Gandhinagar News: ગીર સોમનાથમાં ભારે વરસાદના લીધે સૂત્રાપાડાના ગ્રામીણ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. સૂત્રાપાડા પંથકમાં એક જ રાત્રિમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ ખાબકતા ગામની શેરીઓમાં રીતસર નદી વહી છે. પસનાવડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મગફળી, સોયાબીનના પાક.માં વરસાદથી નુકસાન થયું છે.
સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનો આવતો હોય છે ત્યારે ગુજરાતમાં બધા ડેમો ભરાયેલા પાણીને સાચવવાની તજવીજમાં હોય છે. તેઓનું પહેલું ટાર્ગેટ આગામી ચોમાસા સુધી પાણીનો યોગ્ય રીતે વપરાશ થાય તે જોવાનું હોય છે, પણ આ વખતે મેઘરાજાની અવિરત મહેરહબાનીના કારણે સૌરાષ્ટ્રના લગભગ દરેક ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને તેમાથી સતત પાણી છોડવાની ફરજ પડી રહી છે.
રાજ્યના કુલ 207 જળાશયોમાંથી 100 જેટલા જળાશય સંપૂર્ણ ભરાઈ ગયા છે. 60 જેટલા જળાશય 70થી 80 ટકા જેટલા ભરાયા છે. જ્યારે બાકીના જળાશય 50થી 70 ટકા ભરાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 112 ટકા સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે.
તાજેતરમાં જ પડેલા વરસાદના લીધે ગીર સોમનાથના ઉમરેઠી ગામે આવેલો હિરણ-2 ડેમ ઓવરફ્લો થતાં તેના દરવાજા 0.38 મીટર માટે ખોલવામાં આવ્યા હતા. પાણીના વધતા જતા પ્રવાહના કારણે ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. વેરાવળના 11 ગામો અને તલાલાના 3 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ડેમના પાંચ દરવાજા 0.38 મીટર ખોલવામાં આવ્યા હતા.
મેઘરાજાની સવારી જળવાતા ગીર ગઢડાનો રાવલ ડેમ ઓવર ફ્લો થઈ ગયો હતો. તેના લીધે ડેમના ત્રણ દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા હતા. તેના પગલે ગીર ગઢડાના સાત અને ઉનાના 11 ગામને એલર્ટ કરવામાં આવ્યા હતા. હાલમાં પણ ઉપરવાસમાં વરસાદ ચાલુ છે.
મેઘરાજાની ધમાકેદાર બેટિંગના લીધે ગીરગઢડાનો શિંગોડા ડેમ પણ ઓવરફ્લો થયો હતો. ડેમના ત્રણ દરવાજા 60 મીટર ખોલવામાં આવ્યા હતા. તેના પગલે ગીર ગઢડાના બે અને કોડીનારના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાત્રિના ધોધમાર વરસાદ વરસ્યો છે. જામ ખંભાળિયાના કલ્યાણપુર તાલુકામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. દ્વારકામાં 1.25 ઇંચ અને ભાણવડમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે અનેક ગરબા આયોજનો રદ થઈ ગયા છે.
સુરતમાં ભારે વરસાદના પગલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એટીકેટીની પરીક્ષા મોકૂફ રહી છે. સુરત સહિત દક્ષિણમાં હવે ભારે વરસાદની સ્થિતિ છે. BSC અને BSC કોમ્પ્યુટર સાયન્સની સેમેસ્ટર-4ની પરીક્ષા હતી. MSC સેમેસ્ટર-2 અને 4ની એટીકેટીની પરીક્ષા હતી. BCA સેમેસ્ટર-4ની એટીકેટીની આજે પરીક્ષા હતી. BBA સેમેસ્ટર-6ની એટીકેટીની પરીક્ષાઓ મોકૂફ રખાઇ. પરીક્ષાઓની નવી તારીખ પછી જાહેર કરવામાં આવશે. ફક્ત 29 સપ્ટેમ્બર, 2025ના રોજની પરીક્ષાઓ જ મોકૂફ રખાઇ.
આ પણ વાંચો: gujarat rain/ગુજરાતનાં અનેક જિલ્લાના ડેમોના દરવાજા ખોલાયા, વરસાદે ફરી ચાલુ કરી બેટિંગ………….
આ પણ વાંચો: Jamnagar News/એશિયા કપ વિજય પર જામનગરમાં જશ્ન, વરસાદ વચ્ચે ઢોલ-નગારા સાથે તિરંગા લહેરાવ્યો
આ પણ વાંચો: Gir Somnath News/ગીર સોમનાથના ઉમરેઠી ગામે હીરણ ડેમ ઓવરફલો, 14 ગામોને એલર્ટ જાહેર કરાયા
