Vansda Aadivasi Sammelan 2026: નવસારી જિલ્લાના વાંસદા ખાતે આગામી 14 ફેબ્રુઆરી, શનિવારના રોજ એક ભવ્ય ‘આદિવાસી સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વલસાડ લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ ધવલ પટેલે આ સંમેલનને લઈને જનતાને એક ખાસ સંદેશ પાઠવી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ આપ્યું છે.
સંસ્કૃતિ, એકતા અને વિકાસનો ત્રિવેણી સંગમ
સાંસદ ધવલ પટેલે (MP Dhaval Patel) જણાવ્યું હતું કે, આ સંમેલન માત્ર એક મેળાવડો નથી, પરંતુ આદિવાસી સમાજની એકતા અને ગૌરવનું પ્રતીક છે. આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરી તેની ઉજવણી કરવાનો છે. આ સાથે જ આ સંમેલન દ્વારા સમાજના હિત અને આગામી સમયમાં થનારા વિકાસના કામો અંગે જરૂરી ચર્ચાઓ કરવામાં આવશે તેમજ આદિવાસી સમાજમાં ભાઈચારો અને સંગઠન શક્તિ મજબૂત બને તે માટે એકતાનો સંદેશ આપવામાં આવશે.
Aadivasi Sammelanમાં પરંપરાગત વાનગીઓનું આકર્ષણ
આ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળશે. ખાસ કરીને આદિવાસી સમાજની પરંપરાગત વાનગીઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મુલાકાતીઓને આદિવાસી ભોજનનો સ્વાદ માણવા મળશે, જે આ સંમેલનનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની રહેશે.
સાંસદની હાર્દિક અપીલ
ધવલ પટેલે વાંસદા અને વલસાડ લોકસભા ક્ષેત્રના તમામ સમાજ સુધારકો, આગેવાનો અને નાગરિકોને અપીલ કરી છે કે, 14 ફેબ્રુઆરીના રોજ મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવે.
