ભારતીય કંપનીઓમાં કોર્પોરેટ ગવર્નન્સના નબળા ધોરણોને લઈને સેબી હંમેશા કંપનીઓને ફટકારતી રહી છે. સેબી તેના પર સતત ચાંપતી નજર રાખે છે. તેની સાથે કોર્પોરેટ ગવર્નન્સના ધોરણોનું પાલન ન કરતી કંપનીઓને દંડ પણ ફટકારે છે. હવે આવી જ એક કંપની જેન્સોલ એન્જિનિયરિંગ સેબીના ઝપટે ચઢી ગઈ છે. સેબીએ તેને કોર્પોરેટ ગવર્નન્સના ધોરણો બદલ જંગી દંડ પણ ફટકાર્યો છે.
સેબીના પગલાં પછી ઇવી લીઝિંગ અને ઉત્પાદન કરતી કંપની જેન્સોલના ભાવમાં રીતસરનો કડાકો બોલ્યો છે. તેના ભાવ તેની ટોચથી લગભગ 90 ટકા ઘટી ચૂક્યા છે અને તેના ભાવમાં આ ઘટાડો ક્યાં જઇ અટકશે તે નક્કી નથી. કંપનીના શેરના ભાવમાં ગેરરીતિ થઈ હોવાના અને કંપનીના પ્રમોટરોએ લોન પેટે મળેલું ભંડોળ બીજે વાળવાનું જણાવ્યું અહેવાલોના પગલે સેબીએ જુન 2024માં કંપની અને તેના પ્રમોટરો સામે તપાસ શરૂ કરી હતી.

આ તપાસમાં સેબીનું તારણ હતું કે કંપનીના પ્રમોટરોએ લોન પેટે મળેલા ભંડોળને વ્યક્તિગત ઉપયોગ માટે ખર્ચ્યું હતું. આમ તેમણે કોર્પોરેટ ગવર્નન્સના ધારાધોરણોનો ભંગ કર્યો હતો. તેના પગલે સેબીએ કંપનીના પ્રમોટર તરીકે બંને ભાઈ અણમોલસિંહ જગ્ગી અને પુનીતસિંહ જગ્ગીને ડાયરેક્ટર તરીકેના હોદ્દા પરથી દૂર કર્યા હતા અને શેરબજારને લગતી કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આના પગલે શેરના ભાવમાં કડાકો બોલ્યો છે અને શેરનો ભાવ તેની ટોચથી લગભગ 90 ટકા તૂટી ચૂક્યો છે. એક જ મહિનામાં શેરના બજારમૂલ્યમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો હતો.
આમ એકની લાલચના કારણે એક લાખથી પણ વધુ રોકાણકારોના નાણા સલવાઈ ગયા છે. જેન્સોલ એન્જિનિયરિંગના શેરનો ભાવ 1,124ની ટોચથી દસ ગણો ઘટીને 116 પર બંધ આવ્યો છે. આ બતાવે છે કે રોકાણકારોના મૂલ્યમાં પણ કેવો કડાકો બોલ્યો છે. હજી પણ આ ઘટાડો જારી રહે તેમ માનવામાં આવે છે. સેબીનું કહેવું છે કે બંને ભાઈઓ ઘરની ધોરાજી હાંકતા હોય તે રીતે કંપની ચલાવી રહ્યા છે. તેમણે કોર્પોરેટ ગવર્નન્સના નિયમોનો ભંગ જ કર્યો નથી, પરંતુ તેને રીતસરના નેવે મૂકી દીધા છે. તેમને જાણે કોઈ પૂછનાર જ ન હોય તે રીતે તેમણે નિર્ણય લીધા છે.

અણમોલસિંહ અને પુનીતસિંહ જગ્ગીએ 2011માં સ્થાપેલી કંપની જેન્સોલ એન્જિનિયરિંગે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને ઇન્ડિયન રીન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી પાસેથી લગભગ 978 કરોડ રૂપિયાની લોન લીધી હતી. તેમાથી 6,400 ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાના હતા અને બ્લુ સ્માર્ટને લીઝ પર આપવાના હતા. આ માટે કંપની 664 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની હતી. કંપનીએ આ માટે તેના પોતાના રૂ.166 કરોડનું પણ રોકાણ કર્યુ હતું. આમ ઇવી ખરીદવા માટે કુલ રૂ. 830 કરોડ ખર્ચવાના હતા. કંપનીએ ફેબ્રુઆરી 2025 સુધીમાં રૂ. 567 કરોડના મૂલ્યના લગભગ 4,704 વાહનો જ ખરીદ્યા હતા. આમ કંપનીના રૂ. 262 કરોડની રકમનો હિસાબ હજી સુધી મળ્યો નથી. સેબીએ એટલે જ કંપની સામે આકરું વલણ અપનાવ્યું છે.
સેબીએ તેની તપાસમાં શોધી કાઢ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે જેન્સોલથી ગો-ઓટોમાં રકમ ટ્રાન્સફર કરાઈ હતી. હવે ગો-ઓટોને અપાયેલી આ જ રકમ કોઈને કોઈ રીતે કંપનીમાં પરત આવી હતી. આ સિવાય જો રકમ પરત ન કરાઈ હોય તો તે એવા એકમોને મોકલવામાં આવી હતી જેની સાથે કંપનીના પ્રમોટરો અણમોલસિંહ જગ્ગી અને પુનીતસિંહ જગ્ગી સાથે આડકતરી રીતે જોડાયેલા હોય.

અણમોલસિંહ અને પુનીતસિંહે આ રકમનો ઘણો હિસ્સો તેમની પત્નીના અને માતાના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. આ ઉપરાંત તેનો ઉપયોગ તેમણે વૈભવી ફ્લેટ ખરીદવા, ગોલ્ફ કોર્સ ખરીદવા પણ કર્યો હતો. તેમણે આ ભંડોળનો ઉપયોગ ભારતની બહારના રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણ કરવા કર્યો હતો. તે જોતાં અહીં ની લોન્ડરિંગનો કેસ પણ બને છે. આગામી દિવસોમાં ઇડી પણ તેના પર ત્રાટકે તો નવાઈ ન પામતા.
આ કંપનીએ તેનો પ્રારંભ ઇપીસી ફર્મ તરીકે કર્યો હતો. તેના પછી તેણે પેટા કંપની ઇવી રાઇડ હેઇલિંગ પ્લેટફોર્મ બ્લુ સ્માર્ટ મોબિલિટી દ્વારા ઇવી લીઝિંગ અને ઉત્પાદનમાં વિસ્તરણ કર્યુ હતુ. કંપનીના શેર 2019માં એનએસઇ ઇમર્જ પર લિસ્ટ થયા હતા. સરકારે પણ ઇવી પર આપેલા ફોક્સના લીધે છેલ્લા ત્રણ વર્ષમાં શેરના ભાવમાં 2,500 ટકાથી પણ વધુ ઉછાળો નોંધાયો હતો, પણ હવે આ શેરો તેની ટોચ પરથી પટકાયા છે.

સામાન્ય રોકાણકારોની સાથે કંપનીમાં રોકાણ કરનારા એમએસ ધોની અને દીપિકા પાદુકોણ જેવા સ્ટાર રોકાણકારોએ પણ મોટો ફટકો સહન કરવાનો આવ્યો હતો. ધોનીનું ઇક્વિટી રોકાણમાં ખરેખર બેડલક છે, અગાઉ તે અનિલ અંબાણીની કંપનીના રોકાણમાં ન્હાયો હતો, હવે જેન્સોલ એન્જિનિયરિંગના કડાકાએ તેની મૂડી ધોઈ નાખે છે. કદાચ તેટલે જ તેણે ખરાબ ઘૂંટણ છતાં આઇપીએલમાં રમવું પડી રહ્યું છે.
જો કે કંપનીના સીઇઓ અણમોલસિંહ જગ્ગીએ બધા આરોપો નકાર્યા છે. તેમણે કંપનીમાં બીપી વેન્ચર્સ, મેફિલ્ડ ઇન્ડિયા ફંડ, એમએસ ધોની ફેમિલી ઓફિસ જેવા એન્કર ઇન્વેસ્ટરોએ રોકાણ કર્યુ હોવાનું જણાવ્યું છે. આ બધા વચ્ચે કંપનીના સ્વતંત્ર ડિરેક્ટર અરૂણ મેનને રાજીનામું આપ્યું છે. દીપીકા પાદુકોણેની ફેમિલી ઓફિસ કેએ ઇનોવેશન્સ એલએલપી પણ કંપનીમાં ચાવીરૂપ રોકાણકાર છે. તેણે 2019માં જેન્સેલના રૂ. 420 કરોડના સીડિંગ રાઉન્ડમાં રોકાણ કર્યુ હતું.
આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત
આ પણ વાંચો: ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ
આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !
