Sabarkantha News: સાબરકાંઠાની સાબર ડેરી ખાતે હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આ પરિસ્થિતિનું કારણ આ વર્ષે પશુપાલકોને ઓછા ભાવફેર ચૂકવાતા તે ભડક્યા છે. ચાલુ વર્ષે પ્રતિ કિલો 960 રૂપિયા ભાવફેર જાહેર કરવામાં આવ્યો છે. આ ભાવફેર અંદાજ કરતાં ઓછો આવતા પશુપાલકો નારાજ થયા છે. આ ભાવફેર ગયા વર્ષ કરતાં ઓછો હોવાનો તેમનો દાવો છે.
સાબર ડેરીના પશુપાલકોને જૂનના અંતમાં કે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ભાવફેર ચૂકવવામાં આવે છે. આ વખતે ભાવફેરની ચૂકવણીમાં વિલંબ થતાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે વહેલામાં વહેલી તકે ભાવફેર ચૂકવાય. હવે ભાવફેર 11મી જુલાઈના રોજ ચૂકવાયો, પરંતુ તે અપેક્ષા કરતાં ઓછો આવતા પશુપાલકોમાં નારાજગી છે. તેના લીધે ડેરી ખાતે પશુપાલકો મોટી સંખ્યામાં દેખાવો કરી રહ્યા છે.
પશુપાલકો દેખાવ કરશે તેવા અંદેશાને ધ્યાનમાં લઈને પોલીસ બંદોબસ્ત પહેલેથી જ ગોઠવી દેવાયો છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પશુપાલકોના સમર્થનમાં ઉતર્યા છે. તેઓ પણ ત્યાં સાબર ડેરી ખાતે પહોંચ્યા છે. દેખાવો દરમિયાન પશુપાલકોએ પોલીસ પર કાંકરીચાળો કર્યો હતો. પોલીસના વોટર બ્રાઉઝર પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો. તેના પગલે વોટર બ્રાઉઝરનો મુખ્ય ગ્લાસ તૂટ્યો હતો. આ ઉપરાંત પથ્થર ફેંકાતા એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.
હાલમાં સાબર ડેરી ખાતે પશુપાલકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને સૂત્રોચ્ચાર કર્યા છે. ધવલસિંહ ઝાલાએ અગાઉ તેમને સોશિયલ મીડિયા મારફતે સમર્થન આપ્યું હતું. તેના પછી તે પશુપાલકોના સમર્થનમાં સાબર ડેરી ખાતે પણ પહોંચ્યા છે. પશુપાલકોએ સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડ્યુ છે. સાબર ડેરીના ગેટના ઉપરનો ભોગ તોડીને સાબર ડેરીમાં જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉગ્ર દેખાવોની સંભાવનાના પગલે મોટી સંખ્યામાં પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. પશુચાલકોનો વિરોધ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેમ માનવામાં આવે છે.
આ પણ વાંચો: PM મોદીએ સાબર ડેરી મિલ્ક પાવડર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન
આ પણ વાંચો: સાબર ડેરી ચીઝ પ્લાન્ટ: સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. 700 કરોડની વધારાની આવક થશે
