Gujarat News/ ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય: દુષ્કર્મ પીડિત બે સગીરાઓને ગર્ભપાતની મંજૂરી, જાણો કોર્ટે શું કહ્યું

ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) સાબરકાંઠા અને કચ્છની બે દુષ્કર્મ પીડિત સગીરાઓને ગર્ભપાતની મંજૂરી આપી છે. કોર્ટે તબીબી નિષ્ણાતોની દેખરેખ, DNA સેમ્પલ જાળવવા અને બાળક જીવિત જન્મે તો તેની જવાબદારી અંગે પણ મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
26 અને 16 સપ્તાહના ગર્ભપાતને Gujarat High Courtની મંજૂરી

Gujarat News: ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) દુષ્કર્મ પીડિત બે સગીરાઓને ગર્ભપાતની મંજૂરી આપતો મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ચુકાદો આપ્યો છે. કોર્ટે પીડિતાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં ગર્ભપાતની મંજૂરી આપી છે. સાથે જ સમગ્ર પ્રક્રિયા નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ પૂર્ણ કરવાનો આદેશ પણ કર્યો છે.

કોર્ટના આદેશ મુજબ, ગર્ભપાત દરમિયાન જરૂરી કાનૂની પુરાવા જળવાઈ રહે તે માટે ગર્ભમાંથી DNA ટિશ્યૂ સેમ્પલ વૈજ્ઞાનિક રીતે એકત્ર કરીને તપાસ અધિકારીને સોંપવામાં આવશે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદા અને તબીબી અભિપ્રાયને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

સાબરકાંઠાની સગીરાને 26 સપ્તાહનો ગર્ભ

પ્રથમ કેસ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના ગુના સાથે સંબંધિત છે. 16 વર્ષની સગીરા ગર્ભવતી બન્યા બાદ ગર્ભપાત માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.મેડિકલ રિપોર્ટ મુજબ સગીરાને 26 સપ્તાહ અને 3 દિવસનો ગર્ભ હતો. કોર્ટે (Gujarat High Court) પીડિતાની માનસિક અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વરિષ્ઠ તબીબોની દેખરેખ હેઠળ ગર્ભપાત કરવાની મંજૂરી આપી છે.

કચ્છની સગીરાને પણ રાહત

બીજો કેસ કચ્છ જિલ્લાના ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા દુષ્કર્મના ગુનાનો છે. આ કેસમાં 17 વર્ષની સગીરાને 16 સપ્તાહનો ગર્ભ હોવાનું તબીબી તપાસમાં સામે આવ્યું હતું.સગીરા એનિમિયાથી પીડિત હોવા છતાં, તબીબી નિષ્ણાતોના અભિપ્રાયના આધારે કોર્ટે ગાંધીધામ જનરલ હોસ્પિટલમાં ગર્ભપાત કરવાની મંજૂરી આપી છે. જોકે, બંને કેસમાં પીડિતા અને તેમના પરિવારજનોએ પોતાના જોખમે સારવાર કરાવવા અંગે બાંહેધરી આપવાની રહેશે.

બાળક જીવિત જન્મે તો સરકાર સંભાળશે જવાબદારી

હાઇકોર્ટે (Gujarat High Court) પોતાના આદેશમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જો ગર્ભપાતની પ્રક્રિયા દરમિયાન બાળક જીવિત જન્મે તો હોસ્પિટલે તેને શ્રેષ્ઠ ઉપલબ્ધ સારવાર આપવાની રહેશે. જો પીડિતા અથવા તેનો પરિવાર બાળકની જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોય તો રાજ્ય સરકાર અને સંબંધિત અધિકારીઓએ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ બાળકની સંભાળ અને પુનર્વસનની જવાબદારી સંભાળવાની રહેશે.

DNA સેમ્પલ સાચવવાનો પણ Gujarat High Courtનો આદેશ

કોર્ટના આદેશ અનુસાર ભવિષ્યની કાનૂની કાર્યવાહી અને વૈજ્ઞાનિક પુરાવા માટે ગર્ભમાંથી DNA ટિશ્યૂ સેમ્પલ એકત્ર કરીને તપાસ અધિકારીને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી તપાસ અને ટ્રાયલ દરમિયાન જરૂરી પુરાવા ઉપલબ્ધ રહી શકે.


આ પણ વાંચો:3 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી: ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ, જૂનાગઢ મેડિકલ કોલેજને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના

આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટે વલસાડની સગીરાને 26 અઠવાડિયાના ગર્ભપાતની મંજૂરી આપી

આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટે મનોદિવ્યાંગ સગીરાને મેડિકલ રિપોર્ટ્સના આધારે આપી ગર્ભપાતની મંજૂરી