Mahesana News : મહેસાણા-અમદાવાદ હાઇવે પરના શિવાલા સર્કલ પર હાલમાં એક અનોખી સમસ્યા સર્જાઈ છે. અહીં એક બ્રિજનું નિર્માણ કાર્ય અટકી ગયું છે, અને તેનું કારણ છે તંત્ર અને કન્સ્ટ્રક્શન કંપનીની ઘોર બેદરકારી. આ બેદરકારીને કારણે માત્ર બ્રિજનું કામ જ અટક્યું નથી, પરંતુ હાઇવે પરથી પસાર થતા હજારો વાહનચાલકો અને સ્થાનિક લોકો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, મહેસાણા-અમદાવાદ હાઇવે પરના શિવાલા સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે બ્રિજ બનાવવાની યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત, કન્સ્ટ્રક્શન કંપનીએ બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કર્યું. પરંતુ, બ્રિજનું અડધું કામ પૂર્ણ થયા પછી, કંપની અને તંત્રને અચાનક ખ્યાલ આવ્યો કે, બ્રિજના બંને છેડા સર્કલ પર જોડવાના છે, અને સર્કલની બરોબર ઉપરથી 11,000 કેવીની હેવી વીજ લાઈન પસાર થાય છે. જો બ્રિજનું કામ આગળ વધારવામાં આવે તો, વીજ લાઈન બ્રિજને અડી શકે છે, જે ખૂબ જ જોખમી છે. આનાથી મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. આ કારણોસર, હાલમાં કન્સ્ટ્રક્શન કંપની અને તંત્રના પાપે બ્રિજનું કામ અટકાવી દેવામાં આવ્યું છે.
તંત્ર અને કંપનીની બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે. આટલી મોટી યોજના શરૂ કરતા પહેલા, તંત્ર અને કંપનીએ વીજ લાઈન પર કેમ ધ્યાન ન આપ્યું? શું આ બેદરકારીને કારણે મોટું આર્થિક નુકસાન થશે? આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવશે? આ બ્રિજની કામગીરી ક્યારે પૂરી થશે?
આ ઘટનાએ તંત્ર અને બ્રિજ બનાવતી કંપનીની કામગીરી સામે ઘણા ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ બ્રિજની આજુબાજુના સ્થાનિકોને અવરજવર માટે ખુબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. હાઇવે પર ટ્રાફિકની સમસ્યા વધુ વકરી છે. સ્થાનિક લોકો આ બેદરકારી માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
@ ALPESH PATEL
આ પણ વાંચો:મહિલા દિવસ પર પશ્ચિમ રેલ્વેની અનોખી પહેલ, ટ્રેક મશીનનું સંચાલન સંપૂર્ણ રીતે મહિલાઓ કરશે
આ પણ વાંચો:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર Google એ બનાવ્યું અદ્ભુત Doodle, ખાસ રીતે પાઠવી શુભેચ્છા
આ પણ વાંચો:પ્રખ્યાત લેખિકા સુધા મૂર્તિ રાજ્યસભા માટે નામાંકિત, મહિલા દિવસ પર PM મોદીની મોટી ભેટ