તક બનીને આવ્યો છે.
બ્રિટિશ રોક બેન્ડ (British Rock Band) કોલ્ડપ્લે માટે ભારતમાં એક અલગ પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. દેશના ખૂણેખૂણેથી યુવાનો મુંબઈ પહોંચવા માગે છે, પરંતુ આ શો માટે ટિકિટ મળતી નથી. આ વચ્ચે સાયબર ફ્રોડ કરનાર એક્ટિવ થઈ ગયા છે. સુરતના ચાર યુવાન આવા લોકોનો શિકાર બન્યા છે. સુરતના વેસુ વિસ્તારમાં રહેતા ચાર યુવક ટિકિટ મેળવવા માટે છેલ્લા ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે પણ તેમણે ઓનલાઈન પ્રયાસ કર્યો ત્યારે તેમને નિરાશા હાથ લાગી અને સાઇટ ક્રેશ જોવા મળી હતી. દરમિયાન તેમને સોશિયલ મીડિયા દ્વારા એક લિંક મળી, જેમાં કોન્સર્ટની ટિકિટ ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં એ ટિકિટ પણ હાઉસફુલ થઈ જશે એવી જાણકારી મળી, જેથી તેમણે તાત્કાલિક આ લિંક પર ક્લિક કરી ટિકિટ બુક કરવા માટેની પ્રોસિજર હાથ ધરી હતી, પરંતુ ચારે યુવાઓએ ટિકિટના એક-એક લાખ રૂપિયા તો આપ્યા, પરંતુ પછીથી ખબર પડી કે તેઓ સાયબર ફ્રોડના શિકાર થઈ ગયા છે. લાખો ગુમાવ્યા ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. આખરે આ અંગે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી, જે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
ફેક પેજ પર પેમેન્ટ કરાવ્યું
સુરતના યુવાનો ઓનલાઈન ટિકિટ ખરીદવા ઈન્ટરનેટ પર સર્ચ કરતા હતા. એ સમયે એક લિંક સ્ક્રીન પર આવી, જેમાં તેમને એક ઓનલાઈન ટાસ્ક આપવામાં આવ્યો. ટાસ્ક પૂર્ણ કરવા પર તેમને નકલી પેજ પર ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું. ચારેય યુવાને તેમનાં માતા-પિતાના ક્રેડિટ કાર્ડ વિશે માહિતી આપી હતી. સાયબર ગુનેગારોએ ચાર યુવક પાસેથી ચાર લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોલીસ સાયબર ફ્રોડના આરોપીઓ સામે તપાસ કરી રહી છે. કોલ્ડપ્લે રોક બેન્ડ 18થી 19 જાન્યુઆરી 2025 દરમિયાન મુંબઈમાં શો કરવા જઈ રહ્યું છે. ઓનલાઈન બુકિંગ 22મી સપ્ટેમ્બરે શરૂ થયું હતું અને વેબસાઈટ ક્રેશ થયા બાદ માગમાં વધારો થયો છે. સુરત સાયબર સેલનાં એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે હાલ સાયબર ફ્રોડ માફિયા મોટાં આયોજનોને ટાર્ગેટ કરી રહ્યા છે, ખરાઈ કર્યા વગર કોઈપણ પ્રકારે કોઈપણ ઇવેન્ટ કે કોન્સર્ટની ટિકિટ લોકો ન ખરીદે.
આ પણ વાંચો: સુરતમાં ટેકસ્ટાઇલ માર્કેટમાં 2.19 કરોડની છેતરપિંડી કરનારો ઝડપાયો
આ પણ વાંચો: સુરતમાં પૂર્વ વાઈસ ચાન્સેલરના પુત્ર સાથે છેતરપિંડી
આ પણ વાંચો: સુરતમાં પારસી મહિલા સાથે છેતરપિંડી
