Gujarat News : રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકારે આવકારદાયક નિર્ણય લીધો છે. જાહેર જનતાના હિતમાં તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડીકલ સ્ટોરના સંચાલકોને -“આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી ” તેવા સાઈન બોર્ડ પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવેલ છે. જેથી દર્દીઓ સરળતાથી કોઈપણ મેડીકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે છે.
ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશ્નર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, તંત્રના ધ્યાન ઉપર આવ્યા મુજબ રાજ્યમાં આવેલ હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડીકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે. જેથી દર્દીઓ જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજો સહન કરવો પડે છે.
પરંતુ, એક વાસ્તવિકતા એ પણ છે કે ઘણી ખાનગી હોસ્પિટલોમાં (Private Hospital) ડોક્ટરો એવી દવાઓ દર્દીને લખી આપે છે જે માત્રને માત્ર જે તે હોસ્પિટલમાં જ મળતી હોય છે. અન્ય કોઈ દવાની દુકાનમાં સરળતાથી મળતી નથી. આથી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જો આ મામલે પણ તપાસ અને વિચારણા કરી જનહિતમાં યોગ્ય નિર્ણય કરે તો આવી હોસ્પિટલો અને ડોક્ટરો પર પણ લગામ લાગી શકે છે.
જેથી જાહેર જનતાના હિતમાં તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડીકલ સ્ટોરના સંચાલકોને “આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી ” તેવા સાઈન બોર્ડ પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવેલ છે. જેથી દર્દીઓ સરળતાથી કોઈપણ મેડીકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે.