કાબુલમાં પ્રવેશ : અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક ચરમસીમાએ પહોંચી ગયો છે. નવીનતમ માહિતી અનુસાર, તાલિબાન આતંકવાદીઓ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ઘુસી ગયા છે અને દેશની તમામ સરહદો પર કબજો કરી લીધો છે. ત્રણ અફઘાન અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. તાલિબાનના આતંકવાદીઓએ કાબુલના કાલકન, કારાબાગ અને પેગમેન જિલ્લાઓમાં પ્રવેશ કરીને લોકોમાં ગભરાટ પેદા કરવાનું શરૂ કર્યું છે.
દરમિયાન, તાલિબાને એક નિવેદનમાં કહ્યું કે અફઘાનિસ્તાનની રાજધાનીમાં છૂટક છૂટક ગોળીબાર વચ્ચે કાબુલને “બળપૂર્વક” કબજે કરવાની તેમની યોજના નથી.
તમને જણાવી દઈએ કે બે દાયકાની લડાઈ બાદ અફઘાનિસ્તાનમાંથી અમેરિકન અને નાટો દળોના સંપૂર્ણ ઉપાડ પહેલા તાલિબાન તમામ બાજુથી દેશ પર કબજો જમાવી રહ્યું છે. તે જ સમયે, રાજધાની કાબુલની હદમાં પ્રવેશતા પહેલા ઉગ્રવાદી સંગઠને રવિવારે સવારે જલાલાબાદ શહેર પર કબજો કર્યો હતો.
કાબુલમાં પ્રવેશ્યાના અહેવાલો બાદ તાલિબાને નિવેદન જારી કર્યું
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પ્રવેશવાના અહેવાલો વચ્ચે તાલિબાને એક નિવેદન પણ જારી કર્યું છે. તે જણાવે છે કે તેઓ કોઈને નુકસાન પહોંચાડવાનો ઈરાદો ધરાવતા નથી. તાલિબાનોએ તેમના લડવૈયાઓને કાબુલમાં પ્રવેશ ન કરવા અને સરહદો પર રાહ જોવાનું કહ્યું છે. તાલિબાનોએ કહ્યું છે કે તેઓ નાગરિકો અથવા સૈન્ય સામે કોઈ જવાબી કાર્યવાહી નહીં કરે. જોકે, ઉગ્રવાદી સંગઠને લોકોને ઘરમાં રહેવાની ધમકી આપી છે.
15 ઓગસ્ટ / ભારતે પોતાનો પહેલો સ્વતંત્રતા દિવસ આ રીતે ઉજવ્યો હતો, જુઓ આ ખાસ તસવીરો
કાબુલનો પૂર્વ બાજુનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો
તાલિબાનોએ જલાલાબાદ પર કબજો કર્યા બાદ અફઘાનિસ્તાનની પૂર્વ બાજુનો કાબુલનો સંપર્ક સંપૂર્ણપણે કાપી નાખવામાં આવ્યો છે. આ પહેલા શનિવારે તાલિબાને અફઘાનિસ્તાનના ચોથા સૌથી મોટા શહેર મઝાર-એ-શરીફ પર કબજો કર્યો હતો. હવે જલાલાબાદના કબજાની માહિતી અફઘાન સાંસદ અને તાલિબાન બંનેએ આપી છે. એક તરફ તાલિબાન દ્વારા કેટલીક તસવીરો બહાર પાડવામાં આવી હતી. આમાં તાલિબાનો જલાલાબાદના ગવર્નર કાર્યાલયમાં જોવા મળે છે, બીજી તરફ પ્રાંતના સાંસદ અબરારુલ્લાહે જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં એક મજબૂત શહેર કબજે કરવામાં આવ્યું છે, જે અફઘાન સરકાર માટે મોટો ઝટકો છે.
તાલિબાનોનો ભય / તાલીબાનનો અફઘાનનાં ચોથા સૌથી મોટા શહેર મઝાર-એ-શરીફ પર કબ્ઝો
પાકિસ્તાને તોરખામ બોર્ડર બંધ કરી દીધી છે
તાલિબાને અફઘાનિસ્તાન સાથેની તોરખામ સરહદ પર કબજો કર્યા બાદ પાકિસ્તાને આ બોર્ડર બંધ કરી દીધી છે. પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદ અહમદે રવિવારે કહ્યું હતું કે, સરહદ પારના સંઘર્ષની સ્થિતિને જોતા તોરખામ સરહદ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહમદે સ્થાનિક ટેલિવિઝનને કહ્યું, “અફઘાન પોલીસે તાલિબાન સમક્ષ આત્મસમર્પણ કર્યા પછી, અમે સરહદ બંધ કરવાનો નિર્ણય કર્યો.”
અહમદે કહ્યું કે અફઘાનિસ્તાન સાથેની ચમન સરહદ ખુલ્લી છે. પાકિસ્તાન પહેલેથી જ કહી ચૂક્યું છે કે યુદ્ધગ્રસ્ત દેશમાં કટોકટીના પગલે તે નવા અફઘાન શરણાર્થીઓનો ભાર સહન કરી શકે તેમ નથી. પાકિસ્તાન બોર્ડર ફેન્સીંગનું કામ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું સરહદ પાર આતંકવાદીઓની અવરજવરને રોકવા માટે લેવામાં આવ્યું છે.
