Kheda News/ 72 વર્ષ જૂનો રસિકપુરા બ્રીજ મેળવી રહ્યો છે હાઈ-ટેક મેકઓવર

અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા રસિકપુરા બ્રીજનું મજબૂતીકરણ કાર્ય હાથ ધરાયું

Gujarat Ahmedabad

ખેડા જિલ્લામાં ધોળકા-સૌરાષ્ટ્ર હાઈવે પર સાબરમતી નદી ઉપર આવેલ રસિકપુરા બ્રીજની મજબૂતીકરણ કામગીરી અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી કરવામાં આવી રહી છે. ધોળકા-સૌરાષ્ટ્ર તરફ જતા વાહનવ્યવહાર માટે અત્યંત મહત્વપૂર્ણ આ બ્રીજની મરામતની કામગીરી મે 2025માં શરૂ કરવામાં આવી છે. 1953માં નિર્મિત આ 180 મીટરની લંબાઈ ધરાવતો બ્રીજ 21 મીટરના કુલ 9 સ્પેનથી જોડાયેલ છે અને તેનું મજબૂતીકરણ કાર્ય સપ્ટેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થશે.

બ્રીજની મજબૂતીકરણ કામગીરીમાં પેચ રિપેરિંગ, બેરિંગ રેક્ટિફિકેશન, ઇપોક્ષી ગ્રોટિંગ, કાર્બન ફાઈબર લેમિનેટિંગ અને કાર્બન ફાઈબર સીટ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કાર્બન ફાઈબર લેમિનેશન એ કાર્બન ફાઈબર કોમ્પોઝિટની અંતિમ સ્તર લગાડવાની પ્રક્રિયા છે, જેમાં રેઝિન મેટ્રિક્સનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા દ્વારા સ્ટીલ કરતા દસ ગણી વધુ તાકાત ધરાવતી મજબૂત અને ટકાઉ રચના તૈયાર કરવામાં આવે છે. આ કામગીરીમાં 2 એન્જિનિયર અને 18 જેટલા વર્કર્સ સતત જોડાયેલ છે.

રસિકપુરા બ્રીજની મજબૂતીકરણ કામગીરીમાં જોઇંટ રિપ્લેસમેન્ટ, બેરિંગ ઓઈલિંગ, ગ્રીસિંગ, બ્રીજ લિફ્ટ, સ્લેબ લિફ્ટ જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા બ્રીજને એવી રીતે મજબૂત બનાવવામાં આવી રહ્યો છે કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની તકલીફો ઉભી ન થાય. વાહનવ્યવહાર માટે હાલમાં બાજુમાં આવેલ અન્ય બ્રીજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) કાર્યપાલક ઇજનેર વિવેક જામે રસિકપુરા બ્રીજની મુલાકાત લઈ કામગીરીનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી તકનીકી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હાલ ખેડા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા બિલોદરા બ્રીજ નડિયાદનું ચોમાસા પૂર્વે જાહેરનામું બહાર પાડી 2 મહિના માટે બંધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યોગ્ય સમારકામ કરી બિલોદરા બ્રીજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એવી જ રીતે કપડવંજ ખાતેના સંગમ પુલનું સમારકામ પણ ચોમાસા પૂર્વે પૂર્ણ કરવામાં આવ્યુ છે.

માર્ગ અને મકાન વિભાગ અધિકારી દ્વારા વધુમાં જણાવવામાં આવે છે કે સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે બ્રીજ મેન્ટેનન્સની પિરીયોડીક કામગીરી સતત ચાલતી પ્રક્રિયા છે. આ સિવાય ક્ષતિગ્રસ્ત જિલ્લાના રસ્તાઓ પર કોંક્રિટ પેચવર્ક કામગીરી પણ ચાલુ છે.