NRI News : અમેરિકાના જ્યોર્જિયામાં ગુજરાતી મૂળના 69 વર્ષના ડોક્ટર પર 4 વૃદ્ધ મહિલા દર્દીએ અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો હતો. જેમાંથી 3 કેસમાં તેમને મુક્ત કરી દેવાયા હતા, પરંતુ ચોથા મામલામાં તેમને જેલની સજા ફટકારવામાં આવી છે. આ ડોક્ટર વૃદ્ધો અને ભૂતપૂર્વ સૈનિકોને મેડિકલ સેવા આપતા વેટરન અફેર્સ મેડિકલ સેન્ટર ખાતે ફરજ બજાવતા હતા.
મળતી માહિતી અનુસાર, જાન્યુઆરી 2020માં અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના ડેકેટરમાં વેટરન અફેર્સ મેડિકલ સેન્ટર ખાતે ફરજ બજાવતા 69 વર્ષના ડો. રાજેશ મોતીભાઈ પટેલ પર મહિલા દર્દીઓને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ લગાવાયો હતો. નવેમ્બર 2024માં આ ગુનામાં ડો. રાજેશ પટેલ પર આરોપ સાબિત થયા હતા અને હવે કોર્ટે જેલની સજા ફટકારતો હુકમ કર્યો છે. એક્ટિંગ US એટર્ની રિચાર્ડ એસ મોલ્ટ્રી જુનિયરએ આ ચુકાદો આપતા જણાવ્યું હતું કે, રાજેશ પટેલે વેટરન એફેર્સ ફિઝિશિયન તરીકેના તેમના પદનો ઉપયોગ અમેરિકાની સેવા કરનારી વૃદ્ધ મહિલા દર્દીઓ પર સેક્યુઅલ એસોલ્ટ માટે કર્યો. તેમણે ડો. રાજેશ પટેલના ગુનાને વિશ્વાસનો ભંગ કરનારો અને પોતાના પદનો દુરુપયોગ કરનારો જણાવ્યો હતો. રાજેશ પટેલને જેલની સજા ઉપરાંત 15 વર્ષ માટે સુપરવાઈઝ્ડ રિલીઝ સેવા પણ આપવાની રહેશે અને આ દરમિયાન મેડિકલ પ્રેક્ટિસ કરી શકશે નહીં.
વધુમાં, અમેરિકામાં વેટરન અફેર્સ મેડિકલ સેન્ટરોમાં વૃદ્ધો અને નિવૃત્ત સૈનિકોને તબીબી સેવા આપવામાં આવે છે. 4 વૃદ્ધ મહિલા દર્દીએ વર્ષ 2019થી 2020ની વચ્ચે ડૉ. રાજેશ પટેલ પર છેડતી અને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યુરીએ ડો. રાજેશ પટેલને 3 પીડિતાઓએ લગાવેલા આરોપોમાંથી મુક્ત કર્યા હતા, પરંતુ ચોથી પીડિતાના મામલામાં દોષી ઠેરવ્યા હતા. અમેરિકામાં ગુજરાતી ડોક્ટર પર કેસ થયાનો આ પહેલા મામલો નથી.
અગાઉ વર્ષ 2023માં ગુજરાતી મૂળના રેડિયોલોજિસ્ટ ધર્મેશ પટેલ પર હત્યાના 3 કેસો નોંધાયા હતા અને પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. ધર્મેશ પટેલ પર ઈરાદાપૂર્વક પોતાની પત્ની અને 2 બાળકોને ટેકરી પરથી નીચે ફેંકવાનો આરોપ મૂકાયો છે. આ ઘટનામાં ધર્મેશ પટેલને પગમાં ઈજા થઈ હતી. જ્યારે પત્ની અને 7 વર્ષના દીકરો ગંભીર રીતે ઘવાયા હતા. જોકે, 4 વર્ષના પુત્રને સદનસીબે કંઈ થયું ન હતું.
આ પણ વાંચો: ગુજરાતી મૂળનાં NRI પરિવારને અમેરિકામાં નડ્યો અકસ્માત, બે જુવાન દિકારનાં મોત
આ પણ વાંચો: અમેરિકામાં મૂળ ગુજરાતી પાટીદાર નેતાને સોંપી મોટી જવાબદારી!
આ પણ વાંચો: ગુજરાતી પરિવારમાં જન્મેલા કાશ પટેલ બની શકે છે CIA ચીફ, ટ્રમ્પના વફાદારોમાં થાય છે ગણતરી
