Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકો અને પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આગામી ગુરૂવાર, તારીખ 27મી માર્ચના રોજ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003માં શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ, દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગતનું આયોજન કરવામાં આવે છે.
આ ઉપક્રમના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં માર્ચ-2025નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 27મી માર્ચે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ દિવસે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા સામાન્ય નાગરિકો અને અરજદારો પોતાની રજૂઆતો ગુરૂવાર, તારીખ 27મી માર્ચે સવારે 9-30 થી બપોરે 12-00 વાગ્યા સુધીમાં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને નોંધાવી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ રાજ્ય સ્વાગત અંતર્ગત મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે અને તેના નિવારણ માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપશે. રાજ્ય સરકારનો આ પ્રયાસ નાગરિકોની સમસ્યાઓનું ઝડપી અને અસરકારક નિવારણ લાવવામાં મદદરૂપ થશે.
આ કાર્યક્રમ નાગરિકો અને સરકાર વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેના દ્વારા લોકો પોતાની સમસ્યાઓ મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકે છે અને તેના નિરાકરણની અપેક્ષા રાખી શકે છે. રાજ્ય સરકાર નાગરિકોની સુખાકારી અને તેમની સમસ્યાઓના નિવારણ માટે સતત પ્રયત્નશીલ છે, અને આ સ્વાગત કાર્યક્રમ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તમામ અરજદારોને સમયસર પોતાની રજૂઆત નોંધાવવા માટે અનુરોધ કરવામાં આવે છે.
આ પણ વાંચો: આરોગ્યકર્મીઓની હડતાળ 9મા દિવસે પણ યથાવત, સરકારની કડક કાર્યવાહી; નોકરીમાંથી છૂટા કરવાનો આદેશ