Jamnagar News: જર, જમીન અને જોરુ ત્રણેય કજિયાના છોરુ એમ કહેવાય છે. જામનગરમાં બીજાની જમીન બીજાને વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ જમીનનું મૂલ્ય કરોડોમાં થાય છે. યુકેમાં રહેતા બિનનિવાસી ભારતીય (NRI)ની જમીન બારોબાર વેચી દેવામાં આવી છે.
જામનગરના વસઈ ગામમાં આ પ્રકારનો કાંડ સર્જાયો છે. યુકેમાં રહેતા બિનનિવાસી ભારતીય તથા ગુજરાતી અમિત શાહની નવ વીઘા જમીનનો બોગસ દસ્તાવેજ બનાવીને તેને વેચી દેવાઈ છે. જમીનના માલિકની ઓળખ ખોટી ઊભી કરવામાં આવી હતી. આ ઉપરાંત સિટી સર્વે કચેરીમાં બોગસ ખેડૂતને ઊભો કરવામાં આવ્યો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. યુકેમાં રહેતા વૃદ્ધને જાણ થતાં તેઓએ તેના અંગે તપાસ કરાવી હતી. આના પગલે આખું કૌભાંડ બહાર આવ્યુ હતુ. તેમા મુંબઈના શખ્સ સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તેમાથી બે આરોપીને ઝડપ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં બીજા ફણગા ફૂટશે તો પણ આશ્ચર્ય નહીં થાય.
યુકેમાં સ્થાયી થયેલા જામનગરની જયંત સોસાયટીના રહેવાસી અમિત શાહ ત્યાં કારોબાર કરે છે. તેમની જામનગરના વસઈ ગામમાં 9 વીઘાની ખેતીની જમીન આવેલી છે. તેમણે આ જમીનના દસ્તાવેજ 2000ની સાલમાં કરાવેલા હતા. તે સમયાંતરે યુકેથી ભારત આવીને જમીનની દેખભાળ કરતા હતા. તેમને છેક 2024 સુધી જમીનની સ્થિતિ યથાવત્ જોવા મળી હતી.
તેના પછી તેમના ધ્યાન પર આવ્યું હતું કે તેમની જમીનના દસ્તાવેજ વેચાણાર્થે જામનગર પંથકમાં ફરી રહ્યા છે. તેના પગલે તેમણે જામનગર આવીને ચકાસણી શરૂ કરી હતી. તેમને ત્યારે ખબર પડી હતી કે તેમની જમીન તેમની જ જાણ બહાર બીજાને વેચી દેવાઈ છે. તેમણે આના પગલે પ્રાંત અધિકારી સમક્ષ અરજી કરી હતી.
આના પગલે પ્રાંત અધિકારીએ તપાસ કરતાં આ જમીન જામનગરમાં રહેતા ભગવાનજીભાઈ હંસરાજભાઈ ગોરીના નામે ટ્રાન્સફર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તેને મુંબઈના અમિતભાઈ શાહ નામની વ્યક્તિએ ખોટો દસ્તાવેજ કરી આપ્યાનું જાણમાં આવ્યું હતું. તેમા જામનગરના નવજીભાઈ ગોરી અને મુંબઈના યોગેશ શાહે સાક્ષી તરીકે સહી કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આના પગલે તેમણે સિક્કા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા પોલીસે હાલમાં બેની ધરપકડ કરીને ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં ફ્લેટમાં ચાલતું કૂટણખાનું પકડાયું, અમદાવાદ-રાજકોટથી રૂપલલનાઓ બોલાવાતી હતી
આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં BJP-Congress ના કાર્યકર્તાઓ બાખડયા: કોંગ્રેસ પ્રમુખ સહિત 2 ની તબિયત લથડતાં હોસ્પિટલમા
આ પણ વાંચો: Jamnagar News/જામનગર શાળા આરોગ્ય તપાસણી: 220 બાળકો ગંભીર બીમારીથી પીડિત
