ગુજરાતના કોઈ મુખ્યમંત્રીના નામે નોંધાઈ ન હોય તેવી સિદ્ધિ રાજ્યના વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નામે નોંધાવવા જઈ રહી છે અને તે છે ચંડોળા તળાવને ખાલી કરાવવાની સિદ્ધિ. સમગ્ર રાજ્યમાં અતિક્રમણો પર તવાઈ બોલાવીને બુલડોઝર દાદાથી લઈ ડિમોલિશન મેનનું ઉપનામ પામેલા સીએમ ભુપેન્દ્ર પટેલે મક્કમ નિર્ધાર સાથે કામ કરતાં ચંડોળા તળાવમાં ડિમોલિશનનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પાર પાડ્યા પછી બીજા તબક્કાનું ડિમોલિશન શરૂ કર્યું છે.
ચંડોળા તળાવમાં પ્રથમ તબક્કાના ડિમોલિશનમાં ચાર હજારથી વધારે મકાન તોડવામાં આવ્યા હતા અને એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ ઉપરાંત ત્યાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી. ચંડોળા તળાવમાં વર્ષોથી ગેરકાયદેસરની વસાહતને લઈને કુખ્યાત હતું. અગાઉ કેટલીય સરકારો આવી અને ગઈ, પણ કોઈએ ચંડોળા તળાવને ખાલી કરાવવાની હિંમત કરી ન હતી. આ દિશામાં જોયું પણ ન હતું.
પણ દાદા અલગ જ માટીના છે. તેઓ પોતે નીચલા સ્તરે કામ કરી ચૂક્યા હોવાથી અમદાવાદના કયા-કયા વિસ્તારોમાં ગેરકાયદે વસાહતો છે તેનાથી સુપેરે વાકેફ છે. તેના કારણે અમદાવાદ શહેરની જ બહુમૂલ્ય કહી શકાય તેવી જમીન પર ગેરકાયદે દબાણ કરનારાઓનો રાફડો ફાટ્યો હોવાનું પણ તેમને ખબર છે. અમદાવાદની ગલી-ગલીથી વાકેફ દાદાને તે પણ ખબર છે કે ચંડોળા તળાવ જતી ગલી ક્યાંથી ખૂલે છે અને હું તેને ક્યાંથી બંધ કરી શકું છે. આ પાયાના સ્તરની માહિતી દાદાને ચંડોળા તળાવની વસાહત સામે કામગીરી કરવામાં ઘણી ઉપયોગી નીવડી છે.
જો કે અહીં પણ દાદાએ માનવીય અભિગમ તો અપનાવ્યો જ છે. ચંડોળા તળાવમાં 2010 પહેલાથી રહેનારા માટે આર્થિક રીતે નબળા વર્ગના મકાનોની ફાળવણી કરવામાં આવી જ છે. તેથી તેઓ માટે ચિંતાનું કોઈ કારણ નથી. તેઓને ત્યાંથી મકાન મળી જશે. આ મકાન તેમને સરકારના નિયમ મુજબ મળશે. આ માટે તેમણે દાણીલીમડાની વોર્ડ ઓફિસેથી ફોર્મ મેળવી લેવાના રહેશે, પરંતુ જે લોકોએ ત્યાં 2010 પછી વસવાટ કર્યો છે તેઓએ તો ચોક્કસ ત્યાંથી ઊચાળા ભરવા પડશે.
ચંડોળા તળાવમાં કુલ 17 હજારથી પણ વધારે ગેરકાયદે મકાનો છે. તેમા પહેલા તબક્કામાં ચાર હજાર તૂટી ગયા છે અને બીજા તબક્કામાં દસ હજારથી પણ વધારે મકાનો તોડીને અઢી લાખ ચોરસ મીટરથી પણ વધારે જમીન ખુલ્લી કરવામાં આવનારી છે. આ જમીન સરકાર પોતે પોતાના કબ્જામાં લેશે. જ્યારે પહેલા તબક્કાના ડિમોલિશનમાં 1 લાખ ચોરસ મીટરથી પણ વધારે જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
અહીં તે યાદ રાખવું જરૂરી છે કે રાજ્યમાં શહેરીકરણ વધી રહ્યું જરૂરી છે ત્યારે ગુજરાતના શહેરો અતિક્રમણથી મુક્ત રહે તે જરૂરી છે. કમસેકમ શહેરો ગેરકાયદેસર રીતે આવીને રહેનારાઓ માટે અને વસનારાઓ માટે નથી. તેથી ભૂપેન્દ્ર પટેલને દીર્ઘદ્રષ્ટિ દાખવીને શહેરોને ગેરકાયદેસર રીતે વસનારાઓની જમાત બનતા અટકાવ્યા છે.
અહીં બધા ફક્ત અમદાવાદના ચંડોળા તળાવ પર જ એટલા માટે ખાસ આપી રહ્યા છે કે અહીં મોટી વસાહત હતી. મોટાપાયા પર બાંગ્લાદેશી મુસ્લિમો વસતા હતા અને તેની સાથે-સાથે સ્થાનિક મુસલમાનો પણ વસતા હતા. આ અંગે એવું કહેવામાં આવતું હતું કે કોઈની હિંમત નથી કે ચંડોળા તળાવમાં કશું કરી શકે, પોલીસ પણ આ સ્થળે જતાં સો વખત વિચારતી હતી. હવે આ સ્થળે તેમણે આ પ્રકારની કવાયત કરી તે કાબિલેદાદ છે. તેમણે આ માટે સ્થાનિકોને પણ વિશ્વાસમાં લીધા અને તેઓને તે સમજાવવામાં સફળતા મેળવી કે આ ગેરકાયદેસર વસનારા છેવટે સૌથી મોટું નુકસાન સ્થાનિકોને જ કરે છે. તેના કારણે ઘણી વખત લીલા ભેગું સૂકુ પણ બળી જાય છે.
સ્થાનિકો પણ સીએમનો સંદેશો સારી રીતે સમજી ગયા અને ચંડોળા તળાવ ખાલી કરવામાં આવતા અને પછી તેનું બ્યુટિફિકેશન કરવામાં આવતા તે એક બદનામ વસાહત નહીં રહે, પણ લોકોના હરવાફરવાનું ઉત્તમ સ્થળ બની જશે.
પહેલી વખત ડિમોલિશનનો પ્રારંભ થયો ત્યારે ભારે શોરબકોર થયો હતો, આ સમયે ભુપેન્દ્ર દાદાએ ચંડોળા તળાવને લઈને રજૂઆત કરવા આવેલા સ્થાનિક આગેવાનોને સાંભળ્યા હતા અને તેમને હૈયાધારણ આપી હતી કે તેમા ગેરકાયદેસર કશું નહીં થાય. બધુ નિયમ મુજબ થશે. તેમણે સ્થાનિક આગેવાનોને પણ વિશ્વાસમાં લીધા હતા.
સરકારે ધાર્યુ હોત તો એક જ તબક્કામાં ડિમોલિશનની કામગીરી કરી શકી હોત, પણ તેણે પહેલા તબક્કામાં ચાર હજાર મકાનો તોડ્યા પછી વિરામ લઈને બીજા તબક્કાનું કામ શરૂ કરતાં પહેલા લોકોને ત્યાંથી ખસવાનો સમય પણ આપ્યો. દરેક ગેરકાયદે કબ્જેદારોને નોટિસ પાઠવવામાં આવી. આ વસાહત દૂર કરવા માટેની બધી જ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું. તેના પછી બીજા તબક્કામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી. આ તબક્કામાં દસ હજાર મકાન તોડવામાં આવતા બે તબક્કામાં કુલ 14 હજાર મકાનો તોડીને જમીન ખાલી કરવામાં આવશે. તેના પછી જો બીજા તબક્કામાં સમય વધારે જાય તો ત્રીજો તબક્કો ચોમાસા પછી હાથ ધરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. પણ આગામી વર્ષે કમસેકમ ચંડોળા તળાવ ગેરકાયદે વસાહતીઓથી નહીં પણ પાણીથી ભરાય તે સુનિશ્ચિત કરી દેવામાં આવશે. આ ઉપરાંત ત્યાં કોઈ વસાહત ન હોવાથી દુર્ઘટનાની સંભાવના પણ ઘટી જશે. દાદા જાણે છે કે એક કાયદેસર રહેતો પરપ્રાંતીય મકાન ખરીદીથી લઈને દરેક બાબતમાં રાજ્યની આવકમાં પ્રદાન કરે છે, પરંતુ ગેરકાયદેસર વસવાટ કરનારા ફક્ત ગુનાખોરીને પ્રાધાન્ય આપે છે.
ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં શહેરીકરણના કારણે 50 ટકાથી વધુ વસ્તી શહેરોમાં વસવા લાગી છે. આના પગલે શહેરોની જમીનોના ભાવ ઊચકાયા છે. તે પોતે સ્થાનિક સ્તરે કામ કરી ચૂક્યા હોવાથી શહેરી જમીન તંત્ર માટે વિકાસના કામો માટે કેવી સોનાની લગડી સમાન હોય તે સારી રીતે જાણે છે. આજે કદાચ તે ભલે કોઈને દાદાના પગલાં આકરા લાગે, પણ તેમણે ગુજરાતના શહેરીકરણને વેગ આપતા ભાવિ વિકાસનો માર્ગ મોકળો કર્યો છે. દાદાની આ જનસેવા ગુજરાતની આ પ્રજા ક્યારેય નહીં ભૂલે. પીએમ મોદીએ ઇન્ફોસિટી જેવા શહેરોનું સ્વપ્ન સેવ્યું છે તો દાદાએ ગુજરાતના શહેરોને અતિક્રમણ મુક્ત કરવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું છે તે પ્રજા ક્યારેય નહીં ભૂલે.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
