ગુજરાતમાં રવિ ઋતુમાં રાજ્યના દરેક ખેડૂતને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થઇ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાતર વિતરણનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. ભારત સરકારે રવિ ઋતુ માટે રાજ્ય સરકારને જરૂરિયાત મુજબનો પૂરતો ખાતરનો જથ્થો ફાળવ્યો હોવાથી ખેડૂતોને જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા તથા વણજોઈતી ખરીદી ન કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં હાલ દરેક જિલ્લાની જરૂરીયાતને ધ્યાને રાખીને સપ્લાય પ્લાન મુજબ ખાતરનો જથ્થો વિવિધ જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યો છે.
ચાલુ રવિ ઋતુમાં એટલે કે, ઓક્ટોબર-2025 થી માર્ચ-2025ના સમયગાળા માટે ભારત સરકારે ગુજરાત માટે યુરીયા ખાતર કુલ 13.90 લાખ મેટ્રિક ટન અને ડી.એ.પી ખાતરના 2.90 લાખ મેટ્રિક ટન જથ્થાની ફાળવણી મંજૂર કરી છે, જેમાંથી અત્યાર સુધીમાં 5.48 લાખ મેટ્રિક ટનથી વધુ યુરીયા અને 2.18 લાખ મેટ્રિક ટનથી વધુ ડી.એ.પી ખાતર રાજ્યમાં ઉપલબ્ધ થયું છે.
ગુજરાતમાં ચાલુ રવિ સીઝન દરમિયાન અત્યાર સુધીમાં ખેડૂતો દ્વારા કુલ 3.44 લાખ મેટ્રિક ટનથી વધુ યુરીયા ખાતર અને 1.68 લાખ મેટ્રિક ટનથી વધુ ડી.એ.પી ખાતરનો વપરાશ કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મળીને કુલ 2.08 લાખ મેટ્રિક ટનથી વધુ યુરીયા ખાતરનો અને 49 હજાર મેટ્રિક ટનથી વધુ ડી.એ.પી ખાતરનો જથ્થો ખેડૂતો માટે ઉપલબ્ધ છે.
આ ઉપરાંત છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં આશરે 12,500 મેટ્રિક ટન યુરીયા ખાતર રેલવે રેકના માધ્યમથી વિવિધ જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવ્યું છે, જે પૈકી હાલમાં જુદા-જુદા 7 રેક પોઈન્ટથી યુરીયા ખાતરનો સપ્લાય ચાલુ છે. આગામી અઠવાડિયામાં પણ અંદાજે 22,000 મેટ્રિક ટન યુરિયા ખાતરનો સપ્લાય કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે, જેથી રાજ્યના દરેક ખેડૂતને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ થઇ શકે.
આમ, રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે અને જરૂરીયાત મુજબ તેની જિલ્લાવાર સપ્લાય ચાલી રહી છે. ખેડૂતોને અફવાઓથી દૂર રહેવા તેમજ જરૂરિયાત પૂરતું જ ખાતર ખરીદવા અનુરોધ કરવામાં આવ્યો છે.
