Ahmedabad News: ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) સમક્ષ 15 વર્ષની દુષ્કર્મ પીડિત સગીરાના ગર્ભપાતની મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી. સગીરા હાલ 22 સપ્તાહના ગર્ભવતી હોવાનું તબીબી તપાસમાં સામે આવ્યા બાદ હાઇકોર્ટે (Gujarat High Court) ગર્ભપાતની મંજૂરી આપી છે. આ કેસમાં ગીર સોમનાથના નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં BNS અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાયેલી છે. હાઇકોર્ટે (Gujarat High Court) સગીરાની ઉંમર, ઘટનાની ગંભીરતા અને તેના માનસિક તથા શારીરિક હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. કોર્ટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં જરૂરી તબીબી વ્યવસ્થા સાથે ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવા માટે તબીબોની ટીમ બનાવવાનો પણ આદેશ આપ્યો છે.
તબીબી તપાસમાં 22 સપ્તાહનો ગર્ભ સામે આવ્યો
અરજી બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબોની પેનલે સગીરાની તપાસ કરી હતી. તપાસના અહેવાલમાં સગીરાને 22 અઠવાડિયાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. તબીબી અહેવાલના આધારે હાઇકોર્ટે (Gujarat High Court) નોંધ્યું કે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરી શકાય છે. આ કેસમાં પીડિતા સગીર હોવા ઉપરાંત દુષ્કર્મની ભોગ બનેલી હોવાથી તેના હિતને પણ નિર્ણયમાં મહત્વ આપવામાં આવ્યું છે.
Gujarat High Court: ‘પીડિતાને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર’
હાઇકોર્ટે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકારનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટના અવલોકન મુજબ, દુષ્કર્મની પીડિતાને તેની ઇચ્છા વિરુદ્ધ અનિચ્છનીય ગર્ભ ચાલુ રાખવા માટે મજબૂર કરવું તેના માટે ગંભીર માનસિક યાતના બની શકે છે. કોર્ટે પીડિતાના શરીર અને ભવિષ્ય અંગેના હિતોને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની મંજૂરી આપી છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાતોની ટીમ બનાવાશે
હાઇકોર્ટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટને તાત્કાલિક જરૂરી નિષ્ણાત તબીબોની ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે. આ ટીમમાં સિનિયર ગાયનેકોલોજિસ્ટ, ફિઝિશિયન, એનેસ્થેટિસ્ટ અને મનોચિકિત્સકનો સમાવેશ કરવાનો રહેશે. ગર્ભપાતની પ્રક્રિયા દરમિયાન સગીરાની સલામતી અને આરોગ્ય માટે તમામ જરૂરી તબીબી સાવચેતી રાખવાની રહેશે.
ગર્ભપાત દરમિયાન બાળક જીવિત જન્મે તો શું?
કોર્ટના આદેશમાં એવી પરિસ્થિતિ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો તબીબી પ્રક્રિયા દરમિયાન બાળક જીવિત જન્મે તો હોસ્પિટલ દ્વારા તેને શ્રેષ્ઠ શક્ય તબીબી સારવાર આપવામાં આવે. જો પીડિતા બાળકને સ્વીકારવા ઇચ્છતી ન હોય, તો રાજ્ય સરકારે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ બાળકની જવાબદારી લેવાની રહેશે.
DNA ટેસ્ટ માટે ટિશ્યુ સેમ્પલ લેવાનો આદેશ
કેસની તપાસમાં વૈજ્ઞાનિક પુરાવા મહત્વના હોવાથી હાઇકોર્ટે (Gujarat High Court) તપાસ અધિકારીને DNA ટેસ્ટ માટે જરૂરી નમૂના એકત્રિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. ગર્ભમાંથી જરૂરી ટિશ્યુ સેમ્પલ વૈજ્ઞાનિક પદ્ધતિથી એકત્રિત કરી સુરક્ષિત રાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેથી તપાસમાં જરૂરી હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય.
પોક્સો અને BNS હેઠળ નોંધાયેલી ફરિયાદ
આ સમગ્ર મામલે ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ સંબંધિત ફરિયાદ નોંધાઈ છે. કેસમાં BNS અને POCSO Actની જોગવાઈઓ હેઠળ પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. હાઇકોર્ટ (Gujarat High Court)ના આદેશ બાદ હવે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તબીબી ટીમ દ્વારા આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સગીરાની ઓળખ જાહેર ન થાય તે કાયદાકીય રીતે પણ જરૂરી હોવાથી તેની ઓળખ છતી કરી શકે તેવી કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો:દુષ્કર્મ પીડિત સગીરાને હાઇકોર્ટની મોટી રાહત! 22 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
