MANTAVYA Vishesh/ મહેન્દ્ર-મેઘ શાહ કેસમાં ખૂલ્યું ‘કેતન પારેખ’ કનેકશન

ગુજરાત એટીએસ (Gujarat ATS) અને ડીઆરઆઇએ (DRI) તાજેતરમાં અમદાવાદમાં પાલડી ખાતેના ફ્લેટમાં દરોડા પાડ્યા તે ફ્લેટના ભાડે લેનારા કૌભાંડી મહેન્દ્ર-મેઘ શાહનું (Mahendra shah) (Megh shah) હવે કેતન પારેખ કનેક્શન પણ ખૂલતા અધિકારીઓ અચંબામાં મૂકાઈ ગયા છે.

Trending Mantavya Vishesh

ગુજરાતમાં માધુપુરા બેન્કને (Madhupura Bank) ઉઠાડનારા કેતન પારેખ (Ketan Parekh) ને કોણ જાણતું નથી, હર્ષદ મહેતા (Harshad Mehta) પછી શેરબજારના કૌભાંડમાં તેનું નામ જાણીતું છે…. ગુજરાત એટીએસ (Gujarat ATS) અને ડીઆરઆઇએ (DRI) તાજેતરમાં અમદાવાદમાં પાલડી ખાતેના ફ્લેટમાં દરોડા પાડ્યા તે ફ્લેટના ભાડે લેનારા કૌભાંડી મહેન્દ્ર-મેઘ શાહનું (Mahendra shah) (Megh shah) હવે કેતન પારેખ કનેક્શન પણ ખૂલતા અધિકારીઓ અચંબામાં મૂકાઈ ગયા છે…. તે સમજી ગયા છે કે આ કેસ ફક્ત એક જ ફ્લેટમાંથી મળી આવેલા સોના-રોકડ અને મોંઘી ઘડિયાળો પૂરતો જ સીમિત નથી….

આટલું ઓછું હોય તેમ મહેન્દ્ર શાહના એક જ વર્ષમાં 1,400 કરોડથી પણ વધુ રકમના આર્થિક વ્યવહારો (Financial Transactions) પણ મળી આવ્યા છે…. તેના પગલે હવે આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટ (ED)ની પણ એન્ટ્રી થઈ છે….વૈભવી જીવનશૈલીના શોખી પિતાપુત્રએ દુબઈમાં પણ ઘણું રોકાણ કર્યુ છે…. આના પગલે આ કેસમાં હવે ઇન્કમ ટેક્સ વિભાગ (Income Tax)ની એન્ટ્રી પણ નિશ્ચિત છે…

આ આખો ઘટનાક્રમ બતાવે છે કે મહેન્દ્ર શાહ પોલીસ અને ડીઆરઆઇ ધારે છે તેના કરતાં પણ ઘણું મોટું માથું છે…. પિતા-પુત્ર રહે છે મુંબઈમાં અને એકદમ વૈભવી સ્ટાઇલમાં રહે છે….મુંબઈમાં તેમનો લક્ઝુરિયસ ફ્લેટ પણ છે… તેથી ઇડીની ટીમ ત્યાં પણ પહોંચી છે…. પણ આ બધુ કોના દમ પર, આ બધુ છે તેમની શેરબજારમાં ઓપરેટર તરીકેની તેમની આવડત તથા બ્લેકના વ્હાઇટ કરી આપવાની ક્ષમતાને આભારી છે….

આ તો કેતન પારેખનું કનેક્શન ખૂલતા જ ગુજરાત એટીએસ અને ડીઆરઆઇ હચમચી ગયા છે… પણ આ કેસમાં જો ઉંડા ઉતરવામાં આવે તો હજી કેટલાય તાણાવાણા ખૂલી શકે છે… મહેન્દ્ર શાહે કરેલા આર્થિક વ્યવહારોમાં કેતન પારેખ સાથે કેટલા નાણાકીય વ્યવહારો કર્યા તેના અંગે હજી સુધી કોઈ ફોડ પાડી શકાયો નથી…. આ સિવાય તેણે પોતે કેતન પારેખ વતી કેટલા વ્યવહારો કર્યા કે શેરબજારમાં દાવ લગાડ્યો તે પણ જાણી શકાયું નથી….

લોકોને ગુજરાત ટૂલ રૂમ જેવી ખોખા કે મૃતઃપ્રાય કંપનીના શેરમાં રમેલી રમત યાદ છે… આ ઉપરાંત રાધે ડેવલપર્સ જેવી કંપનીના દસથી પંદર રૂપિયાના શેરને સાડા ત્રણસો ઉપર લઈ જઈને લાખો રોકાણકારોને આ શેર પધરાવીને 300થી 350 કરોડ રૂપિયા લઈને મહેન્દ્ર શાહ નીકળી ગયો હતો, તેના પછી શેરમાં કડાકો બોલતા લાખો રોકાણકારો આ શેરમાં ન્હાયા હતા… આમ ખોખા કંપનીઓ એટલે કે ઇલલિક્વીડ શેરોને કૃત્રિમ રીતે ઊંચા લઈ જઈને અને પછી તેના અંગે બજારમાં હવા ફેલાવીને સામાન્ય રોકાણકારોને તેમા સંડોવીને પોતે બહાર નીકળી જવાની રમતમાં ફાવટ આવી ગઈ હતી…. છેવટે તો તેના ગુરુ કેતન પારેખ ખરાને….આશ્ચર્યની વાત તો એ છે કે સેબીએ મહેન્દ્ર શાહને અત્યાર સુધીમાં 36 નોટિસ ફટકારી ચૂક્યું છે, પરંતુ આ ભાઈનો હજી સુધી વાળ વાંકો થયો નથી…. જ્યારે પણ તેનું આવું કોઈ કારનામુ બહાર આવે ત્યારે તે શાંતિથી ભૂગર્ભમાં ઉતરી જાય છે, કેસ આખો ઠંડો પડી જાય પછી બહાર આવે છે….બહાર આવ્યા પછી વહેલામાં વહેલી તકે આ કેસનો નિકાલ કરાવી દે છે…. આ માટે તે અવનવા સેટિંગ પાડે છે…. સેટિંગની તેમની આ આગવી લાક્ષણિકતાના પગલે તેઓ કાયદાથી અત્યાર સુધી બચતા આવ્યા છે… તેમનું સેટિંગ મુંબઈથી ગુજરાત સુધી વિસ્તરેલું છે….

ગુજરાત એટીએસ અને ડીઆરઆઇની તપાસમાં મહેન્દ્ર શાહે બિસ્કીટો માણેકચોકમાં એક જ વેપારી પાસેથી ખરીદ્યા હોવાનું જાણવા મળ્યું હતું…. આ સિવાયનું મોટાભાગનું સોનું દુબઈથી દાણચોરી દ્વારા લાવવામાં આવ્યું હતું…. આટલું જ નહીં સોનું અમદાવાદમાં સહીસલામત ઘૂસાડવામાં આવે તે માટે મહેન્દ્ર શાહે એરપોર્ટના ઇમિગ્રેશન સત્તાવાળાઓ સાથે સાંઠગાંઠ કરી હોવાનું મનાય છે…. આમ કેટલાક ઇમિગ્રેશન અધિકારીઓ પણ હવે ગુજરાત એટીએસ અને ડીઆરઆઇની તપાસની રડારમાં આવ્યા છે….

આ તો મહેન્દ્રશાહે ભાડે રાખેલા એક જ ફ્લેટની વાત હતી, પણ તેણે અમદાવાદમાં અનેક ફ્લેટ ભાડે રાખ્યાની બાતમી પણ મળી છે…. આ બતાવે છે કે અમદાવાદમાં મહેન્દ્ર શાહના સોનાથી ભરેલા આવા અનેક ફ્લેટ હોવાની સંભાવના નકારી શકાતી નથી….આશ્ચર્યની વાત એ હતી કે પાલડીમાં મહેન્દ્ર શાહને તેનો ફ્લેટ તેની બહેને જ અપાવ્યો હતો, પણ તેની બહેનને પણ ખબર ન હતી કે આ ફ્લેટ સોનાથી ભરેલો છે….

અત્યાર સુધીનો ઘટનાક્રમ સ્પષ્ટ બતાવે છે કે મહેન્દ્ર શાહ બહુ મોટી હસ્તી છે… હવે તેની પાછળ ગુજરાત એટીએસ, ડીઆરઆઇ, ઇડી પાછળ પડી છે અને આગામી સમયમાં ઇન્કમ ટેક્સ પાછળ પડવાની છે… સેબીએ (Sebi)  તો તેને સતત નોટિસો ફટકારેલી જ છે….પહેલા તો તેની ચલ અચલ સંપત્તિ અને પછી તો તેનો સ્ત્રોત શોધવામાં જ તપાસ વિભાગનો દમ નીકળી જવાનો છે…. આ ઉપરાંત તેણે કેટલાય લોકો સાથે બેનામી વ્યવહારો કર્યા છે અને હવાલા રેકેટ પણ ચલાવતો જ હશે તો જ આટલા રૂપિયાની હેરફેર થઈ શકે…  હવે આટલું મોટું કામ કરતો હોય અને તેને કોઈની ઓથ ન હોય તેવું તો બને જ નહીં….

બિલ્ડરો, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, મોટા અધિકારીઓ, વેપારીઓના બ્લેકના નાણા 10થી 15 ટકા કમિશન લઈને વ્હાઇટ કરી આપનાર વ્યક્તિને હવે સાણસામાં કેવી રીતે લેવો તે મોટો સવાલ છે…. તેથી આ બધી એજન્સીઓ આ કેસમાં તો કૂદી તો પડી છે, પણ આગામી દિવસોમાં આ કેસ ઠંડો પાડી દેવાય તો આશ્ચર્ય નહી થાય…. આ દિશામાં પ્રયત્નો શરૂ થઈ પણ ચૂક્યા છે…. પહેલાં જે 400 કિલો સોનું બતાવાતું હતું તે પછી 200 કિલો અને હવે સત્તાવાર રીતે માંડ 100 કિલો જ બતાવાય છે….આમ તેના કૌભાંડની રકમનો આંકડો ઘટાડવાનો કારસો અત્યારથી જ શરૂ થઈ ગયો છે…. સરકારી એજન્સીઓ ત્રાટકતા હાલમાં તો પિતા-પુત્ર ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને બધી એજન્સીઓએ તેમને નોટિસ જારી કરીને સંતોષ માન્યો છે… હવે સેબીની નોટિસોને ઘોળીને પી જનારો આ વ્યક્તિ આ એજન્સીઓની નોટિસોને પણ ઘોળીને પી જશે. કદાચ ઘોળીને પી ન જાય તો પણ તેનો જવાબ આપવા માટે તેની પાસે સારામાં સારા વકીલોની ફોજ હાજર હશે…. શેરબજાર અને નાણાકીય કૌભાંડના અગાઉના કેસોની જેમ આ કેસમાં તપાસનું ફીડલું વળી જાય અથવા તો તેને કદાચ મોટો દંડ ફટકારાઈ શકે છે. તેથી આગામી દિવસોમાં આ કેસને સોનાના પીંજરામાં બંધ કરી દેવાય તો આશ્ચર્ય નહીં થાય….


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમારા મૌનને અમારી નબળાઈ ના સમજોઃ વિક્રમ ઠાકોર

આ પણ વાંચો: 76 લાખ કુટુંબો સરકારી અનાજ પર, 180 ધારાસભ્યોની સંપત્તિ 3,000 કરોડ

આ પણ વાંચો: DRI-ગુજરાત ATSને અમદાવાદમાં મળી ‘સોનાની ખાણ’