Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર નજીક આવેલી સાબર ડેરી ખાતે 14 જુલાઈના રોજ પશુપાલકો અને પોલીસ વચ્ચે થયેલી હિંસક ઘર્ષણ થયું હતું. બાયડના ભૂતપૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલે પશુપાલકોને ઉશ્કેર્યા ન હોત તો પશુપાલકો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો ન હોત તથા દેખાવો પણ શાંતિથી પૂરી થઈ ગયા હોત. તેમણે શાંતિથી દેખાવ કરી રહેલા પશુપાલકોને ઉશ્કેર્યા હતા, એમ હિંમતનગર ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ. ચૌધરીએ તેમના સહિત 74 જણા નામજોગ અને હજારના ટોળા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું.
પશુપાલકોને ભાવફેર ચૂકવવામાં આવ્યા હોવા છતાં પણ જશુ પટેલે સોશિયલ મીડિયા પર ડેરીના ચેરમેન અને ડિરેક્ટર સામે ઓછો નફો ચૂકવવાનો આક્ષેપ મૂકીને લોકોને ઉશ્કેર્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હિંમતનગરની સાબર ડેરી ખાતે અરવલ્લી અને સાબરકાંઠાના હજારો પશુપાલકોએ દૂધના ભાવફેર મુદ્દે સાબર ડેરી સામે ઉગ્રા આંદોલન કર્યુ હતુ. તેઓ પોલીસના બેરિકેડ તોડીને ડેરીમાં ઘૂસી ગયા હતા અને પથ્થર મારો કર્યો હતો. તેના પગલે પોલીસે પણ વળતી કાર્યવાહી કરતાં કેટલાકના માથા ફૂટ્યા હતા. પશુપાલકો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. પશુપાલકોએ અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે ચક્કાજામ કર્યો હતો. પશુપાલકોના દેખાવોના પગલે પરિસ્થિતિ વણસતા પોલીસે 80 જેટલા ટીયરગેસના શેલ છોડવા પડ્યા હતા.
આ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે સુનિયોજીત કાવતરું રચીને સોશિયલ મીડિયા પર આ પ્રકારના સંદેશા ફરતા કર્યા હતા. સાબર ડેરીએ 11 જુલાઈના રોજ ભાવફેર ચૂકવ્યો હતો છતાં દાવો કરવામાં આવ્યો હતો કે ડેરીના ચેરમેન અને ડિરેક્ટરો ઓછો નફો ચૂકવીને પશુપાલકો સાથે છેતરપિડીં કરી રહ્યા છે. તેના પછી બધાને ભેગા થઈ સાબર ડેરી સામે દેખાવો કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા અને 14 જુલાઈએ બોલાવવામાં આવ્યા હતા.
તેના પગલે સાબર ડેરીના મેઇન ગેટ આગળ સવારે દસ વાગ્યે તો હજાર જણનું ટોળું ભેગું થઈ ગયું હતું. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ ટોળાએ સાબર ડેરીના ચેરમેન તથા ડિરેક્ટરોને મેથીપાક ચખાડવાનો છે અને સાબર ડેરીને ચેરમેન અને ડિરેક્ટરો સાથે સળગાવી દેવાની છે તેમ જણાવાયું હતું.
આ પણ વાંચો: સાબરકાંઠાની સાબર ડેરીમાં ભારેલો અગ્નિ, પશુપાલકોને ઓછો ભાવફેર ચૂકવાતા ભડક્યા
આ પણ વાંચો: સાબરકાંઠા વાસીઓ માટે આનંદના સમાચાર, નાના ખેડબ્રહ્માથી અંબાજી સુધી રેલવે લાઇનને મળી મંજૂરી
આ પણ વાંચો: ભારે વરસાદમાં સાબરકાંઠાનું ભમરા ગામ સંપર્ક વિહોણું હરણાવ નદીના ઓવરફ્લોને કારણે ગામવાસીઓની હાલાકીનો સામનો
