Breaking News: વડોદરાથી લગભગ 15 કિલોમીટર દૂર અંકોડીયા ગામ પાસે આવેલા એક વિશાળ ફરાસખાના (લગ્ન-સમારંભના મંડપનો માલસામાન રાખવાનું ગોદામ)માં અચાનક ભીષણ આગ લાગી જતાં આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ગોટેગોટા વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાંથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.
અંકોડીયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ
ઘટના બાદ વડોદરા ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીપી 13, વાડીવાડી, જીઆઈડીસી અને વાસણા ભાયલીની ફાયર ટીમો પણ પહોંચી ગઈ હતી. એક કલાકથી વધુ સમય સુધી પાણીનો જોરદાર મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ રહ્યા છે, પરંતુ આગ હજુ પણ કાબુમાં આવી નથી.
જાણવા મળ્યું છે કે આ ફરાસખાનું લગ્ન પ્રસંગો માટે વપરાતા મંડપ, ખુરશીઓ, લાઈટીંગ, ફૂલોનું ડેકોરેશન, ફેબ્રિક, પ્લાસ્ટિકની વસ્તુઓ તથા અન્ય જ્વલનશીલ સામગ્રીથી ઠાંસોઠાંસ ભરેલું હતું. આગનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ કે ગેસ લીકેજની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
