Gandhinagar News : ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનને સફળ બનાવવા માટે ગુજરાત સરકારે કમર કસી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સ્ટીયરિંગ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી અભિયાનના અસરકારક અમલીકરણ અને સમગ્ર કાર્યક્રમના આયોજન માટે માર્ગદર્શન આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાનની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે, “પહેલું સુખ તે જાતે નર્યા” એ સૂત્રને ચરિતાર્થ કરવા અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરવા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મેદસ્વિતા એક ગંભીર સમસ્યા છે અને તેના વિશે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે. આ અભિયાન દ્વારા અમે રાજ્યના અંતિમ વ્યક્તિ સુધી સ્વસ્થતાનો સંદેશ પહોંચાડવા માંગીએ છીએ.
સ્ટીયરિંગ કમિટીમાં મુખ્યમંત્રી ઉપરાંત પાંચ અન્ય મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોર, સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા આ કમિટીના સભ્યો છે.

આ ઉપરાંત, ગુજરાતના મુખ્ય સચિવ પંકજ જોષીની અધ્યક્ષતામાં એક એક્ઝિક્યુટિવ કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ કમિટીમાં રાજ્ય સરકારના વિવિધ 11 વિભાગોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ તેમના વિભાગો સાથે સંકલન કરીને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન સંબંધિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે.
એક્ઝિક્યુટિવ કમિટીમાં નીચેના વિભાગોના અધિકારીઓનો સમાવેશ થાય છે:
* શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
* ગૃહ
* રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
* પ્રવાસન
* માહિતી અને પ્રસારણ
* સામાન્ય વહીવટ વિભાગ
* શિક્ષણ
* આરોગ્ય અને પરિવાર કલ્યાણ
* ઉદ્યોગ અને ખાણ
* મહિલા અને બાળ વિકાસ
* કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી ‘ઓબેસિટી મુક્તિ’ માટેની રાષ્ટ્રવ્યાપી પહેલને આગળ વધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં વિશ્વ મેદસ્વિતા દિવસે આ અભિયાનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર આગામી વર્ષમાં મેદસ્વિતા સામેની લડાઈને વધુ તીવ્ર બનાવશે અને ગુજરાતને આરોગ્ય અને સુખાકારી માટે એક મોડેલ રાજ્ય બનાવશે.

વર્તમાન સમયમાં જીવનશૈલીમાં આવેલા બદલાવોને કારણે મેદસ્વિતા એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. વધુ પડતો સ્ક્રીનટાઇમ, અનિયમિત ભોજન અને ઊંઘ, અને શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ એ મેદસ્વિતાના મુખ્ય કારણો છે. જેના કારણે ડાયાબિટીસ, હૃદય રોગ અને પાચનતંત્ર સંબંધિત રોગોનું જોખમ વધી જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડાઓ અનુસાર, વિશ્વમાં દર આઠ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ મેદસ્વી છે.
આયુષ્માન ભારત હેલ્થ વેલનેસ સેન્ટર યોજના હેઠળ, રાજ્ય સરકારે પ્રાથમિક આરોગ્ય સંભાળ દ્વારા બિનચેપી રોગોને રોકવા માટેના પ્રયાસોને વધુ મજબૂત બનાવ્યા છે. આ ઉપરાંત, જાહેર જાગૃતિ વધારવા માટે વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ પણ મેદસ્વિતાને એક ગંભીર વૈશ્વિક સમસ્યા ગણાવી છે અને તેના નિવારણ માટે વિવિધ ભલામણો કરી છે. WHO ના સભ્ય દેશોએ 2025 સુધીમાં ડાયાબિટીસ અને મેદસ્વિતામાં વધારો અટકાવવાના લક્ષ્યાંકોને મંજૂરી આપી છે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ ૨.૦નો શુભારંભ કરાવ્યો
