Lifestyle News: જો તમારો બ્લાઉઝ ટાઇટ થઇ ગયો છે અને એને ઢીલો કરવા માટે એમાં માર્જિન એટલે કે સિલાઇમાં ઍક્ટ્રા કાપડ નથી તો, મૂંઝાવાની જરુર નથી. અહિં દર્શાવેલા આઇડિયાથી, તમે ઘરે બેઠાં જ અત્યંત સરળતાથી એને ઢીલો કરી શકશો.
માર્જીન વગરના બ્લાઉઝને લૂઝ કરવાની સરળ ટ્રિક્સ
પેલું લોકગીત છે ને કે, ‘મારે કમખે બેઠો રે મોર ક્યાં બોલે…’ આ ‘કમખો’ અર્થાત્ બ્લાઉઝનું નારીશૃંગારમાં ઘણું મહત્વ હોય છે. દરેક સ્ત્રી માટે તેની અમુક સાડીઓ અને બ્લાઉઝ ફેવરિટ હોય જ છે! પરંતુ મોટાભાગે, મહિલાઓનું આ ફેવરિટ વસ્ત્ર સમયાંતરે ટાઇટ થવા લાગે છે. લગ્ન વખતે હોંશથી સિવડાવેલા બ્લાઉઝ, લગ્નના થોડા વર્ષો બાદ અથવા તો ડિલીવરી પછી શરીર થોડું ભારે થવાને કારણે, ફિટ પડવા લાગે છે. દરજીને મોંઘી સિલાઇ આપીને, સિલ્ક તથા સાટીન જેવા ભારે કાપડમાંથી તૈયાર કરાવેલા સાવ નવા બ્લાઉઝ આપણને ન થાય ત્યારે આપણો જીવ બળી જાય છે! બ્લાઉઝ ચાહે સિમ્પલ હોય કે ડિઝાઇનર, જો એને પહેરવા જતા એ તમને સાઇડમાંથી ટાઇટ જણાય તો, મૂંઝાવાની લગીરે જરુર નથી. જો તમારા બ્લાઉઝમાં સાઇડમાં માર્જિન એટલે કે, સિલાઇમાંથી ખોલી શકાય એટલું ઍક્ટ્રા કાપડ નથી, તો પણ તમે એને આરામથી લૂઝ કરી શકશો. અહિં દર્શાવેલી બે ટ્રિક્સથી તમારો બ્લાઉઝ બગડશે પણ નહિં અને દેખાવમાં એનો ડિઝાઇનર લુક આવી જશે! આ માટે અમે તમને અમુક ટ્રિક્સ બતાવીશું, જેને સ્ટૅપ બાય સ્ટૅપ ફૉલો કરવાથી તમે જાતે જ તમારા બ્લાઉઝને ફક્ત ઢીલા જ નહિં પરંતુ, એને ઍક્સ્ટ્રા-ઑર્ડિનરી લુક પણ આપી શકશો!
ટ્રિક નંબર – 1
સૌપ્રથમ બ્લાઉઝને ઉલટાવી લો અને જમીન પર ફેલાવીને ગોઠવો. હવે ગળાનું માપ લઇ લો. જો તમારો બ્લાઉઝ ફક્ત નીચેની તરફથી એટલે કે કમરના ભાગેથી જ ફિટ થાય છે તો, સિલાઇમાં દરજીએ આપેલી ડૉટ વાળી સિલાઇ ખોલી નાખો, જેનાથી એ લૂઝ થઇ જશે. એનાથી તમને બ્લાઉઝ ખોલવા માટે લગભગ 2 ઇંચ જેટલો માર્જિન મળી રહેશે. પરંતુ, જો બ્લાઉઝ બધેથી જ ફિટ થાય છે તો સ્કેલને પીઠના ભાગે ગળાની બરાબર મધ્યમાં નીચેની તરફ સીધી રાખીને, સિલાઇકામમાં વપરાતા ચૉક વડે નિશાન બનાવી લો. ત્યારબાદ, એને કટ કરી લો. હવે એમાં વચ્ચે સાંધો લગાવવા માટે તમે સાડીના જ છેડામાથી થોડું કાપડ કાપીને વાપરી શકો છો. જો તમે આવું કરવા માગતા નથી તો પછી બ્લાઉઝને મૅચ થાય એવું કાપડ તમે બજારમાંથી પણ લાવી શકો છો. એને વાળીને બંને તરફ કાપેલા ભાગની વચ્ચોવચ સિલાઇ કરીને સરસ રીતે લગાવી દો. એને જોડવા માટે તમે બે કે ત્રણ પટ્ટીઓ પણ બનાવી શકો છો અથવા તમારી રીતે કોઇ આઇડિયા લગાવી શકો છો, જેનાથી પીઠના ભાગે જોડેલો એ પટ્ટો બ્લાઉઝ સાથે બરાબર મૅચ થઇ જાય.
ટ્રિક નંબર – 2
બ્લાઉઝને ઢીલો કરવાની અન્ય પદ્ધતિમાં પણ તમારે સાડી અથવા બ્લાઉઝ સાથે મૅચ થાય એવા કપડાની જરુર પડશે. સૌપ્રથમ, બ્લાઉઝમાં ઉપરની તરફનું માપ લો. પછી 10 ઇંચ જેટલા મૅચિંગ કાપડને કટ કરી લો. સિલાઇ કરીને એને ઉલટાવી લો. પછી બ્લાઉઝની ખભાના જોઇંટથી 3 ઇંચ નીચે સિલાઇ કરીને તેને જોડી દો. સિલાઇ કર્યા બાદ તમારે બે દોરીની જરુર પડશે. આ દોરીને બ્લાઉઝની બંને તરફ સિલાઇ કરીને જોડી દો. એટલી લંબાઇની દોરી લગાવો કે જેથી ખભાના ભાગેથી બ્લાઉઝ સરકે નહિં. એને ત્યારબાદ જોડેલા કપડા સાથે વચ્ચેના ભાગે બાંધી દો. સજાવટ માટે તમે કોઇ મોતી અથવા બટન પણ લગાવી શકો છો, આ ઉપરાંત તમે એમાં લેસ કે ફૂમતાં પણ લગાવી શકો છો.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
