પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યો સૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માંગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે. જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ મકરસંક્રાંતિમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું.

મહાભારતમાં કુરુ વંશનાં સક્ષક ભીષ્મ પિતામહે કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરિકે પણ ઉજવવામાં આવે છે.

મકરસંક્રાંતિનાં દિવસથી ભગવાન સૂર્ય પોતાનું તેજ વધારે છે અને પૃથ્વીનાં ઉતર ગોળાર્ધમાં પ્રવેશે છે. હિંદુઓ માટે સૂર્ય પ્રત્યક્ષ બ્રહ્મનું રૂપ છે, જે એક, અદ્વૈત, સ્વયં પ્રકાશમાન, શાનદાર દૈવત્વ, એક આર્શિવાદ અને તમામ અકથ્યનું પ્રતિક છે. સૂર્ય જે સમયનું ચક્ર ચલાવે છે. પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર,જે દરેક શ્રદ્ધાળુ હિંદુ દ્વારા રોજ ઉચ્ચારાય છે તે ભગવાન સૂર્યદેવને જ્ઞાન અને બુદ્ધીનું વરદાન પ્રાપ્ત કરવા માટે સમર્પિત કરાય છે. સૂર્ય ફક્ત એક દેવતાનું રૂપ જ નથી પરંતુ તે જ્ઞાન અને બુદ્ધીનાં અવતાર પણ છે. ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે કે આ જ્ઞાન તેમણે પહેલાં અનેક વખત કહ્યું છે જેમાં સૌ પ્રથમ વિવસ્વાન-સૂર્યને કહ્યું હતું, આમ સૂર્ય કૃષ્ણનાં પ્રથમ શિષ્ય હતાં. સૂર્ય માટે ક્યારેય રવિવાર હોતો નથી, તે નિરંતર કાર્યશીલતામાં માને છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
