Gujarat News/ મંત્રી અર્જુન મોઢવાડિયા અને મંત્રી નરેશ પટેલે ધરમપુરના માલનપાડા સ્થિત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી

ઝેરી સર્પો અને તેમના ઝેરમાંથી સાયન્ટિફિક રીતે પ્રોસેસ કરી બનાવવામાં આવતા વેનમ વિશે મંત્રીશ્રીઓ એ વિસ્તૃત જાણકારી મેળવી

Gujarat Trending
Arjun Modhwadia visits Research Institute

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર, ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશ પટેલે રવિવારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા ખાતે સ્થિત સર્પ સંશોધન સંસ્થાનની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત વેળા સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વાઇસ પ્રેસિડેન્ટ ડો. ડી.સી.પટેલે બંને મંત્રીઓને ઇન્સ્ટિટ્યૂટમાં રાખવામાં આવેલા ઝેરી સર્પો અને તેમના ઝેરમાંથી સાયન્ટિફિક રીતે પ્રોસેસ કરી બનાવવામાં આવતા વેનમ વિશે વિસ્તૃત જાણકારી આપી ઝેરી સાપ, સ્ટોરેજ રૂમ અને લેબોરેટરીની મુલાકાત કરાવી હતી. આ દરમિયાન મંત્રી મોઢવાડિયા એ ઝેરી સાપની વિશેષતા, તેમના લક્ષણો, વિવિધ પ્રકારના સર્પદંશથી માનવ શરીર પર થતી અસરો વિશે રસપ્રદ માહિતી મેળવી પોતાની જિજ્ઞાસા સંતોષી હતી. ડો. ડી.સી.પટેલે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ઝેરી સાપના પ્રકાર, વિનમ વેરીએશન અને આ સેન્ટરની ઉપયોગીતા વિશે તલસ્પર્શી માહિતી આપી હતી.

આ સિવાય સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કેવી રીતે અને કેવા સંજોગોમાં થઈ તે અંગેનો વિસ્તૃત ઇતિહાસ જણાવ્યો હતો. ડો. પટેલ દ્વારા પીએચસી, સીએચસી, સ્ટેટ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના તબીબોને સર્પ દંશના દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગે રાજ્યભરમાં આપવામાં આવતી તાલીમ, સર્પ બચાવવા માટે રેસ્ક્યુ કામગીરી કરતા યુવાનોને માર્ગદર્શન, લોકો સાપને મારી ન નાખે તે માટે જાગૃતિ કાર્યક્રમ અને સાપ ડંખ મારે તો શું પગલાં લેવા તે અંગે વર્ષ 1993 થી પોતાના દ્વારા થતી કામગીરીની વિગત આપી હતી.

આ સમયે ડો. પટેલે ખાસ જણાવ્યું કે, જો વિશ્વમાં બધા જ સાપને મારી નાખવામાં આવશે તો મનુષ્ય જીવન 20 વર્ષથી વધુ અસ્તિત્વમાં રહેશે નહીં. દરેક સાપ ડંખ મારવા પહેલા અવાજ કાઢે છે તે અંગેના વીડિયો પણ મંત્રીશ્રીઓને બતાવવામાં આવ્યા હતા. ડો. પટેલે 1993 થી અત્યાર સુધીમાં કુલ 21262 સર્પ દંશ દર્દીઓને સારવાર આપી જીવ બચાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ સાથે છેલ્લા 3 વર્ષમાં ઝીરો ડેથ રેટ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

આ સમયે મંત્રી નરેશ પટેલે ડો.ડી.સી.પટેલ દ્વારા થતી સેવાકીય કામગીરી અંગે પ્રસંશા કરી જણાવ્યું કે, ડો. પટેલ દાયકાઓથી આદિવાસી વિસ્તારમાં સર્પ દંશથી લોકોના જીવ બચાવવાનું ભગીરથ સેવા કાર્ય કરી રહ્યા છે જેને પગલે હવે લોકો સર્પ દંશ થાય તો ભગત ભુવા પાસે જવાને બદલે સીધા હોસ્પિટલમાં જાય છે. તેમના પ્રયાસથી અંધશ્રદ્ધાને દૂર કરવામાં સફળતા મળી છે.

મંત્રીઓએ વન વિભાગના એડિશનલ પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર એસ. કે. શ્રીવાસ્તવ, ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડો. બી. સૂચિન્દ્રા, વલસાડ જિલ્લા ઉત્તર વન વિભાગના ડીએફઓ લોકેશ ભારદ્વાજ, એસીએફ જિનલ ભટ્ટ સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી આ સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભારતની શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ બને તે માટે જરૂરી માર્ગદર્શન આપી જરૂરી સાધન સામગ્રી પુરી પાડવા સૂચન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત સમયે ફોરેસ્ટ પ્રોટેકશન ચોકીના પટાંગણમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધરમપુર નગરપાલિકાના પ્રમુખ મયંક મોદી, કારોબારી સભ્ય મહેશ ગાયકવાડ, ધરમપુર શહેર સંગઠન પ્રમુખ અમિત ચોરેરા અને સભ્યો દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવા ખાતર વિતરણનું સુદ્રઢ આયોજન

આ પણ વાંચો: સ્વાગત ઓનલાઇન, ટેકનોલોજીના માધ્યમથી લોકસમસ્યાનો ઉકેલ

આ પણ વાંચો: ગીર સોમનાથમાં તાલાલાના જશાપુરથી અમૃતવેલ ગામને જોડતા રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરતાં અર્જુન મોઢવાડિયા…