વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલી ભવિષ્યવાણી આજે સાચી સાબિત થવા જઈ રહી છે. આજે પહેલીવાર ઓડિશામાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. મોહન ચરણ માઝી આજે ભુવનેશ્વરના જનતા મેદાનમાં સાંજે 5 વાગ્યે ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કેઓંઝર સીટથી 4 વખત ધારાસભ્ય બનેલા મોહન માઝી ઓડિશામાં આદિવાસીઓનો મજબૂત અવાજ છે.
પીએમ મોદી શપથ સમારોહમાં હાજરી આપશે
ઓડિશા સરકારમાં પ્રથમ વખત બે નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવી રહ્યા છે. મોહન માઝીની સાથે બીજેપીના વરિષ્ઠ નેતા કે.વી.સિંહ દેવ અને પ્રથમ વખતના ધારાસભ્ય પ્રભાતિ પરિદા આજે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. મોહન માઝીના શપથ સમારોહમાં પીએમ મોદી પોતે હાજર રહેશે. આ ઉપરાંત NDA શાસિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથ સમારોહમાં હાજરી આપશે. મંગળવારે, ભાજપ દ્વારા મોકલવામાં આવેલા નિરીક્ષકો રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં ભુવનેશ્વરમાં ભાજપ વિધાનમંડળ પક્ષની બેઠક યોજાઈ હતી, જેમાં મોહન માઝીને સર્વાનુમતે ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
ઓડિશામાં 25 વર્ષ બાદ સરકાર બદલાઈ છે
ઓડિશામાં પહેલીવાર ભાજપને જંગી જનાદેશ મળ્યો છે. આ વખતે 147 બેઠકોની વિધાનસભામાં ભાજપને 78, બીજેડીને 51, કોંગ્રેસને 14, સીપીએમને 1 અને અન્યને 3 બેઠકો મળી છે. નવીન પટનાયક એક સમયે NDAનો ભાગ હતા પરંતુ 2009માં તેમણે NDAથી અલગ થઈ ગયા હતા. આ પછી તેઓ ઓડિશામાં પોતાના દમ પર સરકાર ચલાવી રહ્યા હતા. આ પરિણામો સાથે ઓડિશામાં 25 વર્ષથી સત્તા પર રહેલા નવીન પટનાયકની રાજનીતિનો અંત આવી ગયો છે અને આજથી અહીં ભાજપની નવી સરકાર બનવા જઈ રહી છે.
મોદીની હાજરીમાં ચંદ્રાબાબુના શપથ
આંધ્રપ્રદેશમાં NDA ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. ચંદ્રબાબુ નાયડુ આજે સવારે 11.30 વાગ્યે ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. આ સાથે ટીડીપીના 19, જનસેનાના 3 અને ભાજપના 2 નેતા મંત્રી તરીકે શપથ લઈ શકે છે. પીએમ મોદીની સાથે બંને શપથવિધિ સમારોહમાં ભાજપના ટોચના નેતાઓ અને NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપશે.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર ! વર્ષમાં બે વખત યુનિવર્સિટી કે કોલેજમાં એડમિશન લઈ શકાશે
આ પણ વાંચો: યુનિવર્સિટીમાં હિજાબ પહેરવાથી રોકવામાં આવતા શિક્ષકે આપ્યું રાજીનામું, જાણો હોબાળા બાદ અધિકારીઓએ શું કહ્યું
આ પણ વાંચો: જયપુરના જ્વેલરે અમેરિકન મહિલા સાથે કરી છેતરપિંડી, 300 રૂપિયાના નકલી ઘરેણાં 6 કરોડમાં વેચ્યા