UttarPradesh News: મંગળવારની રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રયાગરાજ(Prayagraj)ના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી. સ્વરૂપરાણી હોસ્પિટલમાં હાજર ભાસ્કરના રિપોર્ટર અનુસાર- 14 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. જોકે, પ્રશાસને મૃત્યુઆંક કે ઘાયલોની સંખ્યા અંગે કોઈ માહિતી આપી નથી. નાસભાગ બાદ હવે અહીં સ્થિતિ નિયંત્રણમાં છે. ફોર્સ તૈનાત કરવામાં આવી છે. અહીં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.

નાસભાગ પછી, વહીવટીતંત્રની વિનંતી પર, તમામ 13 અખાડાઓએ આજે મૌની અમાવસ્યા(Mauni Amas)નું અમૃત સ્નાન રદ કર્યું છે. અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ કહ્યું, સંગમ નાકા પર વધુ પડતી ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. PM મોદીએ CM યોગી સાથે ફોન પર વાત કરી ઘટના અંગે પૂછપરછ કરી હતી.
મળતી માહિતી મુજબ, એક અફવાને કારણે સંગમ કિનારા પર નાસભાગ મચી ગઈ હતી, તેમ પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે. કેટલીક મહિલાઓ જમીન પર પડી અને લોકો તેમને કચડીને પસાર થયા હતા. અકસ્માત બાદ 70થી વધુ એમ્બ્યુલન્સ સંગમકિનારે પહોંચી હતી. ઘાયલો અને મૃતકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ NSG કમાન્ડોએ સંગમ કિનારે ચાર્જ સંભાળ્યો હતો. સંગમ કિનારે વિસ્તારમાં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ હતો. પ્રયાગરાજમાં ભીડ વધુ ન વધે તે માટે, શ્રદ્ધાળુઓને રોકવા માટે પ્રયાગરાજ શહેરની સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં અધિકારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
આજે મહાકુંભમાં મૌની અમાવસ્યાનું સ્નાન છે, જેના કારણે શહેરમાં અંદાજે 5 કરોડ ભક્તો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આજે મોડી રાત સુધીમાં 8 થી 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમ સહિત 44 ઘાટ પર સ્નાન કરે તેવી શક્યતા છે. આના એક દિવસ પહેલા મંગળવારે 5.5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું. સુરક્ષા માટે 60 હજારથી વધુ જવાનો તૈનાત છે.
આ પણ વાંચો:આજે મૌની અમાસે કરો આ 7 ઉપાય, મહાકુંભનું બીજું અમૃત સ્નાન કરવામાં આવશે
આ પણ વાંચો:મહાકુંભમાં સંગમ સ્નાન કરવાની પદ્ધતિ શું છે, મૌની અમાવસ્યાએ કુંભમાં જનારાઓએ તેનું પાલન….
આ પણ વાંચો:મહાકુંભમા નાગા સાધુઓના મુખ્ય અખાડા કયા છે ? તેમના પ્રમુખ દેવતા વિશે પણ જાણો
