US News: ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક ભારતીય પરિવારના બે બાળકો ગુમ થઈ ગયા છે. સોમવારે સવારે કેલિફોર્નિયાના સાન ડિએગો નજીક મુસાફરો જે બોટમાં મુસાફરી કરી રહ્યા હતા તે પલટી ગઈ. આ અકસ્માતમાં ત્રણ લોકો ડૂબી ગયા. જોકે, બાળકોના માતા-પિતા નસીબદાર હતા, તેથી તેઓ બચી ગયા અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરંતુ તેમના બે બાળકો ગુમ છે.
સેન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ઘટનાની પુષ્ટિ કરી છે, જેમાં જણાવ્યું છે કે, “આજે સવારે, કેલિફોર્નિયાના સાન ડિએગો નજીક દરિયાકાંઠે બોટ પલટી જવાની દુ:ખદ ઘટના બની છે.” આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, નવ ગુમ છે અને ચાર ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં એક ભારતીય પરિવાર પણ સામેલ હતો. બે બાળકો ગુમ છે અને તેમના માતાપિતાને સ્ક્રિપ્સ મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અમે સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છીએ અને અસરગ્રસ્ત ભારતીય પરિવારને જરૂરી તમામ સહાય પૂરી પાડી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એકને ઇજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને બે અન્ય લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કોસ્ટ ગાર્ડના પ્રવક્તા હન્ટર શ્નાબેલે જણાવ્યું હતું કે કસ્ટડીમાં લેવામાં આવેલા બંને લોકો શંકાસ્પદ તસ્કરો છે.
ગુમ થયેલા લોકોને શોધવા માટે હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઓપરેશનમાં કોસ્ટ ગાર્ડ કટર, ઇમરજન્સી રિસ્પોન્સ બોટ અને હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. ગુમ થયેલા લોકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે બોટ ક્યાંથી આવી રહી હતી, પરંતુ સૂર્યોદય પછી તરત જ તે મેક્સિકન સરહદથી લગભગ 35 માઇલ (56 કિમી) ઉત્તરમાં પલટી ગઈ. તે એક કે બે એન્જિનવાળી ખુલ્લી બોટ હતી. જેનો ઉપયોગ મોટાભાગે માછીમારી માટે થાય છે. જો કે, આ બોટનો ઉપયોગ લાંબા સમયથી દાણચોરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, દરિયાકાંઠે ઘણા ભારતીય પાસપોર્ટ પણ મળી આવ્યા છે.
આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને રાહત! જજે વિઝા રદ કરવાનો આદેશ ફગાવી દીધો
આ પણ વાંચો:પહેલગામ આતંકી હુમલો: અમેરિકાની સંસદે ન્યૂયોર્ક ટાઈમ્સની ટીકા કરી
