નડીયાદ,
ઉત્તરસંડામાં બાયોમેડિકલ પ્લાન્ટથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. કંપનીને જીપીસીબીએ ક્લોઝર નોટિસ પાઠવી હતી પરંતુ કંપની કોર્ટમાં જતા મામલો ખોરંભાયો છે. કોર્ટે જીપીસીબીના અધિકારીઓને ધૂમાડાનો રિપોર્ટ આપવાનુ જણાવતા ગાંધીનગર,ખેડા,અને સુરતના અધિકારીઓ તપાસ અર્થે ઉત્તખંડા પહોંચ્યા હતા.
કંપનીના ધુમાડાનો રિપોર્ટ મેળવ્યો હતો. જો કે ગ્રામજનોએ રોષ ઠાલવતા જણાવ્યુ હતુ કે છેલ્લા બે વર્ષથી કંપનીને નોટિસ પાઠવી તપાસનુ નાટક કરવામાં આવે છે. વારંવાર જીપીસીબીની ટીમ તપાસ અર્થે આવે છે પરંતુ મામલાનુ નિરાકરણ થતુ નથી. તો કંપનીના માલિક જે ડી પટેલે જણાવ્યુ હતુ કે કોર્ટ તેની તરફેણમાં છે.
કાયદાને આધિન તેઓ કામ ચલાવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, આણંદના એક ડોક્ટર દ્વારા મધ્ય ગુજરાતના ડોક્ટરોની હોસ્પીટલમાંથી નીકળતા જુદા જુદા પ્રકારના મેડીકલ વેસ્ટના નિકાલનો બાયો મેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો.
જોકે મેડીકલ વેસ્ટના કારણે ચીમનીમાંથી નીકળતા ધુમાડાને કારણે ગ્રામ લોકોના આરોગ્ય પર ખતરો ઉભો થયો હતો. જેને કારણે ઉત્તરસંડાના ગ્રામજનોએ બાયોમેડિકલ પ્લાન્ટનો વિરોધ કર્યો.
