Gujarat News : ગુજરાતના કેટલાક જિલ્લા ઠંડીના ભરડામાં આવી ગયા છે. જેમાં સાત જેટલા જિલ્લામાં કાતિલ ઠંડી પડી રહી છે. ભુજના નલિયામાં 6 ડિગ્રી તાપમાન સાથે કોલ્ડવેવની અસર વર્તાઈ રહી છે. કાતિલ ઠંડી સાથે બર્ફિલા પવનો ફૂકાતા લોકો ઘરની ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે, તો બજારો પણ 10 વાગ્યા બાદ ખૂલી રહી છે. આ સાથે જ રાજ્યના સાત જિલ્લામાં 12 ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું તાપમાન નોંધાતા લોકો ઠુંઠવાયા છે.બીજી તરફ રાજસ્થાનમાં સતત ત્રણ દિવસથી -2 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. તો -3 ડિગ્રી સાથે આબુનો માહોલ પણ કાશ્મીર જેવો મળી રહ્યો છે. બરફની ચાદર છવાતા લોકો ઠંડીની મજા પણ લઈ રહ્યાં છે.
ઉત્તર દિશા તરફથી આવતા બર્ફિલા પવનોને કારણે નલિયા સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આગામી 24 કલાક હજુ પણ ગુજરાતનું વાતાવરણ આ પ્રકારે જ રહેવાની હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રાત્રિની સાથે દિવસ દરમિયાન પણ ઠંડા પવનો ફુંકાતા દિવસે પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો નીચે આવતા બજારમાં દુકાનો 10 વાગ્યા બાદ ખૂલવા લાગી છે. તો વહેલી સવારના બસ સ્ટેશન પર ઓછી સંખ્યામાં મુસાફરો દેખાય છે. મોટા ભાગની બસ નહિવત મુસાફરો સાથે ઊપડે છે. આગામી દિવસોમાં જેમ જેમ ઠંડીનું જોર વધશે, તેમ તેમ નલિયા સહિત અબડાસા તાલુકાના જનજીવન પર તેની ગંભીર અસર થશે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના સાત જિલ્લાનું લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું નોંધાયું હતું. જેમાં અમદાવાદનું લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરાનું 10.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટનું 10.4 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીનું 10 ડિગ્રી સેલ્સિયસ, ભુજનું 11.2 ડિગ્રી સેલ્સિયસ, ડીસાનું 8.9 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરનું 11.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા પાંચ દિવસથી તાપમાનમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે. માઉન્ટ આબુમાં માઇનસ ત્રણ (-3) ડિગ્રી તાપમાનથી કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો હતો. આબુના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં તો ઘાસ ઉપર પણ બરફની ચાદર જામી હતી. ગાર્ડનમાં મૂકેલાં કુંડાંમાં પણ બરફ જામેલો જોવા મળ્યો હતો.
કાર અને ઘાસ ઉપર બરફની ચાદર છવાતા સહેલાણીઓએ બરફની ભરપૂર મોજ માણી હતી.ભરશિયાળા વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં માવઠું થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. ક્રિસમસ અને ન્યુ યરની શરૂઆતમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, આ વખતનો શિયાળો લાંબો ચાલશે. આ વખતે માર્ચ મહિનામાં જ ગરમી લાગશે. ફેબ્રુઆરી સુધી તો ઠંડી જ લાગશે.છેલ્લાં 3 દિવસથી રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવનો ચાલી રહ્યા હતા, જેની અસરથી અમદાવાદમાં ઠંડીનો પારો 13થી 14 ડિગ્રીની આસપાસ રહેતો હતો. પરંતુ, શનિવારથી ઉત્તર-પૂર્વના બર્ફિલા પવનો શરૂ થયા છે, જેની અસરોથી શનિવારે અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 12.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, શહેરમાં સવારથી 15થી 20 કિલોમીટરની ગતિના કાતિલ ઠંડા પવનોની અસરથી અમદાવાદમાં ઠંડીનો પારો 12.5 ડિગ્રીએ પહોંચતાં સિઝનનું સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ઠંડા પવનો વચ્ચે દિવસ દરમિયાન તડકો રહેતાં મહત્તમ તાપમાન 27.0 ડિગ્રી જેટલું યથાવત્ રહ્યું હતું. આમ, શહેરમાં કાતિલ ઠંડા પવનો અને તડકાને કારણે છાંયામાં ઊભા રહેતાં ઠંડી અને તડકામાં ઊભા રહેતાં ગરમીનો અનુભવ થતો હતો. આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ યથાવત્ રહી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત પર હાલમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઠંડા પવન રહ્યા છે. આ ઉપરાંત ઉત્તર ભારતનાં રાજ્યોમાં હિમવર્ષાની અસર પણ પવનોને કારણે ગુજરાત તરફ વર્તાઈ રહી છે. ત્યારે વડોદરામાં આજે પણ ઠંડીનો પારો 10 ડિગ્રી સુધી રહે તેવી સંભાવના છે.હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ, વડોદરામાં મહત્તમ તાપમાનનો પારો 27.4 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 57 ટકા સાંજે 29 ટકા નોંધાયું હતું. જ્યારે 6 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતાં. ઝડપી પવનોને કારણે શહેરજનોને ઠંડીનો વર્તારો વધુ અનુભવાયો હતો, જેને પગલે દિવસભર લોકો ઠુંઠવાયા હતા.
હવે જાણીએ આગામી ત્રણ દિવસ દેશમાં કેવું રહેશે વાતાવરણ
16 ડિસેમ્બર: 4 રાજ્યોમાં ધુમ્મસ, તમિલનાડુમાં 7 સેમીથી વધુ વરસાદ
તમિલનાડુ અને પુડુચેરીમાં 7 સેમીથી વધુ વરસાદ પડશે. આ રાજ્યોમાં વીજળી પડવાની પણ સંભાવના છે.
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ગાઢ ધુમ્મસ રહેશે.
પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
17 ડિસેમ્બર: 4 રાજ્યોમાં વરસાદ, હરિયાણા-યુપીમાં ગાઢ ધુમ્મસ
તમિલનાડુ, પુડુચેરીમાં 12 સેમીથી વધુ અને કર્ણાટક ને આંધ્રપ્રદેશમાં 7 સેમીથી વધુ વરસાદ પડશે.
હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ છે. આ રાજ્યોમાં વિઝિબિલિટી પણ ઘટી શકે છે.
રાજસ્થાનમાં કોલ્ડવેવનું એલર્ટ છે. અહીંનાં ઘણાં શહેરોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે રહેવાની સંભાવના છે.
18 ડિસેમ્બર: 5 રાજ્યોમાં વરસાદ, રાજસ્થાનમાં કોલ્ડવેવ એલર્ટ
તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટક, આંધ્રપ્રદેશ ઉપરાંત કેરળમાં વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના છે.
રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ શીતલહેર યથાવત્ રહેશે. તાપમાનમાં વધારો થવાની ધારણા નથી.
ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં પણ ઠંડી વધી શકે છે. અહીં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
આ પણ વાંચો: ખેડૂતો માટે મોટા સમાચાર! અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
આ પણ વાંચો:ઠંડા પવનોએ ઠંડીમાં વધારો કર્યો, 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, જાણો કેવું રહેશે હવામાન?
આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદથી ઠંડીનું પ્રમાણ વધશે! 20 શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે
