મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા બે માર્ગ અકસ્માતમાં કુલ છ જણના મૃત્યુ થયા હતા. અકસ્માતની પહેલી ઘટનામાં સંત ગજાનન મહારાજના સ્થાનક તરીકે પ્રખ્યાત શેગાવ પાસે બની હતી. શેગાવથી દર્શન કરીને વાશિમના માલેગાવ પાછા ફરતા યુવાનોની એક કાર અને ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા કારમાં સવાર ત્રણ યુવકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું ત્યારે એક યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.
આ અકસ્માતમાં કાર ચાલક શુભમ કુટે (૨૩), ધનંજય નવગરે (૨૧) વિશાલ નવગરે (૨૨) અને મંગેશ નામદેવ રાઉત (૨૮)નું મૃત્યુ થયું હતું. જ્યારે અકસ્માતની બીજી ઘટના પુણે- સોલાપુર હાઈવે પર બની હતી.
આ ઘટનામાં બે ટ્રક અને કન્ટેનર વચ્ચે થયેલ વિચિત્ર અકસ્માતમાં બે જણના મૃત્યુ થયા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાઈ હતી. આ સંદર્ભે વધુ વિગતાનુસાર આજે સવારે ચાર વાગ્યે અહીંના કુંજીરવાડી ગામ પાસે પૂણે- સોલાપુર હાઈવે પર વિરુધ્ધ દિશામાં ટર્ન મારી રહ્યું હતું ત્યારે સામેથી પૂરપાટ વેગે આવી રહેલ અન્ય ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી.
આ બાદ તરત જ આંધ્રપ્રદેશથી પુણે તરફ જઈ રહેલ એક કન્ટેનરે આમાંથી એક ટ્રકને ટક્કર મારી હતી. આ વિચિત્ર અકસ્માતમાં અનિલ અંકુશ સૂર્યવંશી નામના એક ટ્રક ડ્રાઈવર અને શકિલ શેખ નામના ક્લિનરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
