ટેસ્ટ બાદ હવે ઈંગ્લેન્ડની ટીમને સીમિત ઓવરોમાં પણ નવો કેપ્ટન મળી શકે છે. ખરાબ ફોર્મ અને ફિટનેસની સમસ્યાથી પરેશાન ઈયોન મોર્ગન ઈંગ્લેન્ડ ટીમની કેપ્ટન્સી છોડી શકે છે. મોર્ગન ટૂંક સમયમાં આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી શકે છે. જોસ બટલર સિવાય મોઈન અલી ઈંગ્લેન્ડનો આગામી કેપ્ટન બનવાની રેસમાં છે.
ઈયોન મોર્ગન છેલ્લા સાત વર્ષથી ઈંગ્લેન્ડની મર્યાદિત ઓવરોની ક્રિકેટની કમાન સંભાળી રહ્યો છે. મોર્ગનની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડ પ્રથમ વખત ODI વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું હતું. પરંતુ મોર્ગન હાલ આઉટ ઓફ ફોર્મ છે. નેધરલેન્ડ સામે તાજેતરમાં રમાયેલી શ્રેણીની બે મેચમાં મોર્ગન ખાતું પણ ખોલી શક્યો નહોતો. આ સિવાય ઈજાના કારણે તે ત્રીજી મેચમાં પણ રમી શક્યો ન હતો.
મોર્ગને હંમેશા દાવો કર્યો છે કે જ્યારે તેને લાગે છે કે તે હવે ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ માટે યોગ્ય નથી, તો તે પીછેહઠ કરશે. છેલ્લા કેટલાક સમયથી આવું જ થઈ રહ્યું છે. ઓગસ્ટ 2020 થી, મોર્ગને ODI અને T20ની 26 ઇનિંગ્સમાં માત્ર એક અડધી સદી ફટકારી છે. 2019ના વર્લ્ડ કપ બાદ તે માત્ર એક જ સદી ફટકારવામાં સફળ રહ્યો છે.
મોર્ગન ટૂંક સમયમાં સુકાની પદ છોડવાની જાહેરાત કરી શકે છે, કારણ કે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને નવા કેપ્ટનની પસંદગી કરશે. ECB વર્લ્ડ કપ પહેલા નવા કેપ્ટનને યોગ્ય તક આપવા માંગે છે. બની શકે છે કે આવતા સપ્તાહથી જ ભારત સામે રમાનાર શ્રેણીમાં ઈંગ્લેન્ડની ટીમને નવો કેપ્ટન મળી જશે.
હાલમાં, જોસ બટલર મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ઈંગ્લેન્ડનો નવો કેપ્ટન બનવાની રેસમાં આગળ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા મોઈન અલીનો દાવો પણ ઘણો મજબૂત માનવામાં આવે છે.
