Gujarat Weather News: ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના ખેડૂતોને (Farmers) લઈ મોટી આગાહી કરી છે. આગામી દિવસોમાં ખેડૂતોને માઠા સમાચાર સાંભળવા પડી શકે તેમ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું (Unseasonal Rain) પડી શકવાની શક્યતા છે. આગામી 16થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળો આવી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થતા ગરમીનું પ્રમાણ વધશે. તાપમાનમાં વધારો જોવા મળશે. રાજ્યમાં સવારના સમયે ઠંડીનું જોર યથાવત રહેશે. ઉત્તર ગુજરાત 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે, મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી તાપમાન રહેશે, દક્ષિણ ગુજરાતમાં 18 ડિગ્રી તાપમાન રહી શકે છે.
સૌરાષ્ટ્રમાં જૂનાગઢના ભાગોમાં 14, રાજકોટમાં 15 ડિગ્રીથી પારો નીચે જશે. જામનગર, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 16થી 18 ડિગ્રી તાપમાન રહેશે. રાજ્યનું મહત્તમ તાપમાન 28થી 30 ડિગ્રી સુધી જઈ શકે છે. 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સર્જાશે. 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી માવઠું પડતા ખેતરોમાં ઊભા પાકને નુકસાન થઈ શકે છે. 4 જાન્યુઆરી બાદ રાજ્યમાં ઠંડીનો પ્રભાવ વધશે, જે ઉત્તરાયણ સુધી જોવા મળશે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવતા ઠંડી વધશે.
રાજ્યમાં શિયાળાની જોરદાર જમાવટ જોવા મળી છે. 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. રાજકોટમાં 9.08 ડિગ્રી, ડીસામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના 12 શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી નીચે રહ્યું છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. દિવસ દરમિયાન અમદાવાદમાં 20 કિમીની ઝડપે પવન ફૂંકાયો છે. શીતલહેર વચ્ચે દિવસે પણ ભારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
બનાસકાંઠાના દિયોદરમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. અહીં છેલ્લા પાંચ દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે. હાડ થીજાવતી ઠંડીના કારણે જનજીવન પર અસર જોવા મળી છે. લોકો તાપણું કરતા જોવા મળ્યા છે. તો બીજી બાજુ લોકો શરદી, ઉધરસથી બીમાર પણ પડી રહ્યાં છે. હાજા ગગડાવતી ઠંડીના કારણે પશુઓ પણ ઠુંઠવાયા છે. સતત વધી રહેલી ઠંડીથી શિયાળુ પાકોને પણ ફાયદો થશે. જેમકે, શિયાળમાં બાજરી, ચણા, જુવારના પાક સારા થાય છે. ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો:ગુજરાતમાં તાપમાન ગગડ્યું, કડકડતી ઠંડીથી લોકો ઠુંઠવાયા
આ પણ વાંચો:ઠંડા પવનોએ ઠંડીમાં વધારો કર્યો, 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, જાણો કેવું રહેશે હવામાન?
આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદથી ઠંડીનું પ્રમાણ વધશે! 20 શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે