Ahmedabad News/ અમદાવાદ પ્લેન ક્રેશ : ગુમ થયેલા ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું થયું મોત

ભારે હૈયે મહેશ જીરાવાલાની અંતિમ વિધિ કરવામાં આવી હતી

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદ પ્લેન ક્રેશ દરમિયાન નરોડાથી ગૂમ થયેલા ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર મહેશ જીરાવાલાનું મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદના મેઘાણીનગરમાં 12 જૂનના રોજ પ્લેન ક્રેશ થયા બાદથી ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગૂમ હતા. દરમિયાન એક્ટિવાના ચેસીસ નંબર અને DNAથી તેમની ઓળખ શક્ય બની હતી. આ યુવાનના મોતથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે.

આ અંગે મહેશ જીરાવાલાની પત્નીએ પોતાના પતિ ગુમ થયાની વાત કરી હતી. બાદમાં પોલીસે સમજાવટથી મહેશના ભાઇ કાર્તિક જીરાવાલના DNA સેમ્પલ લીધા હતા. મહેશ જીરાવાલા એક્ટીવ લઈને જતા હતા તે દરમિયાન પ્લેન ક્રેશની અડફેટે આવ્યા હતા. DNA સેમ્પલ મેચ થતાની સાથે જ પરિજનોને જાણ કરી મૃતદેહ પરિવારને સોંપાયો હતો.

એર ક્રેશ સાઇટની નજીકમાં મોબાઇલ સ્વિચ ઓફ થયો હોવાની વિગત મળી હતી

અમદાવાદ શહેર ખાતે મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશના બનાવ બન્યો ત્યાર પછી નરોડા વિસ્તારમાં મુરલીધર હાઇટ્સ, ડી માર્ટ ખાતે રહેતા મહેશભાઈ ગીરધરભાઇ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલા (ઉં.વ. 34), જેઓ ગુજરાતી ફિલ્મ-ડાયરેક્ટર હતા, તેઓ પોતાનું એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા બાદ શાહીબાગ સિવિલ હોસ્પિટલની આજુબાજુથી ગુમ થયા હતા. તેમના ભાઈ કાર્તિકભાઈ ગિરધરભાઇ કાલાવાડિયા દ્વારા તેઓ ગુમ થવા બાબતની જાણવા જોગ અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. આ બાબતે ટેક્નિકલ સોર્સ આધારે ગુમ થનાર મહેશ કાલાવાડિયા ઉર્ફે મહેશ જીરાવાલા એર ક્રેશના બનાવની જગ્યાની નજીકમાં મોબાઈલ ફોન સ્વિચ ઓફ થયો હોવાની વિગતો મળી હતી, જેના આધારે ગુમ થનાર એર ક્રેશના બનાવમાં ભોગ બનેલા હોવાની પ્રથમ દૃષ્ટિએ શંકા જતાં તેમનાં પરિવારજનોને જણાવતાં તેઓ આ વાત માનવા તૈયાર નહોતાં.

 પરિવાર DNA મેચ થવા છતાં માનવા તૈયાર નહોતો

અમદાવાદ શહેરના સેક્ટર 2 જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ મોહન સૈની દ્વારા આ ગુમ થનાર મહેશભાઈ કાલાવાડિયાનાં પરિવારજનોને સમજાવી ડીએનએ લેવા જરૂરી હોવાની સમજણ આપી. શંકા દૂર કરવા પણ ડીએનએ ટેસ્ટ જરૂરી હોવાનું જણાવતાં મહેશભાઈના ભાઈ કાર્તિક કાલાવાડિયાના ડીએનએ નમૂના લેવડાવવામાં આવ્યા હતા. પરિવારજનોને મહેશભાઈના ગુમ થવા અને પ્લેન ક્રેશના બનાવને કોઈ સંબંધ નહીં હોવાની પૂરી ખાતરી હતી. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવતાં આશ્ચર્યજનક રીતે પોલીસ દ્વારા બનાવ સ્થળેથી કબજે કરવામાં આવેલી ડેડબોડી સાથે ડીએનએ નમૂના મેચ થતાં પ્લેન ક્રેશમાં જ મહેશભાઈ કાલાવાડિયાનું મૃત્યુ થયું હોવાની વિગતો બહાર આવી હતી.

પરિવારે પૂરી ખાતરી કરીને જ ડેડબોડી સ્વીકારવાની વાત કરી હતી

ગુમ થયેલા મહેશભાઈ કાલાવાડિયાનાં પરિવારજનોને બોલાવવામાં આવેલાં અને કૌશિકભાઇના ડીએનએ સેમ્પલ, પ્લેન કેશની જગ્યાએથી મળી આવેલી ડેડબોડી સાથે મેચ થયાની વિગતો આપી મહેશભાઈ કાલાવાડિયાનું મૃત્યુ પ્લેન ક્રેશ સમયે થઈ હોવાની વાત જણાવતાં મહેશભાઈનાં પત્ની હેતલબેન તથા પરિવારજનો આ વાત કોઈપણ સંજોગોમાં માનવા તૈયાર નહોતાં અને પોતાને પૂરી ખાતરી થશે પછી જ ડેડબોડી લેવા પોલીસને જણાવી દીધું હતું.

પ્લેન ક્રેશ સમયે ત્યાંથી નીકળ્યા હોવાના CCTV મળ્યા હતા

પોલીસ ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરી શાહીબાગ પીઆઇ જે.ડી.ઝાલા તથા સ્ટાફના હે.કો. લાલજીભાઈ તથા સ્ટાફ દ્વારા ગુમ થનાર મહેશભાઈ એક્ટિવા મોટરસાઇકલ લઈને ગયેલા હોઈ, સીસીટીવી કેમેરા આધારે તપાસ કરી એક્ટિવા ઉપર મહેશભાઈ બનાવવાળી જગ્યાએથી આ જ સમયે પસાર થતા હોવાનું શોધી કાઢવામાં આવ્યું હતું. તેમ છતાં પરિવારજનોનું દિલ પોતાના સ્વજન મહેશભાઈ કાલાવાડિયાનું મૃત્યુ થયું હોવાનું માનવા તૈયાર ના હોય, તેઓ દ્વારા એક્ટિવા મળે અને બધું વેરિફાઈ થાય પછી જ લાશ સ્વીકારવા જણાવી દીધું હતું.

સળગી ગયેલા એક્ટિવાનાં એન્જિન-ચેસીસ નંબરના આધારે વાહન ઓળખ્યું

વધુમાં અમદાવાદ શહેર પોલીસ ટીમ દ્વારા બનાવવાળી જગ્યાએ વધુ તપાસ કરી. સળગી ગયેલાં વાહનો બાબતે મેઘાણીનગર પીએસઆઈ ચાવડા તથા સ્ટાફ મારફત તપાસ કરવામાં આવતાં બનાવવાળી જગ્યાએ એક એક્ટિવા સળગી ગયેલી હાલતમાં જણાઈ આવ્યું હતું, જેના એન્જિન અને ચેસીસનંબર આધારે ચેક કરવામાં આવતાં આ વાહન મરણ જનાર મહેશભાઈ જીરાવાલાનું હોવાનું સ્પષ્ટ થયું હતું.

ભાંગી પડેલા પરિવારને પોલીસે સાંત્વના આપી

આ એક્ટિવા બાબતની હકીકત પરિવારજનોને જણાવતાં પરિવારજનો ભાંગી પડ્યાં હતાં અને પોતાના દીકરાને પ્લેન ક્રેશ થયેલી એ બાબતે જવાની કોઈ શક્યતા નહીં હોવાથી પોતે ડેડબોડી કોઈ અન્યની હોવાની અને પોતાનો દીકરો જીવિત હોવાની શક્યતા હોવાથી ઊંડાણપૂર્વક તપાસ કરાવેલી હોવાનું જણાવી રડી પડ્યા હતા. બંદોબસ્તમાં રહેલ એસીપી કૃણાલ દેસાઈ, એસીપી રીના રાઠવા સહિતા સ્ટાફ દ્વારા પરિવારજનોને સાંત્વના આપી સમજાવી ઇશ્વર ઈચ્છા બળવાન હોવાનું અને નસીબની વાત હોવાનું જણાવી શાંત કરી ગુમ થયેલા મહેશભાઈ કાલાવાડિયા ઉર્ફે મહેશભાઈ જીરાવાલાના પાર્થિવદેહનો કબજો સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ભાવુક દૃશ્યો સર્જાયાં

ગુમ થયેલા મહેશભાઈ કાલાવાડિયાનાં પરિવારજનો દ્વારા કપરી પરિસ્થિતિમાં પોતાની તમામ રજૂઆત અને શંકા બાબતે ઝીણવટભરી તપાસ કરી દૂધનું દૂધ સાબિત કરનારી અમદાવાદ શહેર પોલીસની સંવેદનશીલ કામગીરીનાં ભરપૂર વખાણ કરી ભાવ વિભોર થયેલા અને અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં.

બાદમાં ભારે હૈયે મહેશ જીરાવાલાની અંતિમ વિધિ કરવામાં આવી હતી. અમદાવાદ પ્લેન ક્રેશમાં 270થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. મોટાભાગના મૃતદેહોની DNAથી ઓળખ કરીને તેમના પરિવારજનોને સોંપવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાષ્ટ્રીય વિમાની દુર્ઘટનાના સમયમાં સિવિલ હોસ્પિટલ બન્યું આશાનું કમાન્ડ સેન્ટર

આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મળેલું ‘બ્લેક બોક્સ’ મોકલવામાં આવશે અમેરિકા, એક મોટી સમસ્યા

આ પણ વાંચો:આ છે પ્લેન ક્રેશની બચાવ કામગીરીના રિયલ હીરોઝ, તેમના અનુભવો તેમના જ શબ્દોમાં