Gautam Adani: ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની છત્રછાયા હેઠળ આગળ વધી રહ્યા છે તે પ્રકારના લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે શનિવારે કહ્યું કે મારો બિઝનેસ દેશના 22 રાજ્યોમાં ફેલાયેલો છે, જે તમામ રાજ્યોમાં ભાજપનું શાસન નથી.
એક ટીવી ચેનલ પર આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે (Gautam Adani) કહ્યું કે મારી સફળતાનું રહસ્ય સખત મહેનત છે. કોંગ્રેસની રાજીવ ગાંધી સરકારના સમયમાં મારો વ્યવસાય આગળ વધ્યો અને આજે તે 22 રાજ્યોમાં ફેલાયેલો છે. વ્યવસાય અને વ્યવહારિક જીવનમાં એક જ સૂત્ર કામ કરે છે, મહેનત, મહેનત અને મહેનત.
મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ગૌતમ અદાણીએ કહ્યું કે અમે દરેક રાજ્યમાં વધુમાં વધુ રોકાણ કરવા ઈચ્છીએ છીએ. આજે અદાણી જૂથ 22 રાજ્યોમાં કામ કરી રહ્યું છે, આનાથી વધુ ખુશીની વાત શું હોઈ શકે. અમે જે 22 રાજ્યોમાં કામ કરી રહ્યા છીએ તે તમામ ભાજપ શાસિત રાજ્યો નથી.
તેમણે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે અમને કોઈપણ રાજ્ય સરકાર સાથે કોઈ સમસ્યા નથી. અમે ડાબેરી શાસિત કેરળ, મમતા દીદીના પશ્ચિમ બંગાળ, નવીન પટનાયક જીના ઓડિશા, જગનમોહન રેડ્ડીના રાજ્ય, કેસીઆરના રાજ્યમાં પણ કામ કરી રહ્યા છીએ.
તેમણે વધુમાં કહ્યું કે રોકાણ કરવાનો અમારો ઉદ્દેશ્ય છે. હું મુખ્યમંત્રી અશોક ગેહલોતના આમંત્રણ પર રાજસ્થાન ઈન્વેસ્ટર્સ સમિટમાં ગયો હતો. બાદમાં રાહુલ (ગાંધી)એ પણ રાજસ્થાનમાં અમારા રોકાણની પ્રશંસા કરી હતી. હું જાણું છું કે રાહુલની નીતિઓ વિકાસ વિરોધી નથી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત અંગે તેમણે કહ્યું કે, ગુજરાત સરકાર ઉદ્યોગો માટે મૈત્રીપૂર્ણ છે. એવું નથી કે તેમણે અદાણી માટે કોઈ ખાસ ઉપકાર કર્યો છે. અદાણીએ કહ્યું કે પીએમ મોદી સાથેના તેમના સંબંધો પર સવાલ ઉઠાવનારા ટીકાકારો ભૂલી જાય છે કે તેમની યાત્રા લગભગ ચાર દાયકા પહેલા શરૂ થઈ હતી.
