Gandhinagar News : ગુજરાતના આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ આજે નવમા દિવસે પણ ચાલુ રહી હતી. પોતાની પડતર માંગણીઓને લઈને અડગ રહેલા કર્મચારીઓ સામે સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. એક તરફ સરકારે એસ્મા (ધ એસેન્શિયલ સર્વિસીઝ મેઇન્ટેનન્સ એક્ટ) લાગુ કર્યો છે, તો બીજી તરફ યુનિયનના મહામંત્રીને નોકરીમાંથી છૂટા કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, રાજ્યભરમાં અનેક કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને કેટલાકને ટર્મિનેટ પણ કરવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેક્નિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવા, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ મેળવવા અને ટેક્નિકલ કેડરમાં સમાવેશ કરવાની માંગણીઓ સાથે 17 માર્ચથી હડતાળ પર ઉતર્યા છે. રાજ્ય આરોગ્યકર્મચારી મહાસંઘના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી આ હડતાળને કારણે રાજ્યની આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર પડી રહી છે.
સરકારે હડતાળને ગેરવાજબી ગણાવી છે અને કર્મચારીઓને તાત્કાલિક કામ પર પાછા ફરવા માટે અપીલ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુરુવારે જણાવ્યું હતું કે જો કર્મચારીઓ હડતાળ નહીં સમેટે તો સરકાર કડક પગલાં લેશે. જેના ભાગરૂપે સરકારે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
સરકારની કાર્યવાહી:
* યુનિયનના મહામંત્રીને છૂટા કરવાનો આદેશ: સરકારે રાજ્ય આરોગ્યકર્મચારી મહાસંઘના મહામંત્રી આશિષ બારોટને નોકરીમાંથી છૂટા કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહીને કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
* સાબરકાંઠામાં નોટિસ અને ટર્મિનેશન: સાબરકાંઠા જિલ્લામાં હડતાળ પર ઉતરેલા 700થી વધુ કર્મચારીઓને આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી છે. જેમાંથી 117 કર્મચારીઓ કામ પર પરત ફર્યા છે, જ્યારે 7 કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. હજુ પણ હડતાળ પર રહેલા 457 કર્મચારીઓને 24 કલાકમાં ખુલાસો આપવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
* ગાંધીનગરમાં કારણદર્શક નોટિસ અને છૂટા કરવાનો આદેશ: ગાંધીનગર જિલ્લામાં હડતાળ પર ઉતરેલા 284 આરોગ્ય કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત, સીસીસીની પરીક્ષા નિયત સમયમાં પાસ નહીં કરનારા અને હડતાળમાં જોડાયેલા 8 કર્મચારીઓને ફરજમાંથી છૂટા કરવામાં આવ્યા છે. હડતાળ પર રહેલા 276 કર્મચારીઓને ચાર્જશીટ પણ આપવામાં આવી છે.
* એસ્મા લાગુ: સરકારે આરોગ્ય સેવાઓને જાળવી રાખવા માટે એસ્મા એક્ટ લાગુ કર્યો છે. આ કાયદા હેઠળ હડતાળ ગેરકાયદેસર ગણાય છે અને સરકાર કર્મચારીઓ સામે કડક પગલાં લઈ શકે છે.
કર્મચારીઓની માંગણીઓ:
આરોગ્ય કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:
* MPHW (મલ્ટી પર્પઝ હેલ્થવર્કર), FHW (ફીમેલ હેલ્થવર્કર), MPHS (મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર), FHS (ફીમેલ હેલ્થ સુપરવાઈઝર), TMPH (તાલુકા મલ્ટીપર્પઝ હેલ્થવર્કર), THV (તાલુકા સુપરવાઇઝર) અને જિલ્લાકક્ષાના આરોગ્ય સુપરવાઈઝર કેડરનો ટેક્નિકલ કેડરમાં સમાવેશ કરવો.
* ગ્રેડ-પેમાં સુધારો કરવો.
* MPHW-FHW કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી.
આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યું છે કે છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ સરકારમાં વારંવાર રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ તેમની માંગણીઓ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. જેના કારણે તેઓ હડતાળ પર ઉતરવા માટે મજબૂર થયા છે.
હાલમાં આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પોતાનું આંદોલન ચાલુ રાખી રહ્યા છે અને જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. સરકાર અને કર્મચારીઓ વચ્ચે ચાલી રહેલા આ ખેંચતાણમાં આરોગ્ય સેવાઓ પર કેવી અસર પડે છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો: આરોગ્યકર્મીઓના આંદોલન વચ્ચે સરકાર એક્શનમાં, ESMA લાગૂ કર્યો
આ પણ વાંચો: સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ