Kheda News: ખેડા જિલ્લાના કપડવંજમાંથી ક્રૂરતાની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે.પુત્રના મોહમાં પાપી પિતાએ પોતાની સાત વર્ષની દીકરીને કેનાલમાં ફેંકીને હત્યા કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પુત્રની ખેવના ધરાવતો પિતા બે પુત્રીના જન્મથી જ અણગમો ધરાવતો હતો અને છેવટે તેણે પોતાની મોટી 7 વર્ષની દીકરીને પત્નીની નજર સામે જ કેનાલમાં ફેંકીને હત્યા કરી દીધી છે. આટલુ જ નહીં આ બાદ તેણે પત્નીને પણ ધમકી આપી હતી કે આ વાત કોઇને કહીશ તો તને છુટાછેડા આપી દઇશ. જોકે, પત્નીએ પોતાના ભાઇને વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
આ ઘટનાની વિગતો વાત કરીએ તો કપડવંજ તાલુકાના માલવણ તાબે ચેલાવત ગામમાં 35 વર્ષીય અંજનાબેન સોલંકી રહે છે. તેમના લગ્ન 11 વર્ષ પહેલા વિજય સોલંકી સાથે થયા હતા. લગ્ન બાદ અંજનાબેને બે દીકરીઓને જન્મ આપ્યો હતો. જેમાં મોટી દીકરી ભૂમિકા (ઉ.વ.7) અને તેનાથી નાની એક ત્રણ વર્ષની દીકરી છે. જોકે, પતિ વિજય સોલંકીને આ પુત્રીઓ ખટકતી હતી અને પુત્રનો મોહ હતો. જેથી વિજય અવારનવાર પોતાની પત્ની સાથે આ બાબતે ઝઘડો કરતો હતો. જેથી અંજનાબેન ઘણી વખત રિસાઈને પોતાના પિયર આવી જતાં હતા, પરંતુ સમજાવટથી બાદ મામલો થાળે પાડી વિજય પરત લઇ જતો હતો.
આ દરમિયાન ગુરુપૂર્ણિમાના દિવસે એટલે કે 10 જુલાઈના રોજ વિજય પોતાની પત્ની અંજના અને સાત વર્ષની દીકરી ભૂમિકાને બાઇક પર બેસાડી દીપેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા લઈ ગયો હતો. માતાજીના દર્શન કરીને પરત ફરતી વખતે અંજનાએ પોતાના પતિને કહેલું કે મારે મારા પિયર જવું છે. જોકે, પતિ વિજયે ના પાડી હતી અને કહ્યું હતું કે,’મારે છોકરો જોઈતો હતો અને તે છોકરીઓ પેદા કરી તેમ કહી ઘરે આવતા સમયે રાત્રે આઠ વાગ્યાની આસપાસ કપડવંજના વાઘાવત સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ પરના વાઘાવત પુલ પર વિજયે બાઇક ઊભુ રાખ્યું હતું અને ત્યારબાદ અચાનક વિજયે આ 7 વર્ષની ભૂમીને જીવતી કેનાલના ધસમસતા પાણીમાં નાખી દીધી હતી અને પત્નીને ધમકી આપતા વિજયે કહ્યું હતું કે, જો તું આ બાબતે કોઈને વાત કરીશ તો તને છુટાછેડા આપી દઈશ. આમ પત્નીને ધમકી આપીને વિજય ઘરે લઇ આવ્યો હતો.
આ ઘટનાના બીજા દિવસે વઘાવત કેનાલના પાણીમાંથી આ દીકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળ્યા બાદ આતરસુબા પોલીસે તપાસ હાથ ધરી હતી. તે વખતે પણ પતિ વિજયે પોતાની પત્નીને દબાણ કરી કહ્યું કે, તારે એવું કહેવાનું કે ભૂમિકાને માછલી જોવા લઈ જતી વેળાએ આ ઘટના બની છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના નામે છેતરપિંડી : NRIના પિતા પાસેથી 3.5 લાખ પડાવ્યા
આ પણ વાંચો: ખેડાની બૈડપ પ્રાથમિક શાળામાં શિક્ષકની ગેરહાજરીનો મામલો ગરમાયો
આ પણ વાંચો: 9 મહિના પહેલા ફેફસાના અભાવે પુત્ર ગુમાવ્યો હતો, પરંતુ હવે બ્રેઈન ડેડ માતાએ 5 લોકોને નવું જીવન આપ્યું
