Gandhinagar News : ગુજરાત સરકારે રાજ્યના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત આપતા નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)ને જમીન ફાળવણી કરવાની નીતિમાં મહત્વના સુધારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા સરળ પ્રક્રિયા કરવામાં આવી છે, પહેલા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની કમિટી દ્વારા જમીનના ભાવ નક્કી કરવામાં આવતા હતા, જેના કારણે ઘણીવાર જમીનના દર હયાત દર કરતા વધુ થતા હતા. હવે નવી નીતિ અનુસાર ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ અંતર્ગત ઉદ્યોગ અને ખાણ વિભાગે કરેલા વર્ગીકરણ પ્રમાણે જમીન ફાળવવામાં આવશે. તમામ GIDCને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને દરેક કેટેગરી માટે અલગ-અલગ જમીનના દર નક્કી કરવામાં આવ્યા છે.
GIDC 3 કેટેગરીમાં જમીન
કેટેગરી ૧ પ્રમાણે: ૧૧૯ તાલુકાની લઘુ વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના દરે જમીન ફાળવવામાં આવશે.
કેટેગરી-૨: ૭૬ તાલુકાની મધ્યમ વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના ૧૨૫ ટકા દરે જમીન ફાળવવામાં આવશે.
કેટેગરી-૩: ૫૬ તાલુકાની વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના ૧૫૦ ટકા દરે જમીન ફાળવવામાં આવશે.
અમદાવાદના ધોલેરા, દેત્રોજ-રામપૂરા અને ધંધૂકાનો કેટેગરી 1 માં, વિરમગામ કેટેગરી 2માં અને કેટેગરી 3માં દસ્ક્રોઈ, બાવળા, ધોળકા, સાણંદ, માંડલ, અમદાવાદ સિટીનો સમાવેશ થાય છે, રાજ્યના 33 જિલ્લાઓમાં કેટેગરી વાઈઝ જમીન ફાળવણી કરવામાં આવશે.
નવા નિર્ણયોથી જમીન ફાળવણીની પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે. તમામ GIDC વચ્ચે જમીન ફાળવણી અને વિકાસની સમાનતા આવશે. MSME ઉદ્યોગકારોને અને રોકાણકારોને વધુ સુગમતા મળશે. ઉદ્યોગોને જમીન મેળવવામાં આવતી અડચણો દૂર થશે. આ નિર્ણયથી ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસને વેગ મળશે અને રોજગારીની નવી તકો ઉભી થશે.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયઃ ખાનગી હોસ્પિટલના મેડીકલ સ્ટોરમાંથી જ દવા લેવી ફરજીયાત નહિ
આ પણ વાંચો: રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત સરકારનો અગત્યનો નિર્ણય
