Crime/ સેલ્બી હોસ્પિટલનાં સીનીયર એક્ઝીક્યુટીવ અને મેડિક્લેમ મેનેજરે બનાવી મેડિક્લેમની ખોટી ફાઈલ, અને પછી…

અમદાવાદના એસજી હાઈવે પર આવેલી સેલ્બી હોસ્પિટલના સિનિયર મેનેજરે હોસ્પિટલમાં જ ફરજ બજાવતા બે કર્મીઓ સામે ફરિયાદ નોંધાવી છે.padma

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, અમદાવાદ

અમદાવાદના એસજી હાઈવે પર આવેલી સેલ્બી હોસ્પિટલના સિનિયર મેનેજરે હોસ્પિટલમાં જ ફરજ બજાવતા બે કર્મીઓ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે બોપલ ખાતેની સેલ્બી હોસ્પિટલનાં સિનિયર એક્ઝિક્યુટિવ તેમજ મેડીક્લેમ આસિસ્ટન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા શખ્સોએ પોતાના મિત્રોના ખોટા મેડિક્લેમની ફાઇલો બનાવી તેમાં સેલ્બી હોસ્પિટલના સિક્કા મારી લેટરપેડ બનાવી છેતરપિંડી આદરી છે.

 સેલ્બી હોસ્પિટલમાં સિનિયર મેનેજર તરીકે લીગલ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હિતાર્થ ઢેબરે આનંદ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ 9 માર્ચ 2021ના રોજ બોપલ ખાતેથી ઉક્તક્રિષ્ણા સેલ્બી હોસ્પિટલ ખાતે મેડ સેવ નામની કંપની માંથી ઈ-મેઈલ આવ્યો હતો.  જે મેડિક્લેમની ફાઈલ મૂકનાર યતીન મણિયારના કોવિડ-19 ના મેડિક્લેમની વધુ માહિતી મોકલવાનું જણાવ્યું હતું, જે ઇમેલની હોસ્પિટલની ઓડીટ ટીમને જાણ કરાતા તેઓએ ક્રિષ્ણા સેલબી હોસ્પિટલના રેકોર્ડ પર તપાસ કરતા યતીન નામનો કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થયેલો ન હોવાનું તેઓને જાણવા મળ્યું હતું. જેથી તેઓએ યતીન મણિયારનો સંપર્ક કરતા મેડીક્લેમના ડોક્યુમેન્ટ આપેલા નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી હોસ્પિટલની સંયુક્ત ઓડિટ ટીમ દ્વારા આ બાબતે તપાસ કરવાનું શરૂ કરાયું હતું, જેમાં યતીન મણિયાર દ્વારા COVID મેડીક્લેમ મેળવવા માટે રજૂ કરેલા દસ્તાવેજોમાં એકાઉન્ટ સમરી ડોક્યુમેન્ટમાં સેલ્બી હોસ્પિટલના સિસ્ટમમાં હર્ષાબેન જોશી નામ હતું. જેથી ખાનગી રીતે યતીન મણિયાર કોના સંપર્કમાં હશે તેની તપાસમાં લાગ્યા હતા જે દરમિયાન તેઓને જાણવા મળ્યું હતું કે યતીન મણિયાર સેલ્બી હોસ્પિટલ ખાતે સિનિયર એક્ઝિક્યુટિવ કોર્પોરેટ ડેવલોપમેન્ટ વિભાગમાં નોકરી કરતા મિહિર હિતેશકુમાર અગ્રવાલનો મિત્ર છે, જેથી સેલ્બી હોસ્પિટલના CHRO બાબુ થોમસે મિહિર નિતેશકુમાર અગ્રવાલને ફોન કરીને પૂછપરછ કરતા યતીન મણિયાર પોતાના મિત્ર હોવાનું તેણે જણાવ્યું હતું. ત્યારબાદ ઓડિટ ટીમે આ બાબતે સઘન તપાસ કરી અન્ય આવા પ્રકારની કોઈ મેડિક્લેમની ખોટી ફાઈલ બનેલી છે કે કેમ તેની તપાસ શરુ રાખી હતી.

દરમિયાન ૧૯ માર્ચ 2021ના રોજ હોસ્પિટલની હાયર મેનેજમેન્ટની ટીમે સેલ્બી હોસ્પિટલ ખાતે મીટિંગ યોજી હતી જે મીટીંગના અંતે યતીન મણિયારની મેડીક્લેમ ખોટી ફાઈલ બાબતે મીહીર અગ્રવાલને પૂછપરછ કરતાં ખોટી ફાઈલ બાબતે તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો.

હોસ્પિટલનાં સત્તાધિશોએ વધુ પૂછપરછ કરતા મિહિર અગ્રવાલે તથા મેડીક્લેમ વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર ભાવિક હરેશકુમાર નિમાવતની મદદથી યતીન મણિયારની મેડિક્લેમની ખોટી ફાઈલ બનાવી હોવાની કબૂલાત કરી હતી. જેથી મેડીક્લેમ વિભાગના આસીસ્ટન્ટ મેનેજર ભાવિક હરેશકુમાર નિમાવતની પૂછપરછ કરતા પોતે ખોટી ફાઇલ બનાવવામાં મદદ કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આવા પ્રકારની કોઇ અન્ય મેડિક્લેમની ફાઈલ બનાવી છે કે કેમ તે બાબતે પૂછપરછ કરતા તેણે પોતાના મિત્ર અતુલભાઇ કનેરિયાની પણ covid મેડિક્લેમની ખોટી ફાઇલ બનાવી હોવાનું જણાવ્યું હતું. જે બાદ આ સમગ્ર મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

સેલ્બી હોસ્પિટલનાં  લેટરપેડ તેમજ સિક્કાનો ઉપયોગ કરી સહીઓ કરીને 3 લાખ 30 હજાર રૂપિયાના મેડિક્લેમની ખોટી ફાઈલ બનાવી સાચા તરીકે ઉપયોગ કરવા બાબતે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો હતો. હોસ્પિટલના કોર્પોરેટ ડેવલપમેન્ટ વિભાગનાં સિનિયર એક્ઝિક્યુટિવ મિહિર અગ્રવાલ તેમજ મેડીક્લેમ વિભાગના આસીસ્ટન્ટ મેનેજર ભાવિક નિમાવત સહિત યતીન મણિયાર અને અતુલ કનેરિયા આ ચાર જણા સામે ગુનો નોંધાયો છે અને પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.