Gandhinagar News : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોના ખિસ્સા પર વધુ એક બોજ નાખવામાં આવ્યો છે. નિગમે ચાલતી બસ સેવાના ભાડામાં એકાએક 10 ટકાનો વધારો ઝીંક્યો છે. આ નવા દરો આજ મધરાત્રિથી અમલમાં આવશે, જેના કારણે રાજ્યભરના આશરે 27 લાખ મુસાફરો સીધી રીતે પ્રભાવિત થશે.
બે વર્ષના સમયગાળામાં એસટી નિગમ દ્વારા કરવામાં આવેલો આ બીજો મોટો ભાડા વધારો છે. અગાઉ, બે વર્ષ પહેલાં નિગમે ભાડામાં 25 ટકા સુધીનો નોંધપાત્ર વધારો કર્યો હતો. આમ, ટૂંકા ગાળામાં આટલો મોટો વધારો મુસાફરો માટે આર્થિક રીતે મુશ્કેલી ઊભી કરી શકે છે.
નિગમ દ્વારા ભાડા વધારા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું નથી. જો કે, માનવામાં આવે છે કે વધતા જતા ખર્ચ અને સંચાલન ખર્ચને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને કારણે નિગમ પર આર્થિક દબાણ વધી રહ્યું હતું, જે આ ભાવ વધારાનું મુખ્ય કારણ હોઈ શકે છે.
રાજ્યમાં દરરોજ 18.21 લાખ ગ્રામીણ મુસાફરો, 46 હજાર શહેરી મુસાફરો અને 8.30 લાખ વિદ્યાર્થીઓ એમ કુલ મળીને 27.18 લાખ મુસાફરો રાજ્યની એસ.ટી. બસમાં મુસાફરી કરે છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને (GSRTC)ની કુલ 8,320 બસ દરરોજ 42,083 જેટલી ટ્રીપ પૂરી કરે છે. બધી બસોનું 34.52 લાખ કિલોમીટર જેટલું અંતર દરરોજ કાપે છે. ગુજરાતના 18,367 ગામડાઓ એટલે કે 99.34 ટકા ગામડાઓને એસ.ટી. નિગમે આવરી લીધા છે. રોજ સરેરાશ 68,000 ટિકિટ ઓનલાઇન બુક થાય છે.
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના રાજ્યમાં કુલ 16 ડિવિઝન, 125 બસ ડેપો, 151 બસ સ્ટેશન્સ અને 1554 જેટલા પીકઅપ સ્ટેન્ડ આવેલા છે. ડ્રાઇવર, કંડક્ટર, મિકેનિક, વહીવટી સ્ટાફ અને અધિકારીઓ કુલ મળીને 36,297 કર્મચારીઓ નિગમમાં કાર્યરત છે. કુલ 8,320 બસ દરરોજ 42,083 જેટલી ટ્રીપમાં 34.52 લાખ કિમી અંતર કાપે છે.
ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ સુધી આ બસ સેવાઓ વિસ્તરેલી છે. હાલ ST પાસે 8,320 બસની ફ્લિટ છે. જેમાં 20 વોલ્વો સ્લીપર, 50 વોલ્વો સીટર, 50 એ.સી. સ્લીપર, 50 એ.સી. સીટર, 50 ઇલેક્ટ્રિક, 431 નોન એસી સ્લીપર, 703 ગુર્જર નગરી, 5,556 ડીલક્સ એક્સપ્રેસ, 1105 મીની બસ અને 300 લક્ઝરી બસ છે.
આ ભાડા વધારાની સૌથી વધુ અસર સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરો પર પડશે, જેઓ મુસાફરી માટે એસટી બસ પર નિર્ભર છે. રોજિંદા મુસાફરી કરતા લોકો અને ગ્રામીણ વિસ્તારોમાં અવરજવર કરતા લોકો માટે આ વધારો આર્થિક બોજ સમાન સાબિત થઈ શકે છે.
નિગમના આ નિર્ણયથી મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે. ઘણા મુસાફરો આ વધારાને અયોગ્ય ગણાવી રહ્યા છે, તેમનું માનવું છે કે પહેલાથી જ મોંઘવારીથી પરેશાન લોકો માટે આ વધારો વધુ મુશ્કેલી ઊભી કરશે. હાલમાં એ જોવાનું રહેશે કે મુસાફરો અને સરકાર આ મુદ્દે શું પ્રતિક્રિયા આપે છે.
આ પણ વાંચો: 1 એપ્રિલ, 2025 થી નવો GST નિયમ,ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે ISD ફરજિયાત
આ પણ વાંચો: હોળી-ધુળેટીના તહેવારોને લઈ ST વિભાગની તૈયારી,9 માર્ચથી 13 માર્ચ સુધી દોડાવવામાં આવશે વધારાની બસો
આ પણ વાંચો: સુરત : મહાકુંભ માટે દોડાવેલ બસથી ST વિભાગને 1.50 કરોડ રૂપિયાની આવક