Narmada News: નર્મદા જિલ્લામાં છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા ખેડૂતોના ઉપવાસ આંદોલનનો આખરે સત્તાવાર અંત આવ્યો (Sagbara Farmers Protest Ends) છે. પ્રભારી મંત્રી ઈશ્વર પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે થયેલી વાટાઘાટો બાદ સરકારે તેમની વ્યાજબી માંગણીઓ અંગે હકારાત્મક નિર્ણય લેવાની ખાતરી આપી હતી. સરકાર તરફથી મળેલી ખાતરી બાદ ખેડૂતોએ પારણાં કરીને ધરણાં પૂર્ણ કર્યા હતા.
મંત્રીઓ અને સાંસદની હાજરીમાં વાટાઘાટો
ખેડૂતોના પ્રશ્નોને (Gujarat Farmers) લઈને યોજાયેલી બેઠકમાં પ્રભારી મંત્રી ઈશ્વર પટેલ ઉપરાંત મંત્રી પ્રવીણ માળી અને સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ચર્ચા દરમિયાન ખેડૂતોના જમીન સંબંધિત પ્રશ્નો અને પેન્ડિંગ દાવાઓ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.
Sagbara Farmers Protest Ends: સરકાર તરફથી માંગણીઓના ઝડપી નિવારણની ખાતરી
વાટાઘાટો દરમિયાન સરકારે ખેડૂતોની યોગ્ય માંગણીઓ સ્વીકારી તેમના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. સરકાર તરફથી હકારાત્મક સંકેત મળ્યા બાદ ખેડૂતોમાં પણ રાહત જોવા મળી હતી અને લાંબા સમયથી ચાલી રહેલું આંદોલન સમેટવાનો નિર્ણય લેવાયો હતો.
સાંસદ મનસુખ વસાવાના હાથે ખેડૂતોએ પારણાં કર્યા
24 દિવસથી ઉપવાસ પર બેઠેલા ખેડૂતોએ સાંસદ મનસુખ વસાવાના હાથે પારણાં કરીને આંદોલન પૂર્ણ કર્યું હતું. આ દરમિયાન આંદોલન સાથે જોડાયેલા ખેડૂતોમાં રાહત અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
સાંસદ મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, ખેડૂતોના લાંબા સમયથી પેન્ડિંગ દાવાઓના નિકાલ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) પણ ખાતરી આપી છે કે જરૂરી પુરાવા ધરાવતા ખેડૂતોના પેન્ડિંગ દાવાઓને મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણયથી સાગબારા સહિત સમગ્ર ગુજરાતના અંદાજે 70 હજારથી વધુ ખેડૂતોને લાભ મળવાની શક્યતા છે. જોકે, દાવાઓનો નિકાલ ઉપલબ્ધ અને માન્ય પુરાવાના આધારે કરવામાં આવશે.
સનદ હોવા છતાં ખેડાણ અટકાવાતું હોવાનો મુદ્દો
ખેડૂતો તરફથી એવો મુદ્દો પણ રજૂ કરવામાં આવ્યો હતો કે કેટલાક ખેડૂતોને જમીનની સનદ મળી ગઈ હોવા છતાં તેમને પોતાની જમીન પર ખેડાણ કરતા રોકવામાં આવી રહ્યા છે. આ પ્રશ્નના નિરાકરણને પણ ખેડૂતો માટે મહત્વપૂર્ણ ગણવામાં આવ્યો છે.
24 દિવસ બાદ લીલાબેન વસાવાએ આંદોલન પૂર્ણ કર્યું
8 ઓગસ્ટથી સતત ધરણા પર બેઠેલાં લીલાબેન વસાવાએ ખેડૂતોને ન્યાય મળવાની સરકાર તરફથી ખાતરી મળ્યા બાદ પારણાં કરવા સંમતિ દર્શાવી હતી. તેમણે આંદોલન દરમિયાન સહકાર આપવા બદલ સાંસદ મનસુખ વસાવાનો આભાર માન્યો હતો. લીલાબેન વસાવાએ જણાવ્યું હતું કે ખેડૂતોનો મુખ્ય ઉદ્દેશ પોતાની જમીન પર ફરીથી ખેતી કરવાનો અધિકાર મેળવવાનો હતો. સરકાર તરફથી મળેલી ખાતરી બાદ આંદોલન પૂર્ણ કરવામાં આવ્યું છે.
સરકાર તરફથી હકારાત્મક સંકેત મળ્યા બાદ સાગબારા વિસ્તારના કેટલાક ખેડૂતો દ્વારા જમીનનું ખેડાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. લાંબા સમય બાદ ખેતીકામ શરૂ કરવાની તક મળતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આંદોલનના અંત સાથે હવે સરકાર દ્વારા આપેલી ખાતરી મુજબ પેન્ડિંગ દાવાઓનો નિકાલ અને જમીન સંબંધિત પ્રશ્નોનું ઝડપી નિરાકરણ કેટલા સમયમાં થાય છે તેના પર ખેડૂતોની નજર રહેશે.
આ પણ વાંચો: સાગબારા-ઉમરપાડા જમીન વિવાદ: 19 દિવસથી આદિવાસી ખેડૂતોનું આંદોલન
આ પણ વાંચો: સાગબારા જંગલ જમીન મુદ્દે ધરણાનો 8મો દિવસ, મનસુખ વસાવાની મોટી જાહેરાત- ‘મુદ્દો હલ થાય તો રાજીનામું આપીશ’
આ પણ વાંચો: આઠ દિવસથી ધરણા યથાવત! સાગબારાના ખેડૂતો માટે મનસુખ વસાવાનું મોટું નિવેદન
