Vadodra News: વડોદરાના અક્ષરચોક વિસ્તારમાં આવેલા મેપલ વિસ્ટા એપાર્ટમેન્ટના આઠમા માળેથી કૂદીને એમ.એસ. યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 21 વર્ષીય વિદ્યાર્થી ચિંતન પટેલે રવિવારે બપોરે આત્મહત્યા કરી, જેના કારણે શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ચિંતનની અંતિમ ક્ષણોની હૃદયદ્રાવક વિગતો સ્પષ્ટ થઈ છે. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે, પરંતુ આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
પોલીસે મેળવેલા CCTV ફૂટેજ અનુસાર, રવિવારે બપોરે 11:57 વાગ્યે ચિંતન પટેલ બાઇક લઈને મેપલ વિસ્ટા એપાર્ટમેન્ટના પ્રવેશદ્વાર પાસે આવે છે અને બાઇક પાર્ક કરે છે. એપાર્ટમેન્ટમાં લિફ્ટની સુવિધા ન હોવાથી, તે 180 પગથિયાં ચડીને ટેરેસ પર પહોંચે છે. લગભગ એક કલાક અને ચાર મિનિટ સુધી ટેરેસ પર રહ્યા બાદ, બપોરે 1:01 વાગ્યે તે આઠમા માળેથી નીચે કૂદી જાય છે. આ દરમિયાન તેના હાથ અને પગ તૂટી ગયા હતા, અને માથામાં ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
બીજા CCTV ફૂટેજમાં ચિંતન ટેરેસ પર ઊભો રહીને ફોન પર વાત કરતો દેખાય છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ દરમિયાન તેના સગા-સંબંધીઓએ તેને ફોન કર્યા હતા, પરંતુ તેણે તેમના કોલ ઉપાડ્યા ન હતા. જોકે, તેણે પોતાના પિતા મુકેશભાઈ પટેલ સાથે વાત કરી હતી, જે દરમિયાન તેણે આઘાતજનક શબ્દો કહ્યા: “મારા કારણે જ બધું થાય છે, મારે જીવવું નથી.” આ સાંભળીને પિતા ચિંતામાં મુકાઈ ગયા અને તેમણે ચિંતનને આવું પગલું ન ભરવા સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ, ચિંતને ફોન કટ કરી દીધો અને થોડી જ ક્ષણોમાં ટેરેસ પરથી કૂદી ગયો.
ચિંતનના માતા-પિતા અને બહેનના નિવેદનો પોલીસે નોંધ્યા છે, પરંતુ પરિવારે આત્મહત્યાના કારણ અંગે અજાણ હોવાનું જણાવ્યું છે. ચિંતનના પિતા મુકેશભાઈએ જણાવ્યું કે, “અમને ખબર નથી કે તેણે આવું કેમ કર્યું. તે ખૂબ જ હોશિયાર અને શાંત સ્વભાવનો હતો. અમે હજુ પણ આ ઘટનાથી આઘાતમાં છીએ.” પરિવારનું કહેવું છે કે ચિંતનના અભ્યાસમાં કોઈ સમસ્યા ન હતી, અને તેના મિત્રો સાથેના સંબંધો પણ સામાન્ય હતા. આ ઘટનાએ પરિવારને ઊંડો આઘાત આપ્યો છે, અને તેઓ દીકરાના આ પગલાનું કારણ જાણવા માટે વ્યાકુળ છે.
આ પણ વાંચો:વડોદરા શહેરમાં સ્કૂલોને બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત,અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી, પોલીસ તપાસમાં
આ પણ વાંચો:વડોદરામાં 12 દિવસમાં ત્રીજી સ્કૂલ નિશાના પર,સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી
