New Delhi News : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ઉજવણી કરનારા એર ઈન્ડિયાના ચાર કર્મચારીઓને રાજીનામુ આપી દેવા જમાવાયું છે. એર ઇન્ડિયાએ તેના ગ્રાઉન્ડ હેન્ડલિંગ સાહસ AISATS ના 4 કર્મચારીઓને રાજીનામું આપવા કહ્યું છે. તેમની પાર્ટીનો એક વીડિયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનાના 8 દિવસ પછી આ કર્મચારીઓએ આ પાર્ટી કરી હતી.
એર ઇન્ડિયાએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમદાવાદ વિમાન દુર્ઘટનાની દુ:ખદ ઘટનાથી પ્રભાવિત પરિવારો પ્રત્યે અમે સંપૂર્ણ સંવેદના વ્યક્ત કરીએ છીએ. વાયરલ વીડિયોમાં કર્મચારીઓનું વર્તન અમારી કંપનીની નીતિ વિરુદ્ધ છે. અમે જવાબદારો સામે કડક શિસ્તભંગના પગલાં લીધા છે.”સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મીડિયા રિપોર્ટ્સ અને વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એર ઈન્ડિયાના સ્ટાફે 20 જૂને AISATS ગુરુગ્રામ ઓફિસમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું.
આ સમાચાર વાયરલ થયા પછી, સોશિયલ મીડિયા પર લોકોએ આ કર્મચારીઓની નિંદા કરી. તેમણે કહ્યું કે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પછી કોઈ કેવી રીતે ઉજવણી કરી શકે છે. વપરાશકર્તાઓ એર ઇન્ડિયાની સંવેદનશીલતા પર સવાલ ઉઠાવી રહ્યા હતા. આ દરમિયાન, એરલાઇનને ટ્રોલ પણ કરવામાં આવી હતી.
અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI 171 ટેકઓફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત 270 લોકો માર્યા ગયા હતા. આ અકસ્માતમાં એક મુસાફર બચી ગયો હતો.21 જૂનના રોજ, DGCA એ એર ઇન્ડિયાના 3 અધિકારીઓને દૂર કરવાનો આદેશ આપ્યો હતો. જેમાં ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ ચુડા સિંહ, ચીફ મેનેજર પિંકી મિત્તલ જે ક્રૂ શેડ્યુલિંગનું સંચાલન કરે છે અને પાયલ અરોરા જે ક્રૂ શેડ્યુલિંગના આયોજનમાં સામેલ હતા, તેનો સમાવેશ થાય છે.
ઉડ્ડયન સલામતી પ્રોટોકોલના ગંભીર ઉલ્લંઘન બદલ ત્રણેય અધિકારીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. DGCA એ એર ઇન્ડિયાને તાત્કાલિક અસરથી ક્રૂ શેડ્યુલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત ભૂમિકાઓમાંથી તેમને દૂર કરવાનો આદેશ આપ્યો હતો.એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 171 અમદાવાદથી લંડન જઈ રહી હતી. તેમાં કુલ 230 મુસાફરો હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આમાં 103 પુરુષો, 114 મહિલાઓ, 11 બાળકો અને 2 નવજાત શિશુઓનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ મેમ્બર હતા. આ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું હતું.
Flightradar24 મુજબ, વિમાનનો છેલ્લો સિગ્નલ 190 મીટર (625 ફૂટ) ની ઊંચાઈએ મળ્યો હતો, જે ટેકઓફ પછી તરત જ આવ્યો હતો. ભારતના નાગરિક ઉડ્ડયન નિયમનકાર DGCA એ જણાવ્યું હતું કે વિમાને 12 જૂનના રોજ બપોરે 1:39 વાગ્યે રનવે 23 પરથી ઉડાન ભરી હતી. ટેકઓફ પછી, વિમાનના પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલરને મેડે કોલ (ઇમર્જન્સી મેસેજ) મોકલ્યો, પરંતુ તે પછી કોઈ જવાબ મળ્યો નહીં.
ડીજીસીએના જણાવ્યા અનુસાર, વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં બે પાઇલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. પાઇલટને 8,200 કલાકનો ઉડાનનો અનુભવ હતો અને કો-પાઇલટને 1,100 કલાકનો ઉડાનનો અનુભવ હતો.
આ પણ વાંચો:રાષ્ટ્રીય વિમાની દુર્ઘટનાના સમયમાં સિવિલ હોસ્પિટલ બન્યું આશાનું કમાન્ડ સેન્ટર
આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મળેલું ‘બ્લેક બોક્સ’ મોકલવામાં આવશે અમેરિકા, એક મોટી સમસ્યા
આ પણ વાંચો:આ છે પ્લેન ક્રેશની બચાવ કામગીરીના રિયલ હીરોઝ, તેમના અનુભવો તેમના જ શબ્દોમાં
