Gandhinagar News: રાજ્યમાં ખાતર વેચાણને લઈને અનેક ફરિયાદો ઉઠવા પામી છે. ખાતરના કાળાબજારો થઈ રહ્યા હોવાના આક્ષેપ થયા છે. એક કે બે નહીં પણ દસથી બાર જિલ્લામાં ખાતરના કાળાબજાર જઈ રહ્યા છે. આ બધા અહેવાલોના પગલે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ભડક્યા છે. તેમણે રીતસરનો ધોકો પછાડ્યો છે અને જણાવ્યું હતું કે ખેડૂતોને આપવામાં આવનારા ખાતરના વેચાણમાં ગેરરીતિ કરનારો ગમે તે હશે તેને છોડાશે નહીં, તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ખાતરની ગેરરીતિની તપાસ પર હું પોતે જાતે દેખરેખ રાખીશ, જે સત્ય હશે તે સામે લાવીશ.
રાજ્યમાં ખાતરના વેચાણમાં મોટાપાયા પર ગેરરીતિઓ થઈ રહ્યા હોવાના અહેવાલો એક પછી એક બહાર આવતા તંત્ર સફાળું જાગ્યું હતું. રાજ્યના દસથી બાર જિલ્લામાં ખાતરના વેચાણમાં ગેરરીતિ કે કૌભાંડ થયાના સમાચાર છે. આના પગલે રાજ્ય સરકારે જામનગર અને ભાવનગરના બે ખાતર વિક્રેતાઓને વેચાણ બંધ કરી દેવાની પણ સૂચના આપી છે. ખાતરના વેચાણમાં મોટાપાયા પર ગેરરીતિ જોતાં સરકારે હવે આ તપાસ આઇએએસ અધિકારી વિજય ખરાડીને સોંપી છે. તેઓ આ કેસની તલસ્પર્શી તપાસ કરી રહ્યા છે. મહિનાના અંત સુધીમાં અથવા તો આગામી મહિનામાં તેનો રિપોર્ટ આવી જાય તેમ મનાય છે.
રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખાતરના વેચાણની ગેરરીતિનો રિપોર્ટ આવી ગયા પછી જે એજન્સીઓ તેમા સંડોવાયેલી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમના લાઇસન્સ સુદ્ધા પણ રદ કરવામાં આવી શકે છે. ખેડૂતોને મળતું ખાતર અટકાવનારા કોઈને પણ છોડાશે નહીં. રાજ્યમાં ખેડૂતો લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા છે કે તેમને ખાતર મળી રહ્યું નથી. બીજી બાજુ સરકાર કરી રહી છે કે ખાતર તો તેમણે એજન્સીઓને મોકલી દીધું છે. ખેડૂતોની ખાતર ન મળવાની રાવ ગાંધીનગર સુધી પહોંચતા સરકાર મેદાનમાં ઉતરી હતી.
આ પણ વાંચો: મગફળી ચોરી પર રાઘવજી પટેલનું નિવેદન, કેન્દ્ર સરકાર આ મામલે કાર્યવાહી કરશે
આ પણ વાંચો: કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને આપ્યું આશ્વાસન, પાક નુકસાનીનો સર્વે કરશે
આ પણ વાંચો: અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે શુભારંભ

