ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયા એ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઓઝરપાડા ગામ ખાતે સ્થિત અતુલ ઇન્સ્ટિટયૂટ ઓફ વોકેશનલ એક્સલન્સ સંસ્થાની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત વેળા અતુલ ફાઉન્ડેશનના ચેરપર્સન સ્વાતિબેનએ મંત્રી મોઢવાડીયાને પોતાની સંસ્થામાં ધરમપુર અને કપરાડા તાલુકા સહિત જિલ્લાના આદિવાસી તાલીમાર્થી વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે કાર્યરત સેવાકીય પ્રવૃતિની માહિતી આપી હતી. મંત્રીએ આ સંસ્થામાં કાર્યરત ડેટા એન્ટ્રી ઓપરેટર, ટેકસટાઈલ ક્ષેત્રે ઉપયોગી ઈન્ડ્રસ્ટીઝ સ્યુઈંગ મશીન ઓપરેટર, ઈલેક્ટ્રીશીયન, કમ્પ્યુટર હાર્ડવેર અને મેઈન્ટેનન્સ, કેમિકલ પ્લાન્ટ ઓપરેટર, વેલ્ડીંગ ટેકનિશીયન અને રેફ્રીઝરેટર- એસી ટેકનિશીયનના તાલીમાર્થીઓના વર્ગ ખંડમાં જઈ તેઓ સાથે આત્મીય વાર્તાલાપ કર્યો હતો. ટેકસટાઈલ ક્ષેત્રના તાલીમાર્થીઓએ જરદોશી આર્ટ દ્વારા તૈયાર કરેલા ડિઝાઈનીંગ વસ્ત્રો મંત્રીશ્રીએ નિહાળી આ ક્ષેત્રમાં રોજગારી દ્વારા આર્થિક રીતે આત્મનિર્ભર બનવા માટે સૂચન કર્યા હતા.

અતુલ ફાઉન્ડેશનના ચેરપર્સ સ્વાતિબેનએ જણાવ્યું કે, અમારી સંસ્થામાં 1500 જેટલા તાલીમાર્થીઓ માટે 3 થી 6 માસના શોર્ટ ટર્મ કોર્સ ચાલે છે જે શીખીને તાલીમાર્થીઓ ઝડપથી નોકરી ધંધો મેળવી પોતાની મેળે પગભર થઈ શકે છે. અહીં તાલીમાર્થીઓને કોમ્યુનિકેશન અંગે પણ શિક્ષણ આપવામાં આવે છે.

આ મુલાકાત વેળા જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ, ધરમપુર સાઈનાથ હોસ્પિટલના ડો. ડી.સી.પટેલ, અતુલ કંપનીના ડિરેકટર વિવેક ગડરે, અને જનરલ મેનેજર ગૌતમ દેસાઈ સહિત સંસ્થાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

